વર્ષ 2022માં જે પ્રકારની પરિસ્થિતિઓ ચાલી રહી હતી તે મુજબ આવનાર વર્ષમાં ભારે મંદીનો સમય આવશે એવી આગાહી કરવામાં આવી હતી અને નવા વર્ષનાં આ પહેલા જ મહિનામાં એમેઝોન જેવી ઈ-કોમર્સ કંપની દ્રારા લેવામાં આવેલ આ પગલાએ આ આગાહીને સાચી સાબિત કરી હોય એવું લાગી રહ્યું છે. ગયા વર્ષે ગૂગલ, ફેસબુક, સ્નેપચેટ, માઈક્રોસોફ્ટ જેવી અનેક જાયન્ટ કંપનીઓએ છટણી કરીને કર્મચારીઓનો ભોગ લીધો હતો. જો કે, આ કંપનીઓમાં હવે એમેઝોન પણ સામેલ છે જેઓએ પોતાના 18,000 કર્મચારીઓની છટણી કરી નાખી હતી ત્યારે હાલ કંપનીએ છટણીની સાથે જ ડોનેશનમાં પણ કટૌતી શરુ કરી છે.
સામૂહિક છટણીની જાહેરાત કર્યા પછી ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને ખર્ચમાં કાપ મૂકવાની દિશામાં વધુ એક પગલું આગળ ભર્યું હોય તેવું લાગે છે. એમેઝોને બુધવારે જણાવ્યું હતું કે, ‘કંપનીનાં વ્યાપક ખર્ચ-કાપવાનાં પ્રયત્નોનાં તાજેતરના ઉદાહરણમાં તે ચેરિટી ડોનેશન પ્રોગ્રામને બંધ કરવાની યોજના ધરાવે છે.’
‘એમેઝોનસ્માઇલ’ નામના પ્રોગ્રામ અંતર્ગત smile.amazon.com ખરીદી કરો અને અમે તમારી મનપસંદ સેવાભાવી સંસ્થાને દાન આપીશું, તમે વિના મૂલ્યે. શરૂઆત કરો. એકસરખા જ ઉત્પાદનો, એકસરખી કિંમતો, એકસરખી સેવા. એમેઝોન તમારી ખરીદીની કિંમતનાં 0.5% દાન કરે છે. CNBCનાં એક અહેવાલ મુજબ એમેઝોને જણાવ્યું હતું કે, ‘તેઓએ વર્ષ 2013માં શરૂ થયેલા પ્રોગ્રામ પછી ચેરિટીઝને અંદાજે 500 મિલિયન ડોલરનું દાન આપ્યું છે. ત્યારે કંપનીએ તેની વેબસાઇટ પર પોસ્ટ કરેલ ગ્રાહકોને આપેલી નોટિસમાં જણાવ્યું છે કે, ‘એમેઝોન હવે 20 ફેબ્રુઆરી સુધીમાં ‘એમેઝોનસ્માઇલ’ ને સમેટી લેવાની યોજના ધરાવે છે.’
આ કાર્યક્રમ અપેક્ષા પર ખરો ઉતર્યો નહી
કંપનીએ જણાવ્યું હતું કે, ‘લગભગ એક દાયકા પછી અમે આ કાર્યક્રમથી જે આશા રાખી હતી, તે મુજબ તે વિકસ્યો નથી.’ એમેઝોને જણાવ્યું હતું કે, ‘આ કાર્યક્રમ દ્વારા સખાવતી સંસ્થાઓને આપવામાં આવેલું સરેરાશ દાન $230 કરતાં ઓછું હતું.’
એમેઝોન અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરશે
IANSનાં અહેવાલ મુજબ એમેઝોને જણાવ્યું હતું કે, ‘તે અન્ય ક્ષેત્રોમાં વૃદ્ધિ અને રોકાણ કરવાનું ચાલુ રાખશે કે, જ્યાં તેઓએ જોયું છે કે, તે અર્થપૂર્ણ પરિવર્તન લાવી શકે છે. અનુસૂચિત જનજાતિઓ માટે પરવડે તેવા આવાસ બનાવવાથી માંડીને વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર શિક્ષણની એક્સેસ આપવા સુધીની સુવિધાઓ અને અન્ય સુવિધાઓ પર પોતાનું કામ ચાલુ રાખશે. ‘એમેઝોનસ્માઈલ’ ને બંધ કરવાનું પગલું ત્યારે લેવામાં આવ્યું છે જ્યારે CEO એન્ડી જેસીએ કથળતા આર્થિક દૃષ્ટિકોણ અને તેના રિટેલ વિભાગમાં ધીમી વૃદ્ધિ વચ્ચે કંપનીનાં ખર્ચની વ્યાપક સમીક્ષા શરૂ કરી છે.
તાજેતરના સમયમાં એમેઝોને તેના ઇતિહાસની સૌથી મોટી છટણી કરી છે અને તેના કોર્પોરેટ વર્કફોર્સમાં ભરતીને ફ્રીઝ કરી છે. CEO જેસીએ ખર્ચ પર લગામ લગાવવાનું કામ કર્યું હોવાથી કંપનીએ વેરહાઉસને વિસ્તૃત કરવાના કામ પણ અટકાવી દીધા છે અને તેની ટેલિહેલ્થ સર્વિસ અને બાળકો માટેનાં એક વીડિયો-કોલિંગ ડિવાઇસ જેવા કેટલાક પ્રાયોગિક પ્રોજેક્ટ્સને પણ બંધ કરી દીધા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.