માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરની સર્વિસ ગઈકાલે એકાએક ઠપ થઈ ગઈ હતી. યૂઝર્સને પોતાની ટાઈમલાઈન પર ટ્વીટ જોવામાં અને નવી ટ્વીટ પોસ્ટ કરવામાં પરેશાની થઈ રહી હતી. ડાઉન ડિટેક્ટર મુજબ આ સમસ્યા ગઈકાલે બપોરે 3.47 વાગ્યાથી શરુ થઈ અને વિશ્વભરનાં યૂઝર્સને પ્રભાવિત કરી રહી હતી.
સંયુક્ત રાજ્ય અમેરિકા, યૂકે, જાપાન અને ભારત સહિત જુદા-જુદા દેશોનાં યૂઝર્સ આઉટેજની ફરિયાદ કરી હતી. આ પ્લેટફોર્મનાં ડેસ્કટોપ અને મોબાઈલ બંને વર્ઝન પ્રભાવિત થયા હતા. પ્લેટફોર્મ ડાઉન થવા પર સોશિયલ મીડિયા પર યૂઝર્સનાં ભરપૂર રિએક્શન આવી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા મીમ્સ
ટ્વિટરની સર્વિસ ગઈકાલે ડાઉન રહી તે અંગે કંપની તરફથી કોઈ નિવેદન આવ્યુ નથી. અમુક યૂઝર્સે ગઈકાલે પ્લેટફોર્મ પર મીમ્સ બનાવીને આઉટેજની ફરિયાદ કરી હતી. યૂઝર્સનું કહેવુ હતું કે, તે એપ પર પેઈજ અને ફીડ્સ લોડ કરી શકતા નથી. સાંજે 4 વાગ્યા સુધીમાં 4,446 કરતાં પણ વધુ ફરિયાદો નોંધાઈ ચૂકી હતી.
5 દિવસ પહેલા પણ થઈ હતી સર્વિસ ડાઉન
ટ્વિટર ડાઉન થવાની આ પહેલી ઘટના નથી. 5-6 દિવસ પહેલા પણ ટ્વિટરની સર્વિસ ડાઉન થઈ ગઈ હતી, જે રાતે 10 વાગ્યા પછી થઈ હતી ત્યારે યૂઝર્સ ન તો ડાયરેક્ટ મેસેજ વાંચી રહ્યા હતા કે ન તો પોસ્ટ અપડેટ કરી શકતા હતા.
શનિવારે જ 200 કર્મચારીઓની છટણી કરી હતી
ટ્વિટરે શનિવારની રાતે અંદાજે 200 જેટલા કર્મચારીઓની છટણી કરી નાખી હતી. તે ટ્વિટરનાં અંદાજે 2000 કર્મચારીઓનાં વર્કફોર્સનાં 10 ટકા છે. ઈલોન મસ્કે ઓક્ટોબરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હસ્તગત કર્યું હતું. તે પછી 7500 કર્મચારીઓમાંથી 50 ટકા કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી.
અત્યાર સુધીમાં 2 મોટા ફેરફાર કર્યા
કોસ્ટ કટિંગ માટે 50 ટકાથી વધુ કર્મચારીઓની છટણી કરી નાખવામાં આવી હતી. છટણી પછી મસ્કે કહ્યું હતું કે, ‘જ્યારે કંપનીને દરરોજનું 40 લાખ ડોલર (32.77 કરોડ રુપિયા)નું નુકશાન થઈ રહ્યું છે ત્યારે અમારી પાસે કર્મચારીઓને દૂર કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ ન હતો.
મસ્કે અમુક દેશોમાં 8 ડોલરમાં ટ્વિટર બ્લૂ સબસ્ક્રિપ્શન લોન્ચ કર્યું છે. જો યૂઝર્સ તેને ખરીદતા નથી તો પોતાનું વેરિફાઈડ ચેકમાર્ક ખોઈ બેસશે. ભારતમાં આ સર્વિસને મોબાઈલ માટે ₹900 મહિનાનાં અને વેબ યૂઝર્સ માટે ₹650માં લોન્ચ કરવામાં આવ્યુ છે.
સબસ્ક્રિપ્શન મોડ પર લઈ જવાના 3 કારણો
1. કંપનીને દરરોજ 32 કરોડનું નુકશાન થઈ રહ્યું છે. તે નવા મોડેલથી રેવેન્યૂ વધારવા ઈચ્છે છે.
2. મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યુ છે. તે તેની જલ્દી જ ભરપાઈ કરવા ઈચ્છે છે.
3. ટ્વિટર પર ભારે દેવુ છે. તે તેને પૂરુ કરવા માટે જાહેરાતો પર આધારિત રહેવા ઈચ્છતા નથી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.