ટ્વિટરની બ્લૂ સબસ્ક્રિપ્શન સર્વિસ 29 નવેમ્બરનાં રોજ ફરી લોન્ચ થશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મનાં નવા માલિક ઈલોન મસ્કે આ અંગે જાહેરાત કરી હતી. મસ્કે જણાવ્યું હતું કે, ‘તે રોક સોલિડ છે તેની ખાતરી કરવા માટે, બ્લુ વેરિફાઇડ 29 નવેમ્બરનાં રોજ ફરીથી લોન્ચ કરવામાં આવી રહ્યું છે.’ આ પહેલાં ઈલોન મસ્કે કહ્યું હતું કે, આ સર્વિસને આ અઠવાડિયાનાં અંતમાં રિલોન્ચ કરવામાં આવશે.
બ્લૂ ચેક માર્ક પહેલાં રાજનેતાઓ, પ્રસિદ્ધ હસ્તીઓ, પત્રકારો અને અન્ય સાર્વજનિક હસ્તીઓનાં વેરિફાઈડ એકાઉન્ટ માટે રિઝર્વ હતું. હવે આ બ્લૂ માર્કને સબસ્ક્રિપ્શન સર્વિસમાં જોડી દેવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ પૈસા ચૂકવીને આ બ્લૂ માર્ક લઈ શકશે. હાલ આ સર્વિસને 8 ડોલર પ્રતિમાસની કોસ્ટ પર લોન્ચ કરવામાં આવી છે પણ ફેક એકાઉન્ટ વધવાનાં ચલણનાં કારણે તેને સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
બ્લૂ સર્વિસનાં કારણે વધવા લાગ્યા ફેક એકાઉન્ટ્સ
પેઈડ વેરિફિકેશન ફીચર રોલઆઉટ થતાં જ ટ્વિટર પર અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી અનેક પ્રસિદ્ધ હસ્તીઓનાં ફેક એકાઉન્ટ સામે આવ્યા હતા. અમુક કંપનીઓનાં પણ ફેક એકાઉન્ટ સામે આવ્યા, જેના કારણે તે કંપનીની શેર પ્રાઈઝ રાતોરાત ગબડી પડી. અમુક લોકોએ ગેમિંગ કેરેક્ટર ‘સુપર મારિયો’ અને બાસ્કેટબોલ ખેલાડી લેબ્રોન જેમ્સનાં નામ પર પણ ફેક એકાઉન્ટ બનાવ્યા હતા.
ભારતમાં ચૂકવવા પડી શકે 719 રુપિયા
ભારતમાં અમુક ટ્વિટર યૂઝર્સને 10 નવેમ્બરની રાતે બ્લૂ સબસ્ક્રિપ્શન માટે એપલ એપ સ્ટોર પર પોપ-એપ જોવા મળ્યો. તેમાં ટ્વિટર બ્લૂ સબસ્ક્રિપ્શનની માસિક કિંમત 719 રુપિયા જણાવવામાં આવી છે. જો કે, આ કિંમત હજુ પણ અધિકૃત રીતે સામે આવી નથી.
સબસ્ક્રિપ્શન મોડ પર લઈ જવાનાં 3 કારણો
1. કંપનીને દરરોજ 32 કરોડનું નુકશાન થઈ રહ્યું છે, જેના કારણે તે નવું મોડેલ અમલમાં લાવીને રેવેન્યુ વધારવા ઈચ્છે છે
2. મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલરમાં ખરીદ્યું. તે જલ્દી જ તેની ભરપાઈ કરવા ઈચ્છે છે
3. ટ્વિટર પર મોટું દેણું છે, તે તેની ભરપાઈ માટે જાહેરાત પર આધારિત રહેવા માગતા નથી
મસ્કે ટ્વિટરનું ટેકઓવર કર્યું તે પછી, તેનાં CEO પરાગ અગ્રવાલ સહિત લોકપ્રિય માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મનાં લગભગ અડધા કર્મચારીઓને બરતરફ કર્યા છે અને કંપનીનાં નાદાર થવાનું જોખમ પણ વધાર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.