ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ટૂંક સમયમાં જ 10 હજાર કર્મચારીઓને છૂટા કરી શકે એવી સંભાવનાઓ સેવાઈ રહી છે. ઈન્ફોર્મેશનની એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, એક્ટિવિસ્ટ હેજ ફંડ્સ(રોકાણકારો જાહેર કંપનીઓનો અમુક હિસ્સો ખરીદી બદલામાં પૈસા આપે તે) નાં દબાણ, બજારની સ્થિતિ અને કોસ્ટ કટિંગનાં કારણે આમ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ મુજબ ગૂગલનાં મેનેજર્સને ‘ખરાબ પ્રદર્શન’ કરનારાં કર્મચારીઓનું વિશ્લેષણ કરીને તેની યાદી બનાવી રેન્ક આપવા માટે કહ્યું. કંપનીનો પ્લાન 6 ટકા સ્ટાફ ઘટાડવાનો છે. સૌથી ઓછા રેન્કવાળા કર્મચારીઓને કંપનીમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે.
ગૂગલમાં અન્ય ટેક કેપનીઓ કરતાં સૌથી વધુ કર્મચારીઓ
બ્રિટનનાં હેજ ફંડનાં અબજોપતિ ક્રિસ્ટોફર હોને આલ્ફાબેટને એક લેટર લખ્યો હતો. આ લેટરમાં કહેવામાં આવ્યું છે કે, ‘આલ્ફાફેટનાં કર્મચારીઓને અન્ય ટેક જાયન્ટ્સ કરતાં ઘણું વધારે વેતન આપવામાં આવે છે અને કર્મચારીઓની સંખ્યામાં પણ કાપ મૂકવાની જરૂર છે.’
ગૂગલમાં 1.87 લાખ કર્મચારીઓ કાર્યરત
આલ્ફાબેટમાં જ અંદાજે 1.87 લાખ કર્મચારીઓ કામ કરે છે. હોનનાં મત મુજબ કર્મચારીઓની સંખ્યા કંપનીની વર્તમાન સ્થિતિની જરુરિયાતો સાથે મેળ ખાતી નથી. હોનનો એવો દાવો છે કે, સર્ચ એન્જિનને ખૂબ જ ઓછી સેલેરીવાળી પ્રોફેશનલ્સની સાથે કુશળતાપૂર્વક ચલાવી શકાય છે.
કર્મચારીઓની એવરેજ સેલેરી 2,95,884 ડોલર
સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ કમિશન ફાઈલિંગ મુજબ ગયા વર્ષે આલ્ફાબેટ કંપનીનાં કર્મચારીઓની એવરેજ સેલેરી 2,95,884 ડોલર હતી. હોને પોતાનાં એક લેટરમાં કહ્યું હતું કે, ‘આ સેલેરી માઈક્રોસોફ્ટનાં કર્મચારીઓને અપાતી સેલેરીથી અંદાજે 70 ટકા વધુ છે.’ અમેરિકાની 20 સૌથી મોટી ટેક કંપનીઓની તુલનામાં અલ્ફાબેટે પોતાના કર્મચારીઓને 153 ટકા વધુ પેમેન્ટ કર્યું.
ટ્વિટર, મેટા અને અમેઝોને પણ તાજેતરમાં જ છટણી કરી
ગૂગલ પહેલા ટ્વિટર, મેટા, અમેઝોન જેવી કંપનીઓ પણ મોટી છટણી કરી ચૂકી છે. ટ્વિટરે અંદાજે 50 ટકા કર્મચારીઓની છટણી કરી છે જ્યારે મેટાએ ઈતિહાસની સૌથી મોટી છટણી કરી, 11 હજાર કર્મચારીઓને એકસાથે કાઢી મૂક્યા તો બીજી તરફ ન્યૂયોર્ક ટાઈમ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેઝોનમાં પણ 10 હજારથી વધુ કર્મચારીઓની છટણી કરવામાં આવી ચૂકી છે. અમેઝોને પોતે પણ આવનાર વર્ષ સુધી છટણી ચાલુ રહેવાની જાહેરાત કરી દીધી છે.
સ્નેપચેટમાં પણ 20 ટકા કર્મચારીઓને છૂટા કર્યા
સ્નેપચેટ એ સોશિયલ મીડિયાની એવી પહેલી કંપનીઓમાંની એક હતી, જેણે છટણીની જાહેરાત કરી હતી. તેણે આ વર્ષે ઓગસ્ટમાં તેના લગભગ 20 ટકા કર્મચારીઓમાં ઘટાડો કર્યો છે. Snap ખાતે છટણી પહેલાં કુલ હેડકાઉન્ટ આશરે 6,400 જેટલાં હતાં. મિનિ-એપ્સ અને ગેમ્સ જેવા વિભાગો અને સોશિયલ મેપિંગ Zenlyનાં કર્મચારીઓને છટણીની અસર થઈ હતી.
Snap એ જાહેરાતની આવકમાં પણ ઘટાડો કર્યો છે, CEO ઇવાન સ્પિજેલે લખ્યું છે, ‘અમે આવકની વૃદ્ધિને ફરીથી વેગ આપવા માટે અમારું કાર્ય ચાલુ રાખીશું, ત્યારે આપણે કોઈપણ વાતાવરણમાં Snapની લાંબા ગાળાની સફળતાની ખાતરી કરવી આવશ્યક છે. હું ખૂબ જ દિલગીર છું કે અમારા વેપારની લાંબા ગાળાની સફળતાને સુનિશ્ચિત કરવા માટે આ ફેરફારો જરૂરી છે.’ જો કે, એપલે આ બધાની વચ્ચે નોકરીમાં કોઈ કાપ મૂકવાની જાહેરાત કરી નથી પરંતુ, તેણે હાયરિંગ ધીમું કરી દીધું છે.
અન્ય ટેક કંપનીઓ
ભારતમાં બાયજુસ, અનકેડેમી અને અન્ય જેવી કંપનીઓએ પણ અનેક કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. એકલી બાયજુસે જ 2500 કર્મચારીઓને છૂટા કર્યા છે અને તે ભારતનાં સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ્સમાંનું એક છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.