એપલનાં નવાં ફોન અને વોચ લોન્ચ:કંપનીએ આઇફોન-14 સિરીઝનાં 5 મોડલ લોન્ચ કર્યાં, શરૂઆતની કિંમત 79,900

23 દિવસ પહેલા

કેલિફોર્નિયાના ક્યુપર્ટિનોના એપલ પાર્કમાં આઇફોન-14 સિરીઝ લોન્ચ કરાયો હતો. 2020 પછી આ પહેલી ફિઝિકલ ઈવેન્ટ હતી. આ વર્ષની એપલ ઇવેન્ટમાં આઇફોન-14, આઇફોન-14 પલ્સ, આઇફોન-14 પ્રો, આઇફોન-14 પ્રો મેક્સ લોન્ચ કર્યા હતા. ભારતમાં આઇફોન 14 સિરીઝના પ્રી-ઓર્ડર 9 સપ્ટેમ્બરે સાંજે 5:30 વાગ્યાથી શરૂ થશે. આઇફોન 14 પ્લસ સિવાયના તમામ 16 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે. 14 પ્લસ 9 ઓક્ટોબરથી ઉપલબ્ધ થશે.

શરૂઆતની કિંમત 79,900
આઇફોન-14ને 128GB, 256GB અને 512GB સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યા છે. એની કિંમત 79,900 રૂપિયા, 89,900 રૂપિયા અને 1,09,900 રૂપિયા છે. આઇફોન 14 પ્લસને પણ આ જ સ્ટોરેજ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. એની કિંમત 89,900 રૂપિયા, 99,900 રૂપિયા અને 1,19,900 રૂપિયા છે.

આ સિવાય આઇફોન 14 પ્રોને 128 GB, 256 GB, 512 GB અને 1 GB સ્ટોરેજમાં લોન્ચ કરવામાં આવ્યો છે. એની કિંમત 1,29,900 રૂપિયા, 1,39,900 રૂપિયા, 1,59,900 રૂપિયા અને 1,79,900 રૂપિયા છે. આઇફોન 14 પ્રો મેક્સની કિંમત 1,39,900 રૂપિયા, 1,49,900 રૂપિયા, 1,69,900 રૂપિયા અને 1,89,900 રૂપિયા છે.

સિરીઝ 8, SE અને અલ્ટ્રા વોચ લોન્ચ
કંપનીએ વૉચ સિરીઝ 8ને વધુ હેલ્થ ફીચર્સ સાથે લોન્ચ કરી છે, જેમાં મોટી ડિસ્પ્લે અને બોડી-ટેમ્પરેચર સેન્સરનો સમાવેશ થાય છે. SE, અલ્ટ્રા વોચ અને એરપોડ્સ પ્રો 2 પણ લોન્ચ કરવામાં આવ્યા છે. વોચ સિરીઝ 8ની કિંમત 45,900 રૂપિયા, SEની કિંમત 29,900 રૂપિયા અને અલ્ટ્રાની કિંમત 89,900 રૂપિયા છે. સિરીઝ 8 અને SE 16 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે, જ્યારે અલ્ટ્રા 23 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.

એપલે એરપોડ્સ લોન્ચ કર્યા
એરપોડ્સ પ્રો સેકન્ડ જનરેશનને પણ આ ઇવેન્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. એની કિંમત 26,900 રૂપિયા છે. એના ઓર્ડર 9 સપ્ટેમ્બરથી કરી શકાશે. આ 23 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.