બજેટ સ્માર્ટફોન યૂઝર્સને આકર્ષવા માટે એપલ તેના લોકપ્રિય એરપોડ્સનાં સસ્તા વેરિયન્ટ પર કામ કરી રહ્યું છે, એમ 9to5Macનાં એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ હેયતોંગ ઇન્ટરનેશનલ રિસર્ચ એનાલિસ્ટ જેફ પુનો દાવો છે કે, ‘એરપોડ્સનાં શિપમેન્ટમાં ઘટાડાને અટકાવવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. ઈન્ફોર્મેશન ઈન્ડસ્ટ્રીનાં સ્ત્રોતોનાં આધારે પીયુની માન્યતા છે કે, ‘એરપોડ્સનું શિપમેન્ટ વર્ષ 2022માં 73 મિલિયન યુનિટ હતું, જે ઘટીને વર્ષ 2023માં 63 મિલિયન યુનિટ થવાની ધારણા છે.’
જેફ પુનાં જણાવ્યા મુજબ એપલ આ વર્ષે કોઈ નવા એરપોડ્સ લોન્ચ નહીં કરે તે પાછળ પણ એરપોડ્સનાં વેચાણમાં થતા ઘટાડાની ધારણા જ જવાબદાર હોઈ શકે છે. તેઓએ એમ પણ કહ્યું કે, ‘કંપની ઓછી કિંમતની પ્રોડક્ટ બનાવવા પર કામ કરી રહી છે કે, જે નોન-એપલ બ્રાન્ડેડ ઇયરબડ્સ સાથે સ્પર્ધા કરશે. તેમાં કઈ-કઈ સુવિધાઓ મળશે અને આ પ્રોડક્ટનું માર્કેટિંગ કેવી રીતે કરવામાં આવશે? તે અંગે હજી સુધી કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી.
પ્રીમિયમ એરપોડ્સનું લોઅર વર્ઝન તૈયાર કરશે
હાલ જો એરપોડ્સની વાત કરીએ તો 2nd જેનેરેશનનાં એરપોડ્સ સૌથી સસ્તાં છે, તે તમે ₹14,900ની કિંમતે ખરીદી શકો છો. તે પછી 3rd જેનેરેશનનાં એરપોડ્સ ₹19,900ની કિંમતે મળી રહેશે. આ સિવાય એરપોડ્સનું એક પ્રો વર્ઝન અને મેક્સ વર્ઝન પણ ઉપલબ્ધ છે. 2nd જેનેરેશનનું એરપોડ્સનું પ્રો વર્ઝન તમને ₹26,900ની કિંમતે મળશે અને એરપોડ્સનું મેક્સ વર્ઝન તમને ₹59,900ની કિંમતે મળશે. એરપોડ્સની આ કિંમતો એવી છે કે, જેમાં તમે એક સારો એવો સ્માર્ટફોન ખરીદી શકો છો ત્યારે પોતાનાં પ્રીમિયમ એરપોડ્સનું એક લોઅર વર્ઝન તૈયાર કરવા માટે કંપની હવે સજજ થઈ ચૂકી છે.
રિપોર્ટમાં એ વાત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે કે, એરપોડ્સનું લાઇટ વર્ઝન એ 129 ડોલર (₹10683.78 અંદાજે)નાં પ્રાઇસ ટેગ કરતાં પણ સસ્તું હોઇ શકે છે. આ સિવાય વૈકલ્પિક રીતે એપલ પોતાનાં 2nd જનરેશન એરપોડ્સની કિંમત ઘટાડીને 9,999 રૂપિયા પણ કરી શકે છે. શું તમને લાગે છે કે, આ સસ્તાં એરપોડ્સ નોન-એપલ બ્રાન્ડેડ ઇયરબડ્સને સ્પર્ઘા આપી શકે?
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.