લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે મોબાઈલ બનાવનારી કંપનીઓ પર સખત પગલા ઊઠાવવા જઈ રહી છે. તે અંતર્ગત હવે કંપનીઓએ મોબાઇલમાં પ્રી-ઇન્સ્ટોલ્ડ એપને અનઇન્સ્ટોલ કરવાનો વિકલ્પ આપવો પડશે. આ ઉપરાંત ઓપરેટિંગ સિસ્ટમમાં મોટા અપડેટ્સનું સ્ક્રીનિંગ પણ કરવામાં આવશે.
રોયટર્સનાં રિપોર્ટ મુજબ સરકારનાં આ નિર્ણયથી સેમસંગ, શાઓમી, વીવો અને એપલ જેવી કંપનીઓ પ્રભાવિત થશે. આ કંપનીઓનાં સ્માર્ટફોન્સમાં પહેલાથી જ અમુક એપ ઈન્સ્ટોલ હોય છે, જેને યૂઝર પોતાના સ્માર્ટફોનથી અનઈન્સ્ટોલ કરી શકતો નથી.
નવા સુરક્ષા નિયમો
જો કે, નવા સુરક્ષા નિયમો વિશેની વધુ કોઈ માહિતી હાલ સામે આવી નથી પરંતુ, એવુ કહેવામાં આવી રહ્યુ છે કે, આ નિયમોથી નવા સ્માર્ટફોનની લોન્ચિંગ પ્રભાવિત થઈ શકે છે. જો કે, ભારત વિશ્વનું બીજા નંબરનું મોટુ સ્માર્ટફોન માર્કેટ છે. એવામાં જો કોઈ સખત નિયમો લાદવામાં આવશે તો કંપનીઓ માટે તેને અવગણવા સરળ રહેશે નહી.
ડેટાની જાસૂસી અને તેના ખોટા ઉપયોગને લઈને સરકાર ચિંતાતુર
રોયટર્સની એક રિપોર્ટ મુજબ IT મિનિસ્ટ્રી યૂઝર ડેટાની જાસૂસી અને તેના ખોટા ઉપયોગને લઈને ચિંતિત છે. એક સીનિયર ઓફિસરે નામ ન જણાવવાની શરતે જણાવ્યુ હતું કે, હાલ સરકાર આ નિયમો વિશે વિચારી રહી છે. પ્રી-ઈન્સ્ટોલ એપ્સ એ નબળો સિક્યોરિટી પોઈન્ટ સાબિત થઈ શકે છે. અમે નથી ઈચ્છતા કે, ચીન સહિત કોઈપણ વિદેશી તાકત તેનો ફાયદો ઊઠાવે. આ નેશનલ સિક્યોરિટીનો મામલો છે.
સૈનિક અને તેના પરિવારો ચીની મોબાઈલોનો ઉપયોગ ન કરે
હાલમાં જ ગુપ્ત એજન્સીઓ મારફતે મળેલી એક એડવાઈઝરીમાં એવુ કહેવામાં આવ્યુ હતું કે, સૈનિકો ચીની મોબાઈલનો ઉપયોગ ન કરે. આ ઉપરાંત સૈનિકોનાં પરિવારોને પણ ચીની સ્માર્ટફોનનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. આ માટે તમામ રક્ષા યૂનિટ્સ અને ફોર્મેશન્સને પોતાના કર્મચારીઓને સાવચેત કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. આ એડવાઈઝરી એટલા માટે બહાર પાડવામાં આવી હતી કે કારણ કે, ચીની કંપનીઓનાં સ્માર્ટફોનમાં મેલવેર અને સ્પાયવેર મળ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા.
ચીનનાં 300 એપ્સ પર પ્રતિબંધ લાગી ચૂક્યો છે
કેન્દ્ર સરકાર ચીની ટેક કંપનીઓ વિરુદ્ધ વર્ષ 2020થી સખત પગલાઓ લે છે. ભારત સરકાર અત્યાર સુધીમાં 300થી વધુ ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે. ફક્ત એટલું જ નહી ચીની કંપનીઓ દ્વારા ભારતમાં કરવામાં આવેલા રોકાણ પર પણ કડકાઈ ભરેલુ વલણ દાખવી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.