બેસ્ટ ગેજેટ્સ ઓફ ધ યર:કોરોના જ નહિ બલકે આ 10 ગેજેટ્સ માટે પણ યાદગાર રહેશે 2020, કેટલાક ગેજેટ્સની હજુ પણ રાહ જોવાઈ રહી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ વર્ષ ભલે કડવી યાદોથી પૂરું થવાનું છે. આવનારા વર્ષથી ઘણી બધી આશાઓ છે. 2020માં ભલે કોરોનાવાઈરસે તારાજી સર્જી હોય, પરંતુ આ વર્ષ ટેક્નોલોજી વર્લ્ડ માટે ફળદાયી રહ્યું છે. કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ શૉ 2020 દરમિયાન ઘણી કંપનીઓએ પોતાની એડવાન્સ અને ફ્યુચર ટેક્નોલોજીથી સજ્જ ગેજેટ્સ લોન્ચ કર્યા. અમે તમને 2020ના આવા જ કેટલાક ગેજેટ્સ વિશે જણાવી રહ્યા છીએ.

1. એટમૉસ માસ્ક

આખી દુનિયામાં પ્રદૂષણની સમસ્યા વધી રહી છે તેને ધ્યાનમાં રાખી એઓ એર કંપનીએ એક ખાસ પ્રકારનો માસ્ક તૈયાર કર્યો છે. તેની પ્રારંભિક કિંમત 350 ડોલર (આશરે 25 હજાર રૂપિયા) છે. આ વર્ષે કોરોના કહેરને લીધે માસ્ક પણ આવશ્યક બન્યો છે. જોકે, કોવિડને કારણે તેના લોન્ચિંગમાં વિલંબ થયો હતો.

2. મોટો રેઝર 5G

મોટોરોલાએ તેના ફોલ્ડેબલ રેઝર 5Gને ભારતમાં લોન્ચ કર્યો. તે મોટોરોલા રેઝરનું અપગ્રેડેડ વર્ઝન છે. તેમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ 5G ફોનમાં 6.2 ઈંચની ફ્લેક્સિબલ OLED ડિસ્પ્લે મળે છે, જે ફોલ્ડ થઈ શકે છે. તેમાં નોટિફિકેશન માટે ‘ક્વિક વ્યૂ’ ડિસ્પ્લે મળે છે. ફોનની બોડી મેટલ અને ગ્લાસની છે. તેમાં 3D ગ્લાસ અને 7000 સિરીઝ એલ્યુમિનિયમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

3. ઈન્ટેલ ફોલ્ડેબલ ટેબ્લેટ

ઈન્ટેલે આ વર્ષે ફોલ્ડેબલ ટેબ્લેટનું પ્રોટોટાઈપ મોડેલ રજૂ કર્યું છે. તેને હૉર્સશૂ બેન્ડ કોન્સેપ્ટ પર ડેવલપ કરાયું છે. તેમાં 17 ઈંચની OLED ડિસ્પ્લે છે. અત્યાર સુધીની આ સૌથી મોટી ટેબ્લેટ સાઈઝ છે. આ ટેબ્લેટ કંપનીના ટાઈગર મોબાઈલ પ્રોસેસરથી સજ્જ છે. કંપનીએ જણાવ્યું કે વાયરલેસ કી-બોર્ડ કનેક્ટ કરી ફુલ ડિસ્પ્લેનો ઉપયોગ કરી શકાય છે.

4. લેનોવો થિંકબુક પ્લસ

લેનોવોએ વર્ષની શરૂઆતમાં જ પોતાનું થિંકબુક પ્લસ લેપટોપ રજૂ કર્યું. તેની ખાસ વાત એ છે કે ઉપરની સપાટી પર 10.8 ઈંચની સેકન્ડરી ડિસ્પ્લે મળે છે. તેને કંપનીએ ઈ ઈંક ડિસ્પ્લે નામ આપ્યું છે. તેમાં યુઝર મહત્ત્વની નોટ્સ લખી શકશે બલકે ઈબુક વાંચવાની સાથે કેલેન્ડર અને નોટિફિકેશન વાંચી શકશે. તેની સ્ક્રીનમાંથી બ્લૂ લાઈટ એમિટ થતી નથી, જેથી તેનાથી આંખોને નહિવત નુક્સાન છે. ઈ ઈંક ડિસ્પ્લે મોડમાં 24 કલાક ઉપયોગ કરી શકાય છે. તેમાં ઈન્ટેલ 10th જનરેશન પ્રોસેસર, 16GB રેમ સહિત 45W બેટરી મળે છે. તેની કિંમત 1.40 લાખ રૂપિયા સુધી હશે.

5. સેમસંગ સેલ્ફી ટાઈપ

આ એક વર્ચ્યુઅલ કીબોર્ડ છે. તે તમામ પ્રકારની સરફેસ પર કામ કરે છે. સેલ્ફી ટાઈપ યુઝરના સ્માર્ટફોનના સેલ્ફી કેમેરાથી ઓપરેટ થાય છે. કેમેરા યુઝરના ફિંગર્સ મોશન ટ્રેક કરે છે. અર્થાત કીબોર્ડમાં જે રીતે ટાઈપ કરવામાં આવે છે તે રીતે આંગળીઓની મૂવમેન્ટને કેપ્ચર કરી રિયલ ટાઈમમાં ટાઈપ કરે છે. આ કીબોર્ડ સ્માર્ટફોન, ટેબ્લેટ સહિતના તમામ પ્રકારના ડિવાઈસ પર સપોર્ટ કરે છે.

6. મેટ્રિક્સ જૂનો સુપરકૂલર

જૂનો કંપનીએ પોતાનું કૂલિંગ મશીન આ વર્ષે શોકેસ કર્યું. આ મશીનની ખાસ વાત એ છે કે તે 1 મિનિટથી પણ ઓછા સમયમાં પાણીને ઠંડું કરી દે છે. તેને માઈક્રો રેફ્રિજેરેટર પણ કહી શકાય છે. હકીકતમાં આ મશીનની અંદર એક બોક્સ છે જેમાં કન્ટેન્ટને કોઈ બોટલમાં રાખવામાં આવે છે. તે 1 મિનિટથી પણ ઓછા સમયમાં તેને ઠંડું અથવા ચિલ્ડ બનાવે છે. ઠંડી બિયર, કોલ્ડ કોફી પીનારા લોકો માટે આ બેસ્ટ મશીન છે. પ્રી-ઓર્ડર દરમિયાન તેની કિંમત 199 ડોલર (લગભગ 14,000 રૂપિયા) રાખવામાં આવી હતી.

7. ટચસ્ક્રીન માઈક્રોવેવ

કિચન પ્રોડક્ટ્સ બનાવતી અમેરિકન કંપની જીઈ એપ્લાયન્સે માઈક્રોવેવ લોન્ચ કર્યું. આ માઈક્રોવેવમાં 27 ઈંચની સ્માર્ટ ટચસ્ક્રીન આપવામાં આવી છે. કંપનીએ તેને કિચન હબ નામ આપ્યું છે. તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પાવર્ડ કમ્પ્યુટર વિઝન ટેક્નોલોજી સાથે આવે છે. તેની મદદથી તમે મીલ પ્લાન કરી શકો છો. તે ઉપરાંત તે ખોરાકના બગાડને અટકાવવા માટેની ટીપ્સ પણ આપે છે. એટલું નહીં 27 ઈંચ સ્ક્રીન પર નેટફ્લિક્સ જોવાની પણ સુવિધા છે. આ માઈક્રોવેવની અંદર કેમેરા આપવામાં આવ્યા છે, જે ફૂડનું કૂકિંગ બતાવે છે.

8. લેડરોલર વ્હીલ ચેર

જે લોકોના પગ કામ નથી કરતા, તેમના માટે આ ચેર કોઈ ચમત્કારથી ઓછી નથી. લેડરોલર કંપનીએ પોતાની શેપ ચેન્જ કરતી વ્હીલ ચેર શૉમાં રજૂ કરી હતી જે દિવ્યાંગો માટે ઘણી ઉપયોગી સાબિત થશે. પરંપરાગત વ્હીલચેર જે હંમેશાં સિટિંગ પોઝિશનમાં રહે છે, જ્યારે લેડરોલરમાં યુઝર પોતાની સુવિધા પ્રમાણે શેપ ચેન્જ કરી શકશે. તે થોડી જ સેકન્ડમાં સિટિંગથી સ્ટેન્ડિંગ પોઝિશનમાં આવી જાય છે. તે રસ્તામાં આવતી અડચણો જેમ કે સ્પીડ બ્રેકર, સીડીને પણ પાર કરવામાં સક્ષમ છે.

9. સેમસંગ બેલી રોબોટ

સાઉથ કોરિયાની કંપની સેમસંગે 2020માં બોલની જેમ દેખાતો બેલી રોબોટ રજૂ કર્યો. આર્ટિફિશિયલ ઈન્જેલિજન્સ ટેક્નિકથી સજ્જ આ રોબોટ સિક્યોરિટી અને ફિટનેસ અસિસ્ટન્ટની જેમ કામ કરશે. તે ઘરમાં રહેલા અન્ય સ્માર્ટ ડિવાઈસના સંપર્કમાં રહેશે. તે યુઝરની લાગણીઓને સમજી શકશે, તેને સપોર્ટ કરશે અને જરૂરિયાત મુજબ કામ કરશે. તે ઘરમાં હાજર બાળકો અને પેટ્સની સાથે પણ રમશે.

10. પ્રોસ્થેટિક હેન્ડ

બ્રેનકો નામની કંપનીએ આ વર્ષે પ્રોસ્થેટિક હેન્ડનું ફાઈનલ વર્ઝન રજૂ કર્યું. આ AI પાવર્ડ પ્રોથેસ્ટિક હેન્ડ, યુઝરના મગજના તરંગો અને સ્નાયુઓના સિગ્નલ દ્વારા કામ કરે છે, એટલે કે યુઝરના વિચાર પર કામ કરે છે. યુઝર તેનાથી પેઈન્ટિંગ, રાઈટિંગ, અને મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડવા જેવા કામ સરળતાથી કરી શકશે. કંપનીએ જણાવ્યું કે, તેને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન તરફથી માન્યતા મળી ગઈ છે. તેની કિંમત લગભગ 7 લાખ રૂપિયા સુધી હશે.

અન્ય સમાચારો પણ છે...