મોબાઈલ ખર્ચમાં વધારો:ટેલિકૉમ કંપનીઓ ફરી વધારી શકે છે ટેરિફ, કુલ ગ્રાહકોમાં ઘટાડો પરંતુ એક્ટિવ યુઝર્સમાં વધારો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વધતી મોંઘવારી વચ્ચે ટેલિકૉમ સેવાઓ ફરી એકવાર મોંઘી થઈ શકે છે. હકીકતમાં થોડાં મહિના પહેલાં જ ટેરિફમાં વધારાને કારણે ખાનગી ક્ષેત્રની ત્રણ ટેલિકોમ કંપનીઓના ગ્રાહકોની કુલ સંખ્યામાં 3.7 કરોડનો ઘટાડો થયો છે, પરંતુ તેમના એક્ટિવ યુઝર્સમાં 3 ટકા એટલે કે 2.9 કરોડનો વધારો થયો છે. આવી સ્થિતિમાં કંપનીઓ સર્વિસ ટેરિફમાં વધુ એક વધારા અંગે વિચારી શકે છે.

ક્રિસિલના એક અહેવાલ મુજબ ઓગસ્ટ 2021 થી ફેબ્રુઆરી 2022 ની વચ્ચે રિલાયન્સ જિયોના કુલ ગ્રાહકોની સંખ્યામાં સૌથી ઝડપી ઘટાડો થયો છે. બીજી તરફ માર્ચ 2022 ક્વાર્ટરમાં કંપનીના એક્ટિવ યુઝર્સ વધીને 94 ટકા થઈ ગયા છે. એક વર્ષ પહેલા કંપનીના એક્ટિવ યુઝર્સ માત્ર 78 ટકા હતા. ભારતી એરટેલના એક્ટિવ યુઝર્સ પણ માર્ચ ક્વાર્ટરમાં 1.1 કરોડ વધીને 99 ટકા થયા છે. જોકે, આ દરમિયાન વોડાફોન-આઇડિયાના એક્ટિવ યુઝર્સમાં 3 કરોડનો ઘટાડો થયો છે. ટેલિકૉમ કંપનીઓની સરેરાશ આવક (એઆરપીયુ) 2020-21માં 11 ટકા વધીને 149 રૂપિયા થવાનો અંદાજ હતો. તેનું કારણ એ હતું કે, ડિસેમ્બર 2019માં આ કંપનીઓએ ટેરિફમાં વધારો કર્યો હતો, પરંતુ વર્ષ 2021-22માં તેમનો એઆરપીયુ ગ્રોથ ઘટીને 5 ટકા પર આવી ગયો હતો.

વર્ષ 2022-23માં આ કંપનીઓની એઆરપીયુ ગ્રોથ 15-20 ટકા હોવી જોઈએ. આનું કારણ પાછલાં નાણાકીય વર્ષ દરમિયાન ટેરિફમાં વધારો અને ચાલુ નાણાકીય વર્ષમાં ટેરિફમાં સંભવિત વધારાનો લાભ હશે. આ કારણે દેશની ટોચની ત્રણ ટેલિકોમ કંપનીઓની આવકમાં 20-25 ટકાનો વધારો થવાનો અંદાજ છે.