સાઇન લેન્ગ્વેજ એ પણ એક પ્રકારની લેન્ગ્વેજ જ છે. ભલે રૂટિન લાઇફમાં તેનો ઉપયોગ કરવામાં ન આવતો હોય પરંતુ જો આ લેન્ગ્વેજ શીખેલી હોય તો ક્યારેક જરૂર પડ્યે તેનાથી કમ્યુનિકેશન કરવામાં સરળતા રહે છે. જો કે, આ શીખવા માટે કોઈ પ્રોફેશનલ કોર્સ કરવો જરૂરી નથી. તમે તમારો સ્માર્ટફોન યુઝ કરીને અને દિવસની 10-15 મિનિટ કાઢીને પણ આ લેન્ગ્વેજ સરળતાથી શીખી શકો છો. આજે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ 'ઇન્ટરનેશનલ ડે ઓફ સાઇન લેન્ગ્વેજ' છે. અહીં સાઇન લેન્ગ્વેજ શીખવાડતી કેટલીક ફ્રી એપ્લિકેશન્સ આપવામાં આવી છે. જેને ડાઉનલોડ કર્યાં બાદ તમે દરરોજ પ્રેક્ટિસ કરી બહુ ઓછા સમયમાં આ લેન્ગ્વેજ શીખી જશો.
સાઇન લેન્ગ્વેજ શીખવાના ફાયદા
અંધજન મંડળમાં વર્ષ 2001થી ડેફ અને બ્લાઇન્ડ બાળકો માટે કામ કરતા પ્રોજેક્ટ મેનેજર કૃપા વેલાણીએ 'દિવ્ય ભાસ્કર' સાથે વાતચીત કરતા કહ્યું કે, 'સાઇન લેન્ગ્વેજ શીખ્યા બાદ વ્યક્તિને ઇન્ટરપ્રેટર ફ્રીલાન્સર તરીકે કામ કરવાના દિવસ દીઠ 500 રૂપિયાથી લઇને 800 રૂપિયા મળે છે. તેમજ, સાઇન લેન્ગ્વેજ શીખવા માટે મુંબઈની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગમાં પ્રોફેશનલ કોર્સ પણ કરી શકાય છે. આટલું જ નહીં, બરોડાની અક્ષર સ્કૂલ પણ સાઇન લેન્ગ્વેજનો કોર્સ કરાવે છે.'
જો પ્રોફેશનલ કોર્સ ન કરવો હોય તો નીચે આપવામાં આવેલાં સાઇન લેન્ગ્વેજનાં કેટલાંક બેઝિક જેશ્ચર્સ તેમજ આપવામાં આવેલી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરીને પણ આ લેન્ગ્વેજ શીખી શકાશે.
ઇન્ડિયન સાઇન લેન્ગ્વેજ - આલ્ફાબેટ્સ
ઇન્ડિયન સાઇન લેન્ગ્વેજ - નંબર્સ
સાઇન લેન્ગ્વેજ - વર્ડ્સ
સાઇન લેન્ગ્વેજ શીખવાડતી એપ્લિકેશન્સ
1. ધ અમેરિકન સાઇન લેન્ગ્વેજ (The ASL App)
આ એપની મદદથી સાઇન લેન્ગ્વેજ શીખી પણ શકાય છે અને સમજી પણ શકાય છે. આ એપની વિશેષતા એ છે કે લેટર્સ અને નંબર્સ વિઝ્યુઅલ લેન્ગ્વેજના માધ્યમથી બતાવવામાં આવે છે. તેમાં 1,000થી પણ વધુ વીડિયો આપવામાં આવ્યાં છે. જેની સ્પીડ પણ કન્ટ્રોલ કરી શકાય છે. આ ઉપરાંત, તેમાં સર્ચ, સ્લો મોશન અને ટિપ્સ પણ આપવામાં આવી છે. આમાં, યુઝર 'Favorite' ફોલ્ડર પણ બનાવી શકશે, જેમાં સાઇન સેવ કરીને પાછળથી તેની પ્રેક્ટિસ કરી શકાશે. આ એપમાં 4,000થી પણ વધુ સાઇન્સ અને ASL (અમેરિકન સાઇન લેન્ગ્વેજ) આલ્ફાબેટ, નંબર્સ, રોજિંદા જીવનના સંકેતો, માથું હલાવીને દર્શાવાતા સંકેતો, વિવિધ મૂડ દર્શાવતી સાઇન, ડાઇનિંગ એન્ડ સિંગિંગ સાઇન, સ્પોર્ટ્સ અને ઇમર્જન્સી વગેરે સંબંધિત સાઇન આપવામાં આવી છે. આ એપમાં કેટલાક ફીચર્સ ફ્રી છે. પરંતુ જો એક્સ્ટ્રા ફીચર્સનો યુઝ કરવો હશે તો પૈસા ખર્ચવા પડશે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને ડિવાઇસમાં ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે.
2. સાઇન સ્કૂલ (SignSchool)
આ એપમાં એક સ્પેશિયલ ફીચર 'સાઇન બિલ્ડર' છે. જેનાથી શબ્દકોશ મજબૂત થાય છે. આ એપમાં સાઇન લેન્ગ્વેજ સંબંધિત 100થી પણ વધુ વિવિધ કેટેગરી આપવામાં આવી છે, જેમાં હજારોની સંખ્યામાં વિવિધ સાઇન્સ શીખવવામાં આવે છે. તેમાં યુઝર પોતાની જરૂરિયાત પ્રમાણે વિવિધ વસ્તુઓની પ્રેક્ટિસ કરી શકે છે. નોલેજ ચકાસવા આ એપમાં મલ્ટિપલ ચોઇસ ગેમ્સ પણ આપવામાં આવી છે. જેનાથી સાઇન યાદ રાખવાની પ્રેક્ટિસ થઈ શકે છે. જો આ એપમાં કોઈ નવી સાઇન ઉમેરવામાં આવે તો યુઝરને અલર્ટ આપવામાં આવે છે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને ડિવાઇસમાં ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે.
3. સ્ક્રિપ્ટ બાય ડ્રોપ્સ (Scripts - by Drops)
આ અમેરિકન સાઇન લેન્ગ્વેજ સંબંધિત એપ્લિકેશન છે. આ એપમાં દાવો કરવામાં આવે છે કે, દરરોજ આમાં પાંચ મિનિટની પ્રેક્ટિસથી સાઇન લેન્ગ્વેજ શીખી શકાય છે. આ એપની ખાસ વાત એ છે કે સ્ક્રીન પર સાઇન લેન્ગ્વેજ લખીને પણ લોકો સાથે વાતચીત કરી શકાય છે. તેમાં સાઇન લેન્ગ્વેજ સંબંધિત લેસન્સ તો આપવામાં આવ્યા જ છે પણ સાથે તેની પ્રેક્ટિસ થાય એ માટે ગેમ્સ પણ આપવામાં આવી છે. આ ફ્રી એપ છે. તેને એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસમાં ડાઉનલોડ કરી શકાય છે.
4. હેન્ડ ટોક ટ્રાન્સલેટર (Hand Talk Translator)
આ 3D ઇન્ટરપ્રેટર એપ્લિકેશન છે, જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ઓટોમેટિકલી ટેક્સ્ટ અને ઓડિયોને અમેરિકન સાઇન લેન્ગ્વેજમાં ટ્રાન્સલેટ કરી દે છે. આ એપનો ઉપયોગ ટીચર સાથે સ્ટુડન્ટ્સ અને ઇન્ટરપ્રેટર પણ કરી શકે છે. આ એપમાં ટ્રાન્સલેશન કરીને લોકોની વાતચીત સમજવામાં પણ સરળતા રહે છે. આ એપ એન્ડ્રોઇડ અને iOS બંને ડિવાઇસમાં ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
5. ડેફ - આઇએસએલ (DEF - ISL)
આ ઇન્ડિયન સાઇન લેન્ગ્વેજ લર્નિંગ એપ્લિકેશન છે. તેમાં યુઝર 50 હજારથી વધુ સાઇન અને શબ્દસમૂહની સાથે ઇન-બિલ્ટ વીડિયો અને ચિત્રો વગેરે જોઈ શકે છે. આ એપ મોટાં અને નાનાં બંને માટે યુઝર ફ્રેન્ડલી છે. આ એપ્લિકેશનને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જે લોકો બધિર છે તેઓ સાઇન લેન્ગ્વેજ તો શીખી જ શકે છે પણ સાથે એકબીજા જોડે કમ્યુનિકેટ પણ કરી શકે છે. આ એપને એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસમાં ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
6. ઇન્ડિયન સાઇન લેન્ગ્વેજ (ISL)
આ એપ ઇન્ડિયન સાઇન લેન્ગ્વેજ બેઝ્ડ છે. આ એપની સ્પેશિયાલિટી એ છે કે ઇન્ટરનેટ સપોર્ટ વગર પણ યુઝ થઈ શકે છે. આ એપમાં આલ્ફાબેટની સાથે નાના-નાના વાક્ય બનાવતાં પણ શીખી શકાય છે. તેમજ, તેમાં યુઝરને સાઇન લેન્ગ્વેજની ડિક્શનરી પણ જોવા મળે છે. તેમજ, એપમાં કોઇપણ સાઇનને સર્ચ ઓપ્શનની મદદથી શોધી પણ શકાય છે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
7. સાઇન એક્સપ્રેસ (SignApps Express)
જો ઇન્ડિયન સાઇન લેન્ગ્વેજ શીખવા માટે ડિક્શનરી જોઇતી હોય તો આ એપ્લિકેશન બેસ્ટ રહેશે. આ ઇગ્લિશન-ઇન્ડિયન સાઇન લેન્ગ્વેજ ડિક્શનરી એપ્લિકેશન છે. તેમાં યુઝરને ઇંગ્લિશ અને ઇન્ડિયન સાઇન લેન્ગ્વેજ સંબંધિત શબ્દકોશ મળશે. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર પરથી ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
8. બેબી સાઇન ડિક્શનરી (Dictionary - Baby Sign Language)
આ એપમાં સાઇન લેન્ગ્વેજના 40 રિયલ લાઇફ વીડિયો આપવામાં આવ્યાં છે, જે બાળક સાથે સાઇન લેન્ગ્વેજ શીખવામાં મદદ કરે છે. દરેક સાઇન માટે ડિટેલમાં વીડિયો ટ્યુટોરિયલ બનાવવામાં આવ્યું છે અને તેને શબ્દો, પ્રાણીઓ, દૈનિક દિનચર્યાઓ અને લાગણીઓ જેવી વિવિધ કેટેગરીમાં ગોઠવવામાં આવ્યાં છે. આ એપમાં ફન એક્ટિવિટી કરાવતી વીડિયો ક્વીઝ પણ આપવામાં આવી છે, જે યુઝરને સાઇન યાદ રાખતાં શીખવે છે. આ એપ્લિકેશન iOS ડિવાઇસમાં ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
9. મર્લી સાઇન્સ (Marlee Signs)
આ એપની ખાસ વાત એ છે કે તેમાં અકેડેમી અવોર્ડ વિનિંગ ડેફ એક્ટ્રેસ મર્લી માટલિન પાસેથી આલ્ફાબેટથી લઇને નવા શબ્દો અને રોજિંદા જીવનના હાવભાવ વિશે શીખવા મળે છે. દરેક સાઇન માટે પર્સનલ વીડિયો બનાવવામાં આવ્યાં છે. એપ્લિકેશન આ વીડિયો સંપૂર્ણ જોવાયાં કે નહીં તેનો ટ્રેક રેકોર્ડ પણ રાખે છે. એપમાં સ્લો મોશન ફીચર પણ આપવામાં આવ્યું છે. આ એપ્લિકેશન iOS ડિવાઇસમાં ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
10. વીસાઇન બેઝિક (WeSign Basic)
આ એપ્લિકેશનમાં સ્કૂલ અને પેરેન્ટ્સ જે કોમન પ્રશ્નો પૂછતા હોય તેનો જવાબ આપતા શીખવે છે. ઉદાહરણ તરીકે, 'શું તમે હોમવર્ક પૂરું કર્યું?' આ પ્રકારના વીડિયોઝમાં પુખ્ત વયના બધિર વાલીઓ તેમના મૂક-બધિર બાળકો સાથે વાત કરતા શીખી શકે છે. આ એપમાં નોર્મલ અને સ્લો પ્લે મોડ પણ આપવામાં આવ્યાં છે. આ એપ્લિકેશન iOS ડિવાઇસમાં ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.