ભારતમાં મસ્કની સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ:સ્ટારલિંકે DoT પાસે લાઈસન્સ માટે અરજી કરી, અંતરિયાળ વિસ્તારોમાં પણ હાઈસ્પીડ ઈન્ટરનેટ મળશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વના સૌથી મોટા બિઝનેસમેન ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે ભારતમાં સેટેલાઈટ બેઝ્ડ બ્રોડબેન્ડ સર્વિસ આપવા માટે લાઈસન્સ માંગ્યું છે. ભારતમાં આ સર્વિસિઝ માટે ગ્લોબલ મોબાઈલ પર્સનલ કોમ્યુનિકેશન બાય સેટેલાઈટ (GMPCS) લાઈસન્સ જરુરી છે. આ લાઈસન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) આપે છે. સ્ટારલિન્ક બ્રાન્ડ અંતર્ગત મસ્કની કંપની સ્પેસએક્સ આ સર્વિસિઝ આપે છે. ETએ આ અંગે રિપોર્ટ પબ્લિશ કરી છે. સ્ટારલિંક એ GMPCS લાઈસન્સ માટે એપ્લાય કરનારી ત્રીજી કંપની છે.

આ પહેલા એરટેલ બેઝ્ડ વનવેબ અને જિયોની સેટેલાઈટ આર્મ જિયો સ્પેસ ટેકનોલોજી આ માટે એપ્લાય કરી ચૂકી છે. ભારતના સ્પેસ ઈન્ટરનેટના સેગ્મેન્ટમાં સ્ટારલિંક આવવાના કારણે એરટેલ, જિયો અને એમેઝોનને તગડી ટકકર મળશે.

સ્ટારલિંકે સૌથી પહેલા પ્રયાસ કર્યો
સ્ટારલિંકે ગયા વર્ષે ભારતમાં પોતાની સેવાઓ શરુ કરવાની યોજના બનાવી હતી અને તેણે માર્ચ 2021ની આસપાસ પ્રી-બુકિંગ લેવાનું શરુ કરી દીધું હતું. કંપનીએ ભારતના દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઈ)થી બ્રોડબેન્ડ સેવાઓને ડિલીવર કરવા માટે મંજૂરી માગી હતી. જો કે, નવેમ્બર 2021માં DoTએ એમ કહીને હસ્તક્ષેપ કર્યો હતો કે, સ્ટારલિંકે ભારતમાં કામ કરવા માટે તમામ જરુરી લાઈસન્સ સૌપ્રથમ મેળવવા પડશે.

પ્રી-બુકિંગની અમાઉન્ટ પાછી આપી
DoTએ ભારતીય યૂઝર્સને $99 (અગાઉના વર્ષના વિનિમય દરો દીઠ 7,500 રુપિયા)ની પ્રી-બુકિંગ રકમ પરત કરવાનો આદેશ પણ આપ્યો હતો. 1 ડિસેમ્બર, 2021 સુધી સ્ટારલિંકે તમામ યૂઝર્સને રિફંડ આપીને પ્રી-બુકિંગ બંધ કરી દીધું હતું.

બીજી ઘણી મંજૂરીઓ પણ જરૂરી
ભારતમાં સેટેલાઈટ આધારિત બ્રોડબેન્ડ સેવા પૂરી પાડવા માટે GMPCS લાઈસન્સ ઉપરાંત બીજી ઘણી મંજૂરીઓ પણ જરૂરી છે. સ્ટારલિંકે પોતાની સર્વિસ આપવા માટે સ્પેસ ડિપાર્ટમેન્ટ અને સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે સ્પેક્ટ્રમની મંજૂરી લેવી પડશે. કંપનીને ભારતમાં ગ્રાઉન્ડ-બેઝ્ડ સેટેલાઇટ ગેટવેની પણ જરૂર પડશે, તેથી ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર (IN-SPACe)ની મંજૂરીની પણ જરૂર પડશે. ISpAના રિપોર્ટ મુજબ 2025 સુધી આ માર્કેટ 13 બિલિયન ડોલરનું થઈ શકે છે.

સ્ટારલિંક પાસે સૌથી મોટો કોન્સટેલેશન
સ્ટારલિંકમાં વિશ્વનો સૌથી મોટો સ્પેસ બ્રોડબેન્ડ કોન્સટેલેશન (ઉપગ્રહોનો સમૂહ) છે, જેમાં 3,451 ઉપગ્રહો લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાંથી 2,700થી વધુ સેટેલાઈટ હાલ કાર્યરત છે. કંપનીની યોજના 12,000 સેટેલાઇટ લોન્ચ કરવાની છે. તે જ સમયે, એરટેલ પાસે પરસેન્ટેજ ડિપ્લોય્ડ અને કવરેજની દ્રષ્ટિએ સૌથી વિકસિત સેટેલાઇટ કોન્સટેલેશન છે. આકાશ અંબાણીના નેતૃત્વવાળી જિયોએ સેટેલાઇટ ઈન્ટરનેટ માટે ગ્લોબલ સેટેલાઇટ બ્રોડબેન્ડ પ્રોવાઇડર SES સાથે હાથ મિલાવ્યા છે.

યુક્રેનના ઘટનાક્રમના કારણે સ્ટારલિંક ચર્ચાનો વિષય
સ્ટારલિંક તાજેતરમાં યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં તેના ઉપયોગને કારણે ચર્ચામાં રહ્યું છે, જ્યાં તેની કનેક્ટિવિટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ઈલોન મસ્કે ટ્વીટ કર્યું હતું કે, ‘સ્પેસએક્સ સ્ટારલિંકના ઓપરેશનને અનિશ્ચિત સમય માટે ભંડોળ પૂરું પાડી શકે નહીં.’ મસ્કે યુ.એસ. સરકારને યુક્રેનમાં ઇન્ટરનેટ સેવા ચાલુ રાખવા માટે ભંડોળ આપવા જણાવ્યું હતું. મસ્કના જણાવ્યા પ્રમાણે યુક્રેનમાં હાલમાં 25,300 ટર્મિનલ છે, જેમાંથી ફક્ત 10,630 જ આ સેવા માટે ચૂકવણી કરી રહ્યા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલી રહ્યું છે.

સેટેલાઈટ્સથી ઈન્ટરનેટ તમારા સુધી કેવી રીતે પહોંચશે?

  • સેટેલાઈટ પૃથ્વીના કોઈપણ ભાગથી બીમ ઇન્ટરનેટ કવરેજને શક્ય બનાવે છે. સેટેલાઇટનું નેટવર્ક યુઝર્સને હાઇ-સ્પીડ, લો-લેટન્સી ઇન્ટરનેટ કવરેજ આપે છે. લેટેન્સી એ સમયને સંદર્ભિત કરે છે, જે ડેટાને એક પોઈન્ટથી બીજા પોઈન્ટ સુધી પહોંચાડે છે.
  • સ્ટારલિંક કિટમાં સ્ટારલિંક ડિશ, વાઇ-ફાઇ રાઉટર, પાવર સપ્લાય કેબલ્સ અને માઉન્ટિંગ ટ્રાઇપોડનો સમાવેશ થાય છે. હાઈસ્પીડ ઈન્ટરનેટ માટે આ ડિશને ખુલ્લા આકાશ નીચે રાખવી પડે છે. સ્ટારલિંકની એપ્લિકેશન iOS અને એન્ડ્રોઇડ બંનેમાં મળી રહે છે, જે સેટઅપથી લઈને મોનિટરિંગ કરે છે.