માઇલસ્ટોન:દેશમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગનો માઇલસ્ટોન, એક્સપોર્ટમાં 83%ના વધારા સાથે સેમસંગ અને આઇફોન ટોપ પર

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચીન અને વિયેતનામને વિશ્વમાં સૌથી વધુ સ્માર્ટફોન વેચનાર દેશ માનવામાં આવે છે. જેના કારણે આ દેશો મેન્યુફેક્ચરિંગનાં હબ તરીકે ફેમસ છે. પરંતુ આ સ્થિતિ હવે બદલાતી જોવા મળી રહી છે. ભારતે સ્માર્ટફોનના એક્સપોર્ટમાં મોટી છલાંગ લગાવી છે.

આ નાણાકીય વર્ષ દરમિયાન દેશમાંથી સ્માર્ટફોનના એક્સપોર્ટમાં 83%ના ઉછાળા સાથે આ વર્ષે આ આંકડો 5.6 બિલિયન ડોલર અથવા 42,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાની અપેક્ષા છે. જ્યારે ગયા વર્ષે દેશમાંથી 23,000 કરોડ રૂપિયાના સ્માર્ટફોનની નિકાસ કરવામાં આવી હતી.

તેની પાછળનું કારણ સરકારની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હોવાનું કહેવાય છે. ભારતમાં બનેલા સ્માર્ટફોનનું વિશ્વના ઘણા વિકસિત દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.

PLIનો સૌથી વધુ ફાયદો સેમસંગ અને એપલને
અમેરિકાની પોપ્યુલર ટેક કંપની એપલ અને સાઉથ કોરિયાની સેમસંગને આ સ્કીમનો સૌથી વધુ ફાયદો થયો છે. આ સાથે, ભારત ચીન અને વિયેતનામ સાથે વિશ્વમાં સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગનું મોટું હબ તરીકે પણ ઊભરી આવ્યું છે. ચાર વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2017-18માં દેશમાંથી સ્માર્ટફોનની નિકાસ માત્ર 1,300 કરોડ રૂપિયા હતી. વર્ષ 2018-19માં તે વધીને 11,200 કરોડ રૂપિયા અને પછી 2019-2020માં વધીને 27,200 કરોડ રૂપિયા થઈ ગઈ.

એપલનું એક્સપોર્ટ 1200 કરોડ રૂપિયાનું હશે
ભારતમાંથી એક્સપોર્ટ કરાયેલા સ્માર્ટફોનમાં એપલ અને સેમસંગનો સૌથી મોટો ભાગ છે. માનવામાં આવે છે કે એપલનું એક્સપોર્ટ વધીને 12,000 કરોડ રૂપિયા થવાની ધારણા છે. આમાં iPhone SE, iPhone 11 અને iPhone 12 જેવા મોડેલનો મહત્ત્વનો ફાળો છે. એ જ રીતે સેમસંગનું એક્સપોર્ટ પણ વધીને 20,000 કરોડ રૂપિયા થવાની ધારણા છે.

પ્રોડક્શન અને સપ્લાયથી સ્માર્ટફોનના એક્સપોર્ટ પર અસર પડી
કોરોના મહામારીને કારણે પ્રોડક્શન અને સપ્લાય સંબંધિત પડી રહેલી મુશ્કેલીઓને કારણે દેશમાંથી સ્માર્ટફોનના એક્સપોર્ટને અસર થઈ હતી. નાણાકીય વર્ષ 2020-21માં તે 23,000 કરોડ રૂપિયા હતું. ઈલેક્ટ્રોનિક માર્કેટ હાલ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. આમાં સેમિકન્ડક્ટર ચિપનો અભાવ સામેલ છે. આ સાથે લોકડાઉન અને અન્ય ઘણા પ્રતિબંધોને કારણે પણ માર્કેટને અસર થઈ છે. આવી સ્થિતિમાં ભારતમાંથી સ્માર્ટફોનના એક્સપોર્ટમાં આવેલી તેજીને એક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહી છે.

સ્માર્ટફોનના ઘણા મહત્ત્વપૂર્ણ કોમ્પોનન્ટ્સ ચીનમાંથી સપ્લાય થાય છે. પરંતુ ભારત અને ચીન વચ્ચેના સંબંધો તાજેતરના ભૂતકાળમાં સારા રહ્યા નથી. આ જ કારણ છે કે ચીનમાંથી ઘણા કોમ્પોનન્ટ્સનો સપ્લાય બંધ છે અથવા ખૂબ જ ધીમો છે. ઈન્ડિયન સેલ્યુલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ અસોસિએશન (ICEA)ના અધ્યક્ષ, ઈન્ડસ્ટ્રી-સંબંધિત સંગઠન પંકજ મહિન્દ્રાએ કહ્યું કે કોરોનાના ત્રણ લહેર, કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો, લોકડાઉન અને સપ્લાય ચેનમાં સૌથી ખરાબ સંકટ આવ્યા હોવા છતાં સ્માર્ટફોનના એક્સપોર્ટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સાઉથ એશિયા, આફ્રિકા અને મિડલ ઇસ્ટમાં ફોન એક્સપોર્ટ થઈ રહ્યા છે
ICEAએ જણાવ્યું કે, અગાઉ ભારત સાઉથ એશિયા, આફ્રિકા અને મધ્ય પૂર્વ અને પૂર્વ યુરોપમાં સ્માર્ટફોન એક્સપોર્ટ કરતું હતું. પરંતુ હવે ભારતમાંથી સ્માર્ટફોન વિશ્વના ઘણા વિકસિત દેશોમાં મોકલવામાં આવે છે. મહિન્દ્રાએ જણાવ્યું કે, કંપનીઓ હવે યુરોપ અને એશિયામાં સૌથી વધુ કોમ્પિટિટવ અને એડવાન્સ્ડ માર્કેટ્સને ટાર્ગેટ કરી રહી છે. આ માર્કેટ્સમાં હાઈ ક્વોલિટીની ડિમાન્ડ છે અને ભારતમાં સ્થિત મેન્યુફેક્ચરિંગ યૂનિટ આ વાત પર ખરું ઊતરી રહ્યું છે.

PLI સ્કીમ એટલે?
આ અંતર્ગત કેન્દ્ર સરકાર એક્સ્ટ્રા પ્રોડક્શનને પ્રોત્સાહન આપે છે અને કંપનીઓને ભારતમાં બનેલા પ્રોડક્ટને એક્સપોર્ટ કરવાની મંજૂરી આપશે. PLI સ્કીમનો ટાર્ગેટ સ્પર્ધાત્મક વાતાવરણ બનાવવા માટે રોકાણકારોને પ્રોત્સાહિત કરવાનો છે.