ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ આવ્યા પછી તેના ઓપ્શનમાં અનેક ભારતીય એપ પર ડાઉનલોડ્સ વધી રહ્યા છે. ઇન્ડિયન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શેરચેટે ટિકટોકની જેમ શોર્ટ વીડિયો એપ મોજ(Moj) લોન્ચ કરી છે. રસપ્રદ વાત તો એ છે કે, ગૂગલ પ્લે સ્ટોર પર 5 દિવસની અંદર આ એપમાં 10 લાખ ડાઉનલોડ્સ થઇ ગયા છે.
મોજ એપમાં યુઝર્સ 15 સેકન્ડના વીડિયો અપલોડ અને શેર કરી શકે છે. એપમાં વીડિયો બનાવવા ઘણી ઈફેક્ટ, સ્ટીકર અને ફિલ્ટર પણ છે. આ એપ ગુજરાતી, હિન્દી અને કન્નડ સહિત 15 ભારતીય ભાષામાં અવેલેબલ છે. હાલ એપમાં અંગ્રેજી ભાષાને સામેલ કરી નથી. યુઝર મોજ એપમાં અપલોડ કરેલા વીડિયોને ડાયરેક્ટ તેમના વોટ્સએપ સ્ટેટસ પર અપલોડ કરી શકશે.
29 જૂને મોજ એપ ગૂગલ પ્લે સ્ટોર પર લોન્ચ થઇ હતી. iOS યુઝર્સ માટે પણ તે એપ સ્ટોરમાં ઉપલબ્ધ છે. હાલ આ એપનું બીટા વર્ઝન છે તેના સ્ટેબલ વર્ઝન વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી. 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યા પછી યુઝર્સ ભારતીય એપ તરફ વળ્યા છે. શેરચેટ અને ચિનગારી એપને પણ દેશમાં રોજ લાખો લોકો ડાઉનલોડ કરી રહ્યા છે. ટિકટોક બંધ થયા પછી ચિનગારી એપે ગૂગલ પ્લે સ્ટોર પર 10 મિલિયન ડાઉનલોડ્સનો આંકડો વટાવી દીધો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.