બુકની જેમ ખૂલતા સ્માર્ટફોન્સ:આવી રહ્યા છે સેમસંગનાં ફોલ્ડ-4 અને ફ્લિપ-4 સ્માર્ટફોન, જાણો શું હશે ખાસ અને કેટલી કિંમત હશે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સેમસંગે ગ્લોબલ માર્કેટમાં ફોલ્ડ-4 અને ફ્લિપ-4 સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આ બંને ફોન સેમસંગના ફોલ્ડ-3 અને ફ્લિપ-3ના વારસદાર તરીકે બજારમાં લોન્ચ કરવામાં આવ્યા છે. સેમસંગ સપ્ટેમ્બરથી ભારતમાં તેના પ્રીમિયમ ગેલેક્સી Z ફોલ્ડ 4 સ્માર્ટફોનનું વેચાણ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગેલેક્સી Z ફોલ્ડ 4 સ્માર્ટફોન કંપનીનો દેશનો સૌથી મોંઘો હેન્ડસેટ હશે. આ સ્માર્ટફોનની વૈશ્વિક કિંમત 1,799 ડોલર (1.42 લાખ રૂપિયા) નક્કી કરવામાં આવી હતી. જો કે, રૂપિયાનાં મૂલ્યમાં ઘટાડો થતાં અને વધુ ટેક્સના કારણે ભારતીય લોકોએ વધુ રૂપિયા ખર્ચ કરવા પડશે.

આ પહેલાં સેમસંગ ગેલેક્સી ફોલ્ડ-3ને ભારતમાં 1.49 લાખથી 1.57 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું, કે ફોલ્ડ-4 સપ્ટેમ્બરની શરૂઆતથી ભારતમાં મળી શકશે.

ફ્લિપ-4નાં સ્પેસિફિકેશન્સ

  • સેમસંગ ફ્લિપ-4માં બે ડિસ્પ્લે મળે છે. તેની મેઈન સ્ક્રીન 6.7 ઇંચની AMOLED પેનલ છે. તે સંપૂર્ણ HD+ રિઝોલ્યુશન સાથે આવે છે. આ સાથે જ તેની કવર સ્ક્રીન 1.9 ઈંચની સુપર AMOLED પેનલ છે.
  • તેમાં 10 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરાં અને પાછળની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનાં પ્રાઈમરી સેન્સરમાં 12MPનો અલ્ટ્રા વાઇડ લેન્સ છે, જ્યારે બીજા સેન્સરમાં 12MP વાઇડ-એન્ગલ લેન્સ છે.
  • આ ફોનમાં તમને 4nm ટેક્નોલોજી આધારિત ઓક્ટા-કોર પ્રોસેસર મળે છે. તેમાં 8 GB રેમ અને 512 GB સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યો છે. 3700mAhની બેટરીથી સજ્જ આ ફોનમાં 25 વોટનું ફાસ્ટ ચાર્જિંગ મળે છે.

ફોલ્ડ-4 સ્પેસિફિકેશન્સ

  • ફોલ્ડ-4માં પણ ડ્યુઅલ સ્ક્રીન આપવામાં આવી છે. તેની પ્રાઈમરી ડિસ્પ્લે 7.6 ઇંચની AMOLED પેનલ છે, જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. તેની સેકન્ડરી ડિસ્પ્લે 6.2 ઇંચની છે અને તેમાં 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ પણ છે.
  • આ ફોનનાં રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જે 12 MP+ 50MP+ 10MPનાં સેન્સરથી સજ્જ છે. તેમાં 4 નેનોમીટર સાથે ઓક્ટા-કોર પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં 4400mAhની બેટરી આપવામાં આવી છે, જેથી ફોનને 25 W ચાર્જિંગ સપોર્ટ પણ મળે છે.
  • આ બંને ફોન એન્ડ્રોઈડ-12 પર આધારિત છે. ફ્લિપ-4 ને 3 પ્રકારની કન્ફિગરેશન અને ચાર કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. જો કે, ભારતમાં હજુ સુધી તેની કિંમત જાહેર કરવામાં આવી નથી.