સેમસંગે તમારી આઈડી, ડિજિટલ કી, પેમેન્ટ પદ્ધતિઓ, ક્રિપ્ટો અને અન્ય ડિજિટલ વસ્તુઓને સાચવી રાખવા માટે ડિજિટલ વોલેટ એપ્લિકેશન રિલોન્ચ કરી છે. આ પહેલાં તે ‘સેમસંગ વોલેટ’ હતું પછી તે ‘સેમસંગ પે’ બન્યું. કંપની એક જ એપ્લિકેશનમાં સેમસંગની બધી સેવાઓ લાવતી આ એપ્લિકેશનને ફરી લોન્ચ કરી રહી છે. આજકાલ ડિજિટલ વોલેટ સામાન્ય બની ચૂક્યાં છે અને એપલ તથા ગૂગલ જેવી બ્રાન્ડ્સે પણ આ ટેક્નોલોજી અપનાવી છે કારણ કે ડિજિટલ વોલેટ એ તમારા કાર્યને સરળ બનાવે છે. આ એક એપના કારણે તમારે તમારા જરુરી ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાની જરુર પડતી નથી.
ડિજિટલ વોલેટ દ્વારા લોકો પેમેન્ટની ચુકવણી, તેમના વાહનો લોક-અનલોક કરવા, આઇડી કાર્ડ સાચવવા જેવા ઘણાં બધા કામ કરી શકો છો. નવી સેમસંગ વોલેટને હાલની સેમસંગ બ્લોકચેન વોલેટ એપ્લિકેશન સાથે જોડવામાં આવી છે. જેથી, તમે સરળતાથી તમારા ક્રિપ્ટો પોર્ટફોલિયોની કિંમત જોઈ શકો છો. આ વર્ષની શરૂઆતમાં સેમસંગે તેની અનપેક્ડ ઇવેન્ટમાં કેટલાંક ફિચર્સ જણાવ્યા હતા, જે પણ ઉમેરવામાં આવશે જેમકે, ડિજિટલ આઈડી સ્ટોર કરવા અને ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી સુવિધાઓ વગેરે.
સેમસંગના EVP, ડિજિટલ લાઇફના વડા, જેની હાને જણાવ્યું હતું કે, ‘સેમસંગ વોલેટ ડિજિટલ કી, કાર્ડ્સ અને ડિજિટલ વસ્તુઓ સંગ્રહ કરવા માટે સંપૂર્ણપણે સલામત અને સુરક્ષિત વાતાવરણ સાથે મોબાઇલ ડિવાઈસમાં રોજિંદી સુવિધાનું એક નવું સ્તર લાવી રહ્યું છે. ઇકોસિસ્ટમ્સ લાવવાની અમારી ચાલુ જવાબદારીના ભાગરૂપે અમે અમારાં વિશ્વસનીય ભાગીદારો અને ડેવલોપર્સ સાથે નજીકથી કામ કરીને સેમસંગ વોલેટની ક્ષમતાઓ વધારવા પર કામ કરવાનું ચાલુ રાખીશું.’
સેમસંગ વોલેટ જુલાઈ 2020 પછી લોન્ચ થયેલા BMW 1-8 સીરીઝ, X5-X7 અને iX મોડલ્સ જેવા પસંદગીના મોડલ્સ માટે ડિજિટલ ઓટોમોબાઈલ કીને સપોર્ટ કરે છે. આ ઉપરાંત, Hyundai Palisade, Genesis GV60 અને G90માં પણ આ સુવિધા મળશે. કંપની ભવિષ્યમાં વધુ ઓટોમોબાઇલ્સ સુવિધા ઉમેરશે તેવી અપેક્ષા છે. યુઝર્સ તેમના ડિજિટલ પોર્ટફોલિયોને ટ્રેક કરી શકે છે અને લાઇસન્સ તથા સ્ટુડન્ટ આઈડી પણ ઉમેરી શકે છે. આ સુવિધાઓ આ વર્ષના અંત સુધીમાં એપમાં ઉમેરવામાં આવશે. હાલમાં, ડિજિટલ વોલેટ એપ્લિકેશન અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્પેન અને યુકેમાં ગેલેક્સી યુઝર્સ માટે ઉપલબ્ધ છે. યુઝર્સ ‘સેમસંગ પે’ અથવા ‘સેમસંગ પાસ’ એપ્લિકેશન ખોલીને તેની સાથે ‘સેમસંગ વોલેટ’ એપ્લિકેશન મર્જ કરી શકે છે અથવા તો ગૂગલ પ્લે સ્ટોર દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.