અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર પર કમબેક થઈ ચૂક્યું છે. લગભગ 2 વર્ષ જેટલા સમય સુધી એકાઉન્ટ સસ્પેન્ડ રાખ્યા બાદ ફરી રિકવર કરવામાં આવ્યું છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આ એકાઉન્ટ વાપરવાનો સાફ શબ્દમાં ઇનકાર કરી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે તે પોતાનું પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલનો જ ઉપયોગ કરશે.
ટ્રમ્પે તો ત્યાં પોતાના પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલની તુલના ટ્વિટર સાથે પણ કરી છે. તેમણે દાવો કર્યો છે કે ટ્રુથ સોશિયલનું એંગેજમેન્ટ ટ્વિટરની સરખામણીએ ઘણું સારું છે. તો મીટિંગ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે 'મને ટ્વિટર પર પરત ફરવાનું કોઈ કારણ જોવા મળતું નથી.'
રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર, ટ્રમ્પે આ જાહેરાત નેતૃત્વની બેઠક દરમિયાન કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટ પર 8.7 કરોડથી વધુ ફોલોઅર્સ છે અને તેમણે છેલ્લું ટ્વીટ 8 જાન્યુઆરી, 2021ના રોજ કર્યું હતું.
પોલ બાદ એકાઉન્ટ કરવામાં આવ્યું રિકવર
ઇલોન મસ્કે ટ્રમ્પના એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવા પર ટ્વિટર પોલ પોસ્ટ કર્યો હતો. એમાં પૂછ્યું હતું કે શું ટ્રમ્પનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરવું જોઈએ. હા કે ના?
1.5 કરોડથી વધુ યુઝર્સે ભાગ લીધો હતો, જેમાં 52% લોકોએ હા કહ્યું, જ્યારે 48% લોકોએ ના કહ્યું હતું. મતદાન પૂરું થયા પછી ટ્વિટર બોસે લખ્યું: 'વોક્સ પોપ્યુલી, વોક્સ દેઈ' - એક લેટિન શબ્દસમૂહ જેનો અર્થ થાય છે 'લોકોનો અવાજ ભગવાનનો અવાજ છે'.
21 મહિના પછી કમબેક
6 જાન્યુઆરી, 2021 પછી જ્યારે ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું ત્યારે 88 મિલિયનથી વધારે ફોલોઅર્સ હતા. રવિવારે સવારે લગભગ 6.30 વાગ્યે 21 મહિના પછી એકાઉન્ટ ફરી એક્ટિવ કરવામાં આવ્યું છે. એકાઉન્ટ પુનઃસ્થાપિત કર્યાની 50 મિનિટની અંદર ટ્રમ્પના 10 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ગયા.
2020માં ટ્રમ્પનું એકાઉન્ટ કરવામાં આવ્યું સસ્પેન્ડ
ડોનાલ્ડ ટ્રમ્પે 2021માં કેપિટોલ હિલ હિંસા પછી ટ્વિટર પર હિંસા કરનારા તેમના સમર્થકોને ક્રાંતિકારી ગણાવ્યા હતા. આ પછી ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ 20 જાન્યુઆરી, 2021 ના રોજ યોજાનારા બાઈડનના શપથ ગ્રહણમાં જશે નહીં. એના પર કાર્યવાહી કરતાં ટ્વિટરે તેનું એકાઉન્ટ હંમેશાં માટે સસ્પેન્ડ કરી દીધું હતું.
આ કંપનીઓએ ટ્રમ્પનું એકાઉન્ટ કર્યું છે સસ્પેન્ડ
Facebook, Instagram, YouTube, Snapchat, Twitch અને અન્ય ઇન્ટરનેટ કંપનીઓ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને સસ્પેન્ડ કર્યું હતું. મસ્કના નિર્ણયથી ફેસબુક જેવા અન્ય મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે પણ ટ્રમ્પને પુનઃસ્થાપિત કરવાનું સરળ બની શકે છે. ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ કહ્યું કે તેઓ જાન્યુઆરી 2023માં તેમના નિર્ણય પર પુનર્વિચાર કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.