એજ્યુકેશનલ એપ્સ:મોબાઇલના શસ્ત્રથી ભણો, દુનિયાભરની યુનિવર્સિટીઓની ડિગ્રી ઘેરબેઠાં મેળવો, કરિયરને ધારદાર બનાવતી આ એપ્સ અજમાવી જુઓ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડિજિટલાઈઝેશનની પહેલે દરેક ક્ષેત્રમાં અદ્ભુત બદલાવ લાવ્યો છે. ફક્ત એક ક્લિકથી જ તમે તમારાં કામને સરળતાથી ઘેરબેઠાં પૂર્ણ કરી શકો છો. કોરોનાના કારણે એજ્યુકેશન ક્ષેત્રમાં પણ ડિજિટલાઈઝેશન આવ્યું છે અને તેના કારણે વિદ્યાર્થીઓ માટે કંઈપણ શીખવું એકદમ સરળ બન્યું છે, પરંતુ હજુ પણ ઘણાં વિદ્યાર્થીઓ માહિતીના અભાવના કારણે અશિક્ષિત રહે છે. આ વાત આપણા માટે ખૂબ જ શરમજનક છે. આજે અમે તમને એવી એપ્લિકેશનો વિશે જણાવીશું કે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓ જુદા-જુદા ક્ષેત્રમાં સ્કિલ ડેવલપ કરીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. મજાની વાત એ છે કે તેમાંથી ઘણી ખરી એપ્સ પાર વિનાનું નોલેજ લગભગ ફ્રીમાં પૂરું પાડે છે. ચાલો જાણીએ.

Khan Academy
ખાન એકેડેમી હંમેશાં વિદ્યાર્થીઓ માટે મફત એજ્યુકેશન આપતી એપ્લિકેશનોની યાદીમાં ટોચ પર રહ્યું છે. આ એપનું મિશન દુનિયાભરના તમામ જિજ્ઞાસુ લોકોને નિ:શુલ્ક અને વિશ્વકક્ષાનું શિક્ષણ આપવાનું છે અને આપણે સ્વીકારવું પડશે, કે તે પોતાના મિશન પર ખરાં પણ ઊતર્યા છે. ખાન એકેડેમી પાસે જ્ઞાનને વિદ્યાર્થીના મગજમાં ઉતારવાની એક અનોખી રીત છે. આ એપમાં બધા જ પાઠ વીડિયો ટ્યુટોરિયલ્સના સ્વરૂપમાં હોય છે, જેથી વિદ્યાર્થીઓ તેને સરળતાથી સમજી શકે. ખાન એકેડેમી SAT, MCAT, LSAT વગેરે જેવી પરીક્ષણોની તૈયારી માટે પણ ઓનલાઇન અભ્યાસક્રમો પૂરા પાડે છે.

Google Digital Garage
વર્ષ 2015માં શરૂ થયેલો આ ‘ગ્રો વિથ ગૂગલ પ્રોગ્રામ’ છે, જે યુકેમાં તમારી કારકિર્દી અથવા વ્યવસાયને વિકસાવવામાં મદદ કરવા માટે મફત તાલીમ અને ટુલ્સ આપે છે. વર્ષ 2015થી ગૂગલ ડિજિટલ ગેરેજે આખાં યુકેમાં 500થી વધુ સ્થળોની મુલાકાત લીધી છે અને 4,00,000થી વધુ લોકોને તાલીમ આપી છે.

Testbook
આ એપ સરકારી પરીક્ષાની તૈયારી માટે સૌથી લોકપ્રિય પ્લેટફોર્મમાંનું એક છે. આ એપમાં બેંકિંગ, GPSC અને UPSC જેવી પરીક્ષાઓની તૈયારી માટે ભરપૂર અભ્યાસક્રમો આપવામાં આવ્યા છે. આ એપમાં રેકોર્ડ કરેલાં લેક્ચર્સ અને લાઇવ ક્લાસ બંનેની સુવિધા આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાની અનુકૂળતા પ્રમાણે અહીં આવીને પરીક્ષા માટે તૈયારી કરી શકે છે. જે લોકો નોકરી કરતાં હોય અને સાથે જ સરકારી પરીક્ષાઓની તૈયારી કરતાં હોય તેમના માટે આ એપ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ એપ તમે પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

Simplilearn
આ એક એવી ઓનલાઇન એપ્લિકેશન છે, કે જે સાયબર સિક્યુરિટી, ક્લાઉડ કમ્પ્યૂટિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ અને ડેટા સાયન્સ જેવા ક્ષેત્રોમાં પ્રમાણિત તાલીમ આપે છે. આ એપમાં આવેલા અભ્યાસક્રમો 2000થી વધુ નિષ્ણાતો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા છે અને તેઓએ 1,000,000થી વધુ લોકોને આ અંગે તાલીમ આપી છે. તેમાં કોઈ શંકા નથી કે આ ભારતની શ્રેષ્ઠ એજ્યુકેશનલ એપ્લિકેશનોમાંની એક છે. આ એપ્લિકેશન પર પેઇડ ઉપરાંત અમુક ફ્રી કન્ટેન્ટ પણ ઉપલબ્ધ છે.

Sololearn
આ એપ એ લોકો માટે વન-સ્ટોપ સોલ્યુશન છે, કે જેમને કમ્પ્યૂટર કોડિંગ કરવું ગમે છે. આ એપ્લિકેશનમાં કોડ લર્નિંગ અભ્યાસક્રમોનો સૌથી મોટો સંગ્રહ છે, જેમાં કોડિંગ તમને બેઝિકથી પ્રો સુધી છે અને સામગ્રી સંપૂર્ણપણે મફત છે. આ એપ્લિકેશન તમને HTML5, CSS3, JAVASCRIPT, JQuery, Python, Java, C++, C, C, C#, PHP, SQL, Algorithms & Data Structures, Ruby, Machine Learning, Design Patterns, Swift વગેરે જેવી કોડિંગ લેન્ગ્વેજ શીખવામાં તમારી મદદ કરી શકે છે. આ એપ યુઝર્સને ફ્રી કોડ એડિટર પણ આપે છે. આ એપમાં તમને લેન્ગવેજને લગતી લેટેસ્ટ માહિતી પણ મળી રહે છે.

Duolingo
આ એક ખૂબ જ અનોખી વિશ્વની પાર વિનાની ભાષાઓ શીખવતી લર્નિંગ એપ્લિકેશન છે, જે તમને સ્પેનિશ, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, રશિયન, પોર્ટુગીઝ, તુર્કીશ, ડચ, આઇરિશ, ડેનિશ, સ્વિડિશ, યુક્રેનિયન, એસ્પેરાન્ટો, ગ્રીક, હંગેરીયન, હિબ્રુ, વેલ્શ, સ્વાહિલી, રોમાનિયન અને અંગ્રેજી જેવી વિવિધ ભાષાઓ શીખવામાં મદદ કરે છે. તમે આ એપ્લિકેશનમાં વિવિધ એક્ટિવિટીઝ કરીને રમતો રમીને તમારી રીડિંગ, રાઈટિંગ અને સ્પીકિંગ સ્કીલ્સ ડેવલોપ કરી શકો છો. આ એપમાં તમને જુદા-જુદા દેશોની ભાષા એટલી મનોરંજક રીતે શીખવવામાં આવે છે કે તમે ક્યારે આ ભાષા પર પ્રભુત્વ મેળવી લો છો, તેનો ખ્યાલ પણ નથી રહેતો. આ એપની સૌથી આકર્ષક વાત એ છે કે, તે સંપૂર્ણપણે મફત છે. તમે તેને ફક્ત પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.