ગૂગલની કડકાઈ:ગૂગલે પ્લે સ્ટોર પરથી રિમૂવ કરાયા બાદ Paytm એપ ચાર કલાક પછી ફરી દેખાવા લાગી, ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનનો આરોપ

2 વર્ષ પહેલા
  • પેટીએમે ટ્વીટ કરી ગૂગલના એક્શનની પુષ્ટિ કરી હતી
  • પોલિસીનું ઉલ્લંઘન કરતા ગૂગલે એપ રિમૂવ કરી હતી

ભારતની સૌથી મોટી પેમેન્ટ એપ ગણાતી Paytm (પેટીએમ) ગૂગલ પ્લે સ્ટોર પરથી થોડા સમય માટે ગાયબ થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગૂગલે તેની પોલિસીનું ઉલ્લંઘન કર્યું હોવાથી પેટીએમ પર કાર્યવાહી કરાઈ હતી. જોકે ચાર કલાક પછી ફરી પ્લે સ્ટોરમાં દેખાવા લાગી છે.

ગૂગલની ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે એપ રિમૂવ થઈ હતી
ગૂગલ પ્લે સ્ટોર પરથી પેટીએમ રિમૂવ કરવા માટે હજુ ગૂગલ તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એપને ગેમ્બલિંગ પોલિસીના ઉલ્લંઘનને લીધે રિમૂવ કરાઈ હતી. ગૂગલ ઈન્ડિયાએ આજે તેના બ્લોગ પોસ્ટમાં ગેમ્બલિંગ અર્થાત (ઓનલાઈન જુગાર)ની પોલિસીની વાત કરી હતી. બ્લોગમાં ક્યાંય પણ પેટીએમના નામનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ તે પેટીએમ પર ઈશારો કરે છે તેમ લાગી રહ્યું છે, કારણ કે બ્લોગ પબ્લિશ થયાની ગણતરીની મિનિટોમાં એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ થઈ હતી. પેટીએમે પેટીએમક્રિકેટલીગ શરૂ કરતાં જ કંપની ગૂગલની આંખે ચડી છે. ઓનલાઈન ગેમ્બલિંગને રોકવા માટે ગૂગલે આ નિર્ણય લીધો છે.

કંપનીએ તેના બ્લોગમાં પોલિસીનું ઉલ્લંઘન કરતી એપને પ્લે સ્ટોર પરથી દૂર કરવાની પણ વાત કહી હતી, સાથે જ ગૂગલની શરતોનું પાલન થઈ ગયા બાદ એપને રિસ્ટોર કરી લેવાની વાત પણ કહેવામાં આવી હતી. જોકે આ મામલે પેટીએમે મૌન સાધ્યું હતું.

ગ્રાહકોના પૈસા સુરક્ષિત રહેશે- પેટીએમ

ગૂગલ પ્લે સ્ટોર પરથી જે સમયે હટી ત્યારે કંપનીએ ટ્વીટ કરીને લખ્યું હતું કે હાલપૂરતી એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી દૂર કરાઈ છે, ટૂંક સમયમાં એપ રિસ્ટોર થશે. ગ્રાહકોના તમામ પૈસા સુરક્ષિત રહેશે.

5 કરોડ સુધી પેટીએમ કેશ જીતવાની ઓફર
પેટીએમ ફર્સ્ટ ગેમ્સની વેબસાઈટ પર FAQમાં રહેલી માહિતી પ્રમાણે, પેટીએમ ફર્સ્ટ ગેમ્સ પર પ્લેયર્સ સ્પેશલ ટૂર્નામેન્ટમાં 5 કરોડ રૂપિયા સુધીનું કેશ જીતી શકે છે. આ પ્લેટફોર્મ પર રમી, ફેંટેસી, લૂડો સહિતની ગેમ્સ સામેલ છે. પ્લેયર્સ એક્સક્લુઝિવ ટૂર્નામેન્ટમાં દરરોજ એક લાખ રૂપિયા સુધીની રકમ જીતી શકતા હતા.

IPL પહેલાં પેટીએમનો ઝાટકો
પેટીએમે IPLની લોકપ્રિયતા જોઈને પેટીએમ ફર્સ્ટ ગેમ્સ એપ લોન્ચ કરી હતી. કંપનીએ IPL દરમિયાન 100 મિલિયન યુઝર્સનું લક્ષ્ય રાખ્યું હતું. કંપનીએ આગામી 6 મહિના દરમિયાન 200થી વધારે લાઈવ ઈવેન્ટના આયોજનની યોજના બનાવી હતી. કંપનીએ આ જ અઠવાડિયે ક્રિકેટ લીજેન્ડ સચિન તેંદુલકરને બ્રાન્ડ અમ્બેસડર બનાવ્યા હતા. પેટીએમ ફર્સ્ટ પર 50થી વધારે ગેમ્સ અવેલેબલ છે.

ગૂગલ-પેથી પેટીએમની ટક્કર
પેટીએમ એપ દેશનાં સૌથી મૂલ્યવાન સ્ટાર્ટ અપમાંથી એક છે. ગૂગલના પેમેન્ટ પ્લેટફોર્મ ગૂગલ-પે સાથે પેટીએમની ટક્કર છે. 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2019-20માં પેટીએમની રેવન્યૂ વધીને 3.629 કરોડ રૂપિયા પહોંચી હતી. તો નુક્સાનમાં 40%નો ઘટાડો નોંધાયો હતો.

One97 કમ્યુનિકેશન લિમિટેડ કંપની પેટીએમની ઓનર છે. ટેક રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટ અનુસાર, ઓગસ્ટ મહિનામાં પેટીએમ છઠ્ઠી સૌથી વધારે ડાઉનલોડ થનારી ફિનટેક એપ છે. એપ પેમેન્ટ ઓપ્શનથી શરૂ થઈ હતી. ત્યાર બાદ તે ઓનલાઈન શોપિંગ, ગેમિંગ અને બેકિંગ સર્વિસ ઓફર કરે છે.

પ્લે સ્ટોર પરથી એપ રિમૂવ થતાં જ ટ્વિટર પર યુઝર્સે કમેન્ટ્સનો ઢગલો કર્યો હતો. ઘણા યુઝર્સ પોતાના પૈસા ડૂબી ગયા હોય તેમ દુખિયારા બન્યા હતા તો ઘણા યુઝર્સ આ પરિસ્થિતિનો મજાક ઉડાવી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...