PUBG પાછળ 10 લાખ સ્વાહા:ટીનેજરે ઓનલાઈન ગેમમાં પેરેન્ટ્સના લાખો ખર્ચી નાખ્યા, ગેમિંગ દરમિયાન આટલી મોટી રકમ બેંકમાંથી કેવી રીતે ડેબિટ થાય છે? એક્સપર્ટ પાસેથી જાણો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

PUBGનો નવો અવતાર 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા' ગેમ ભારતમાં લોન્ચ થતાં જ યુવા પેઢી તેના રવાડે ચઢી છે. આ ગેમ રમવાના ચક્કરમાં મુંબઈના 16 વર્ષના ટેણિયાએ પેરેન્ટ્સના 10 લાખ રૂપિયા ડુબાડ્યા છે. ટ્રાન્જેક્શનમાં તેની માતાનાં અકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થયાં છે. પેરેન્ટ્સે તેને ઠપકો આપ્યો તો ટેણિયાને એટલું માઠું લાગ્યું કે તેણે ઘર છોડી દીધું.

આ કોઈ પ્રથમ કેસ નથી આની પહેલાં આવો જ કિસ્સો મધ્ય પ્રદેશમાં બન્યો છે. મધ્યપ્રદેશના 13 વર્ષના કૃષ્ણાએ 'Garena Free Fire' નામની ઓનલાઈન ગેમમાં 40 રૂપિયા ડુબાડ્યા હતા. જૂન મહિનામાં તેણે અપડેટ માટે 3.22 લાખ ખર્ચી નાખ્યા. તો ઉત્તરપ્રદેશના 3 બાળકોએ ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં 11 લાખનું પડીકું વાળ્યું. કેટલાક મહિનાઓથી આવા કેસ જોવા મળી રહ્યા છે.

હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે કેવી રીતે બાળકો ઓનલાઈન ગેમિંગ દરમિયાન પેરેન્ટ્સના બેંક અકાઉન્ટ એક્સેસ કરી લે છે? એવી કઈ ગેમ્સ છે જે અપગ્રેડ અને અન્ય સર્વિસિસના નામે પૈસા પડાવે છે? આવા કેસમાં સ્માર્ટફોન પર ફોન બેંકિંગ સુરક્ષિત છે કે કેમ? આવો જાણીએ આ સવાલોના જવાબ...

કેવી રીતે બાળકો ટ્રાન્જેક્શન કરી લે છે?
બાળકો દ્વારા જે ગેમ્સને કારણે પેરેન્ટ્સના અકાઉન્ટ ખાલી થઈ રહ્યા છે તેમાં મોટા ભાગની ફાઈટિંગ ગેમ્સ સામેલ છે. બાળકોને પહેલાં આ ગેમની લત લાગે છે. ત્યારબાદ સારા હથિયારની લાલચ અને પોઈન્ટ્સ અર્ન કરવા માટે તેઓ ખરીદી કરવા માટે મજબૂર બની જાય છે. તેમને એ વાતની જાણ નથી હોતી કે પેરેન્ટ્સના અકાઉન્ટમાંથી કેટલા પૈસા જતાં રહેશે. આવી ગેમ્સથી ડિવાઈસની સિક્યોરિટી પણ ઓછી થઈ જાય છે. ઘણી એપ્સ ટ્રોજન અથવા અન્ય માલવૅરવાળી હોઈ શકે છે કે તમારો ડેટા ચોરી કરી શકે છે.

આ વિશે અમે સાઈબર સિક્યોરિટી અને ક્લાઉડ કમ્પ્યુટિંગ એક્સપર્ટ રિતુ માહેશ્વરી અને ટેક્નોલોજી એક્સપર્ટ મનીષ ખત્રી સાથે વાત કરી. બંનેએ ગેમ્સ દરમિયાન થનારા ટ્રાન્જેક્શનથી લઈને તેનાથી બચવા માટેની રીત જણાવી...

  • રિતુ મહેશ્વરીએ જણાવ્યું કે, જ્યારે ઓનલાઈન પ્લેટફોર્મથી પેમેન્ટ કરીએ છીએ ત્યારે તે આપણા ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડની ડિટેલ સેવ કરી લે છે. આ સોફ્ટવેરમાં ઓનલાઈન કી-લોગર્સ હોય છે. તેવામાં આ ડેટા ત્યાં ફીડ થઈ જાય છે. તેનાથી ડેટાની સિક્યોરિટી ઓછી થઈ જાય છે. તેનાથી ગેમિંગ એપ જ નહિ બલકે અન્ય એપ્સથી પણ અકાઉન્ટમાંથી પૈસા જવાનું જોખમ હોય છે. ઘણી એપ્સમાં ટ્રોજન અથવા અન્ય માલવેર પણ હોય છે. આ ફોનમાં ઈન્સ્ટોલ થઈ તમારો ડેટા ચોરી કરે છે.
  • મનીષ ખત્રીએ કહ્યું કે, જો યુઝરે ક્યારેય પણ ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈ એપની ખરીદી હોય તો પેમેન્ટ ડેટા સેવ થઈ જાય છે. તેવામાં નેક્સ્ટ ટાઈમ ગૂગલ પ્લે સ્ટોરથી ખરીદી કરવા પર ઓટોમેટિક તે કાર્ડ ડિટેલ લઈ ટ્રાન્જેક્શન કરી લે છે. આટલું જ નહિ cvv પણ જાણી લે છે. તમે અન્ય પેમેન્ટ પ્લેટફોર્મ કનેક્ટ કર્યું હોય અને બાળકને તેનો પિન ખબર હોય તો પણ ટ્રાન્જેક્શન થઈ શકે છે.

બાળકોને પેમેન્ટ કરવાથી આ રીતે રોકી શકાશે

  • બંને એક્સપર્ટ્સે આ વાતની સલાહ આપી કે બાળકોને ઓનલાઈન ગેમિંગથી દૂર રાખવામાં આવે કારણ કે ટ્રાન્જેક્શનના મોટા ભાગના કેસ ઓનલાઈન ગેમ્સ દરમિયાન જ સામે આવે છે. બાળકોને ઓફલાઈન ગેમ્સ રમવા માટે આપો. અથવા ફોનનો ઈન્ટરનેટ ડેટા બંધ રાખો અથવા પાસવર્ડ પ્રોટેક્શન રાખો.
  • પેરેન્ટ્સે તેમના ક્રેડિટ કાર્ડની લિમિટ નક્કી કરવી જોઈએ. ખાસ કરીને ઈન્ટરનેશનલ ટ્રાન્જેક્શનની લિમિટ 500થી 1000 રૂપિયા કરવી જોઈએ. તેથી બાળક ભૂલથી પણ મોટી અમાઉન્ટનું ટ્રાન્જેક્શન ન કરી શકે.
અન્ય સમાચારો પણ છે...