એરટેલે બેઝિક પ્લાનની કિંમતોમાં 57 ટકાનો વધારો કર્યો:હવે મિનિમમ રિચાર્જ માટે 99 રૂપિયાનાં બદલે 155 રૂપિયા ચૂકવવા પડશે, વેલિડિટી પણ ઘટી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

એરટેલે હરિયાણા અને ઓડિશામાં તેનાં રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. ન્યૂઝ એજન્સી PTIનાં રિપોર્ટ મુજબ કંપનીએ અહીં મિનિમમ રિચાર્જની કિંમતમાં 57 ટકાનો વધારો કર્યો છે. હવે મિનિમમ રિચાર્જ માટે તમારે 99 રૂપિયાની જગ્યાએ 155 રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય નવા પ્લાનમાં વેલિડિટી પણ 28 દિવસની જગ્યાએ 24 દિવસની રહેશે.

99 રૂપિયાનાં પ્લાનમાં 99 રૂપિયાનાં ટોકટાઇમ સાથે 200MB ડેટા મળતો હતો. આ પ્લાનમાં કોલ રેટ બીજા નંબર પર 2.5 પૈસા હતો. ટેરિફ વધવાનાં કારણની વાત કરીએ તો એરટેલ તેના દ્વારા પોતાની એવરેજ રેવન્યૂ પ્રતિ યુઝર (ARPU) વધારવા માગે છે. આ નાણાકીય વર્ષનાં બીજા ક્વાર્ટરમાં (FY23 Q2) એરટેલનાં ARPU 190 રૂપિયા હતું. તે તેને 300 રૂપિયા સુધી લઈ જવા માગે છે.

155 રુપિયાનાં પ્લાનમાં શું મળશે?
155 રૂપિયાનાં પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ સાથે 1GB ડેટા, 300SMS અને 24 દિવસની વેલિડિટી આપવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કંપની 155 રૂપિયાથી નીચેનાં તમામ પ્લાન બંધ કરવા જઈ રહી છે. અહેવાલો અનુસાર કંપનીએ આ પ્લાનને બે સર્કલમાં ટ્રાયલ તરીકે શરૂ કર્યો છે અને ટૂંક સમયમાં જ તેને અન્ય સર્કલમાં પણ રોલઆઉટ કરવામાં આવશે.

એરટેલનાં દેશમાં 36 કરોડથી વધુ ગ્રાહકો છે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) અનુસાર, ભારતમાં એરટેલનાં 364.2 મિલિયન યુઝર્સ છે. એરટેલ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે. જિયો 41.99 મિલિયન ગ્રાહકો સાથે ટોચ પર છે. હરિયાણા સર્કલમાં એરટેલનાં 79.78 લાખ અને ઓડિશામાં 1.37 કરોડ ગ્રાહકો છે.

1 ડિસેમ્બરનાં રોજ ઘણા સર્કલમાં ભાવ વધારો કરવામાં આવ્યો હતો

ગયા વર્ષે 1 ડિસેમ્બરનાં રોજ ઘણા સર્કલમાં એરટેલે પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કરી દીધા હતા. ત્યારબાદ એરટેલે પોતાનાં પ્રીપેડ પ્લાનની કિંમતોમાં 25 ટકા સુધીનો વધારો કર્યો હતો. ત્યારબાદ મિનિમમ રિચાર્જ 79 રૂપિયાથી વધારીને 99 રૂપિયા કરવામાં આવ્યું. કંપનીઓ માટે સારી બાબત એ છે કે, અત્યારે બજારમાં સ્પર્ધા ઓછી છે અને કંપનીઓ આવક પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

આજે એરટેલનાં શેરમાં ઘટાડો થયો
મંગળવારે ભારતી એરટેલનો શેર 4.20 રૂપિયા (0.49%) ઘટીને 847 રૂપિયા પર બંધ થયો હતો. જો કે, આજે કારોબાર દરમિયાન તેનો શેર 860.55 રૂપિયા પર પહોંચી ગયો હતો. જે તેની 52 અઠવાડિયાની ઊંચી સપાટીએ છે. ગ્લોબલ બ્રોકરેજ સિટીએ ભારતી એરટેલમાં ખરીદીનો અભિપ્રાય આપ્યો છે. શેરનો લક્ષ્યાંક 940 રૂપિયા આપ્યો છે. ARPUમાં વધારાથી 5Gમાં એરટેલને ફાયદો થઈ શકે છે.