ઈલોન મસ્કે પોતાની ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાને લઈને અમુક કડક નિર્ણય લીધા છે. સોશિયલ મીડિયા પર ટેસ્લાને લગતો એક મેલ લીક થયો છે. કોરોનાના કારણે શરૂ થયેલાં વર્ક ફ્રોમ હોમ (WHF)ને ખતમ કરવાની આ મેલમાં જાહેરાત કરવામાં આવી છે. આ મેલમાં કહેવામાં આવ્યું છે કે, કર્મચારીએ કમ સે કમ 40 કલાક દર અઠવાડિયે ઓફિસે આવીને કામ કરવું પડશે એટલે કે જો ટેસ્લા કંપનીમાં 5 દિવસ કામ હોય અને બાકીના 2 દિવસ રજા હોય તો આવી સ્થિતિમાં 5 દિવસ પ્રમાણે લગભગ 8 કલાકનું રોજનું કામ ઓફિસમાંથી કરવું પડશે.
લીક થયેલાં આ મેલના સ્ક્રીનશૉટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ મેલ ઈલોન મસ્ક તરફથી ટેસ્લાના કર્મચારીઓને લખવામાં આવ્યો છે. આ મેઇલમાં તેનું નામ પણ લખવામાં આવ્યું છે. ઈલોન મસ્કે ટેસ્લાના કર્મચારીઓને ચેતવણી આપી છે કે, તેઓ કાં તો ઓફિસથી આવીને કામ કરે નહીં તો તે ટેસ્લા છોડી દે. તે સ્પષ્ટ નથી કે, આ મેઇલ ખરેખર ઈલોન મસ્કનો છે કે? જોકે, કંપનીએ આ અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી. એક વ્યક્તિએ મસ્કને ટેગ કરીને મેઇલ સંબંધિત પ્રશ્ન પણ પૂછ્યો હતો. આના પર મસ્કે કહ્યું કે, તેણે બીજે ક્યાંક કામ કરવાનો ઢોંગ કરવો જોઈએ.
કર્મચારીઓએ મુખ્ય ઓફિસમાં આવવું પડશે
આ મેલમાં એવું કહેવામાં આવ્યું છે કે, કર્મચારીઓએ ટેસ્લાની મુખ્ય ઓફિસમાં આવવું પડશે. જો કોઈ કર્મચારી દૂર આવેલી બ્રાન્ચ ઓફિસમાં જઈને કામ કરે તો તે નહીં ચાલે. તેમણે નોકરી કરવા મુખ્ય ઓફિસે આવવું પડશે. મેલમાં એવું પણ લખવામાં આવ્યું છે કે, ફેક્ટરીમાં કામ કરતાં કર્મચારીઓ આના કરતા વધુ સમય (8 કલાક) ઓફિસમાં રહે છે.
મસ્ક ભારતમાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપવા માંગે છે
મસ્ક ભારતમાં ટેસ્લા પ્લાન્ટ પણ સ્થાપવા માગે છે, પરંતુ હજુ પણ ઘણી સમસ્યાઓ છે. ગયા અઠવાડિયે, મસ્કે કહ્યું હતું કે ટેસ્લા એવી જગ્યાએ પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે નહીં જ્યાં તેને પહેલા કાર વેચવાની અને સર્વિસ કરવાની મંજૂરી મળી ના હોય. મસ્ક લાંબા સમયથી ટેસ્લાની કારને ભારતમાં વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ માટે તે સરકાર પાસેથી આયાત કર મુક્તિ ઇચ્છે છે. ભારત સરકારે ટેસ્લાને ઘણા મંચ પરથી સ્પષ્ટ કરી દીધું છે કે, જો તેમને ભારતમાં પોતાની કાર વેચવી હશે તો તેનું પ્રોડક્શન અહીં જ કરવું પડશે. ચીનમાં બનેલી કાર અહીં વેચવામાં નહીં આવે. સરકારે આયાત ડ્યૂટીમાંથી મુક્તિને બદલે PLI યોજનાનો લાભ લેવાનું પણ કહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.