એલન મસ્કને ટ્વિટરના નવા CEO મળી ગયા છે. જોકે, હજુ સુધી તેના નામની વિગતો સામે આવી નથી. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા અનુસાર મસ્કે ટ્વિટરના ચેરમેન બ્રેટ ટેલરને જણાવ્યું હતું કે, તેમને કંપનીના મેનેજમેન્ટ પર જરાપણ વિશ્વાસ નથી. તેમણે આ વાત સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશન (SEC)માં પણ કહી છે. ગત વર્ષે નવેમ્બરમાં જૈક ડોર્સીની જગ્યાએ પરાગ અગ્રવાલને ટ્વિટરના નવા CEO બનાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ જો અગ્રવાલને 12 મહિનાની અંદર હટાવી દેવામાં આવે તો કંપનીએ તેમને 38.7 અબજ ડોલર એટલે કે (લગભગ 296 કરોડ રૂપિયા) ચૂકવવા પડશે. જોકે, પરાગ અગ્રવાલ આ સોદાની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી આ પદ પર રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ જેક ડોર્સીને ફરી એકવાર કંપનીની કમાન સોંપવામાં આવી શકે છે.
વાયરલ ટ્વીટ્સનું મોનેટાઇઝેશન કરવામાં આવશે
મસ્કે ટ્વિટર ખરીદવા માટે ભંડોળ પુરુ પાડનાર બેન્કોને ભવિષ્યમાં થનારા ફેરફારો અંગે પણ ચર્ચા કરી હતી. તે હાલ ટ્વિટરથી પૈસા કમાવવા માટેની નવી રીત પર કામ કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે, જે ટ્વીટ્સ ખૂબ જ વાયરલ છે અથવા વિશેષ માહિતી ધરાવે છે, તે તેનું મોનેટાઇઝેશન કરશે. આ સાથે જ જે પણ વેબસાઈટ ટ્વીટને એમ્બેડ કે ક્વોટ કરશે તે તેના માટે ચાર્જ પણ લેશે અને કંપનીની આવકમાં વધારો કરશે. વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા મુજબ મસ્ક આવા ઇન્ફ્લુએન્સર માટે એક સુવિધા લાવશે, જે પ્લેટફોર્મ પર કન્ટેન્ટ બનાવે છે, તેમના માટે ચૂકવણીનો વિકલ્પ લાવશે. આસાથે જ મસ્કે કંપનીની સબ્સક્રિપ્શન સર્વિસ પર કામ કરવાનું પણ કહ્યું છે.
કંપનીના કર્મચારીનો પગાર પણ ઘટાડશે
મસ્કે ટ્વિટરના બ્લુ ટિકના પ્રાઇસ ચાર્જમાં ફેરફાર કરવાની પણ વાત કરી હતી. ટ્વિટરના બ્લુ ટિક પર હાલમાં 2.99 ડોલરનો માસિક ચાર્જ લેવામાં આવે છે. તેમણે ટ્વીટ્સ ડિલીટ કરવા, ડોઝકોઇનમાંથી પેમેન્ટ કરવા અને એડવર્ટાઇઝિંગ પર પ્રતિબંધ મૂકવા અંગેના નિવેદનો પણ આપ્યા છે. આ ઉપરાંત કંપનીનો ખર્ચ ઘટાડવા માટે તેમણે એક્ઝિક્યુટિવ અને બોર્ડની સેલેરી ઘટાડવાની પણ વાત કરી છે. મસ્કનું માનવું છે કે, આનાથી લગભગ 3 અબજ ડોલરની બચત થશે. મસ્ક ટ્વિટર ખરીદવામાં વ્યસ્ત છે. રિપોર્ટ અનુસાર જો તે ટ્વિટર નહીં ખરીદે તો પણ તેમને દંડ પેટે 1 અબજ ડોલર પેનલ્ટી સ્વરૂપે ચૂકવવા પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.