ટેલિગ્રામમાં પેઈડ સબ્સ્ક્રિપ્શન શરુ:મીડિયા અને ફાઈલ્સ અપલોડ કરવાની લિમિટમાં વધારો થશે, હાલના યુઝર્સને મફત સેવા મળતી રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ટેલિગ્રામ આ મહિને તેના યુઝર્સ માટે પેઈડ સબ્સક્રિપ્શન યોજના શરૂ કરશે. આ સેવાનું નામ ‘ટેલિગ્રામ પ્રીમિયમ’ હશે. કંપનીના ફાઉન્ડર પાવેલ ડ્યુરોવે પોતે આ માહિતી આપી છે. ડ્યુરોવે એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, જે યૂઝર આ વિકલ્પ પસંદ કરશે તેમને ચેટ, મીડિયા અને ફાઈલ અપલોડ કરવા માટે વધુ લિમિટ મળશે. ટેલિગ્રામ પ્રીમિયમ આ મહિનાના અંતે જોવા મળશે. જોકે, હાલ કિંમત અંગે માહિતી સામે આવી નથી.

અત્યારે ટેલિગ્રામના 50 કરોડ મંથલી એક્ટિવ યુઝર્સ
મેસેજિંગ ટૂલ સિગ્નલ સાથે ટેલિગ્રામ તેના સૌથી મોટા હરીફ વ્હોટ્સએપ સાથે પ્રાઈવેસી પોલીસી બહાર લાવ્યા બાદ તેના યુઝર્સમાં વૃદ્ધિ જોવા મળી છે. ટેલિગ્રામમાં હાલ 50 કરોડ મંથલી એક્ટિવ યુઝર્સ છે અને તેની વેબસાઇટ મુજબ તે વિશ્વની 10 સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્લિકેશનોમાંની એક છે. ડ્યુરોવે કહ્યું કે, તે ટેલિગ્રામને પેઈડ સબ્સ્ક્રિપ્શન્સ દ્વારા જાહેરાત કરવાને બદલે તેના યુઝર્સ પાસેથી જ ભંડોળ પૂરું પાડવા માંગે છે.

હાલના ટેલિગ્રામ યુઝર્સ પર શું અસર થશે?
પાવેલ ડ્યુરોવે જણાવ્યું હતું કે, ટેલિગ્રામની હાલની તમામ સુવિધાઓ મફત રહેશે અને આગામી વર્ષમાં પણ ઘણાં નવા મફત ફીચર્સ રજૂ કરવામાં આવશે. ફ્રી યુઝર્સ એ પ્રીમિયમ યુઝર્સ દ્વારા મોકલેલા દસ્તાવેજો, પ્રતિક્રિયાઓ અને સ્ટીકરો પણ જોઈ શકશે.

ટેલિગ્રામની ટેગલાઈન બદલાઈ જશે
તાજેતરના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જે યુઝર એપ્લિકેશન ડાઉનલોડ કરે છે, તે ટેગલાઇન જોઈ રહ્યા છે, ‘ટેલિગ્રામ કાયમ માટે મફત રહેશે, કોઈ ફી નહીં’. જોકે, તે ટૂંક સમયમાં બદલાઈ શકે છે. લેટેસ્ટ અપડેટમાં ટેલિગ્રામ એપના આગામી વર્ઝનનો કોડ ફ્રી સ્લોગન સિવાય અલગ ટેગલાઇન સાથે ઓનલાઇન જોવા મળ્યો છે. નવા સ્ટ્રીંગ્સ એવા સંકેત આપે છે કે, કંપની આવક મેળવવા માટે એપ્લિકેશન માટે એક બીજી રીતનું ટેસ્ટિંગ કરી રહી છે.

કંપની જાહેરાતો પણ બતાવશે!
ટ્વિટર પર જાણીતા ડેવલપર એલેસાન્ડ્રો પાલુઝી (@alex193a)એ સૂચવ્યું હતું કે, ટેલિગ્રામ ટૂંક સમયમાં એપની પ્રારંભિક ટેગલાઇનમાં ફેરફાર કરીને તેનું પેઇડ વર્ઝન લોન્ચ કરી રહ્યું છે. ડેવલપર દ્વારા શેર કરવામાં આવેલા નવા ડેટા સ્ટ્રિંગ્સમાં નવી ટેગલાઈન ‘ટેલિગ્રામ ચેટ્સ અને મીડિયા માટે મફત અમર્યાદિત ક્લાઉડ સ્ટોરેજ પ્રદાન કરે છે’ નો સમાવેશ થાય છે. સ્ક્રીનશોટ્સ એ પણ બતાવે છે કે, કંપની જાહેરાતો બતાવવાની પણ યોજના ધરાવે છે. ટેલિગ્રામ પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન્સમાંથી વધારાના સ્ટીકરો પણ અનલોક થવાની અપેક્ષા છે.