પેગાસસ સ્પાયવેરથી જાસૂસી મોંઘી:તેનાં એક લાયસન્સની કિંમત આશરે 70 લાખ રૂપિયા, 10 લોકોની જાસૂસી માટે કંપની 9 કરોડ રૂપિયા વસૂલે છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એક મિસ્ડકોલથી પણ પેગાસસ સ્પાયવેર ટાર્ગેટ યુઝરના ફોનમાં ઈન્સ્ટોલ કરી શકાય છે
  • કંપની 10 ડિવાઈસ હેક કરવા માટે અલગથી 3.75 કરોડ રૂપિયાનો ઈન્સ્ટોલેશન ચાર્જ લે છે
  • કંપનીના જણાવ્યા પ્રમાણે, તે માત્ર સરકારી એજન્સીઓ સાથે જ કામ કરે છે

ઈઝરાયલની સાયબર સિક્યોરિટી કંપની NSOનું સ્પાયવૅર pegasus (પેગાસસ) ચર્ચામાં છે. ધ ગાર્ડિયન અને વૉશિંગ્ટન પોસ્ટ સહિત 16 મીડિયા ઓર્ગેનાઈઝેશનના એક સંયુક્ત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત સરકારે વર્ષ 2017થી 2019 દરમિયાન આશરે 300 ભારતીય મોબાઈલ નંબરોની જાસૂસી કરી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સરકારે પેગાસસ સ્પાયવેરની મદદથી પત્રકાર, વકીલ, સામાજિક કાર્યકર્તા, વિપક્ષના નેતા અને બિઝનેસમેનના ફોન હેક કર્યા હતા.

પેગાસસ ચર્ચામાં આવ્યા બાદ મોટો પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે શું આ સ્પાયવેરની ખરીદી કોઈ પણ વ્યક્તિ કરી શકે છે? તેની કિંમત શું છે? તે કેવી રીતે કામ કરે છે? આ સવાલોના જવાબ અમે તમને જણાવી રહ્યા છીએ...

પેગાસસ શું છે?
પેગાસસ એક સ્પાયવેર છે. સ્પાયવેર અર્થાત જાસૂસી અથવા દેખરેખ માટે ઉપયોગમાં લેવાતું સોફ્ટવેર. તેનાં માધ્યમથી ફોન હેક કરી શકાય છે. હેક કર્યા બાદ તે ફોનનો કેમેરા, માઈક, મેસેજિસ અને કોલ્સ સહિતની ડિટેલ હેકર પાસે જતી રહે છે. આ સ્પાયવેરને ઈઝરાયલની કંપની NSO ગ્રુપે ડેવલપ કર્યું છે.

પેગાસસને કોઈ પણ ફોન અથવા અન્ય ડિવાઈસમાં રિમોટલી ઈન્સ્ટોલ કરી શકાય છે. માત્ર એક મિસ્ડકોલથી પણ તમારા ફોનમાં પેગાસસ ઈન્સ્ટોલ કરી શકાય છે. આટલું જ નહિ વ્હોટ્સએપ મેસેજ, ટેક્સ્ટ મેસેજ, SMS અને સોશિયલ મીડિયાનાં માધ્યમથી પણ આ સ્પાયવેર ઈન્સ્ટોલ કરી શકાય છે.

પેગાસસની ખરીદી કોણ કરી શકે છે?

  • NSO ગ્રુપ માત્ર અધિકૃત સરકાર સાથે કામ કરવાનો દાવો કરે છે. પેગાસસનો ઉપયોગ મેક્સિકો અને પનામાની સરકાર સાર્વજનિક રીતે કરે છે. 40 દેશોમાં તેના 60 ગ્રાહક છે. કંપનીએ કહ્યું છે કે તેના 51% યુઝર્સ ઈન્ટેલિજન્સ એજન્સીઓ, 38% લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓ અને 11% સેના સાથે સંકળાયેલા છે.
  • કંપનીની વેબસાઈટ પર લખ્યું છે કે, NSO ગ્રુપ સરકારી એજન્સીઓને લોકલ અને ગ્લોબલી જોખમની એક વાઈડ રેન્જની ઓળખ કરવા અને રોકવા માટે બેસ્ટ ઈન ક્લાસ ટેક્નોલોજીને ડેવલપ કરે છે. અમારી પ્રોડક્ટ સરકારી ઈન્ટેલિજન્સ અને લૉ એન્ફોર્સમેન્ટ એજન્સીઓને આતંક અને અપરાધ રોકવા અને તપાસ કરવા માટે ઈન્ક્રિપ્શનના પડકારોનો સામનો કરવા માટે ટેક્નોલોજીના ઉપયોગ કરવામાં મદદ કરે છે.

પેગાસસ ખરીદવા માટે કેટલો ખર્ચો કરવો પડે છે
પેગાસસ સ્પાયવેર લાયસન્સ સાથે વેચવામાં આવે છે. તેની કિંમત શું હશે તે કંપની અને ખરીદદારની વચ્ચે થતી ડીલ પર નક્કી થાય છે. તેના એક લાયસન્સની કિંમત 70 લાખ રૂપિયા હોઈ શકે છે. એક લાયસન્સથી ઘણા સ્માર્ટફોન ટ્રેક કરી શકાય છે. વર્ષ 2016ના અનુમાનો પ્રમાણે, પેગાસસનો ઉપયોગ કરનારા માત્ર 10% લોકો જાસૂસી કરે છે. NSO ગ્રુપે આશરે 9 કરોડ રૂપિયાની ફી લીધી હતી. 2016ના પ્રાઈસ લિસ્ટ પ્રમાણે, NSO ગ્રુપે 10 ડિવાઈસ હેક કરવા માટે ગ્રાહક પાસેથી 650,000 ડોલર (આશરે 4.84 કરોડ રૂપિયા)ની ફી લીધી હતી. આ સિવાય ઈન્સ્ટોલેશન માટે 500,000 ડોલર (આશરે 3.75 કરોડ રૂપિયા) અલગથી લીધા હતા.

પેગાસસ કેવી રીતે કામ કરે છે

  • સાયબર સિક્યોરિટી રિસર્ચ ગ્રુપ સિટીજન લેબના જણાવ્યા પ્રમાણે, કોઈ ડિવાઈસમાં પેગાસસને ઈન્સ્ટોલ કરવા માટે હેકર અલગ અલગ રીત અપનાવે છે. તેમાંથી એક રીતમાં ટાર્ગેટ ડિવાઈસ પર મેસેજનાં માધ્યમથી 'એક્સપ્લોઈટ લિંક' મોકલવામાં આવે છે. યુઝર આ લિંક પર ક્લિક કરે તો આપમેળે પેગાસસ ઈન્સ્ટોલ થઈ જાય છે.
  • 2019માં જ્યારે વ્હોટ્સએપનાં માધ્યમથી પેગાસસ ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું ત્યારે હેકર્સે અલગ રીત અપનાવી હતી. તે સમયે હેકર્સે વ્હોટ્સએપના વીડિયો કોલ ફીચરમાં એક બગનો ફાયદો ઉઠાવ્યો હતો. હેકર્સે ફેક વ્હોટ્સએપ અકાઉન્ટથી ટાર્ગેટ ફોન પર વીડિયો કોલ કર્યા હતા. આ દરમિયાન એક કોડનાં માધ્યમથી પેગાસસ ફોનમાં ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું.