ચોંકાવનારો રિપોર્ટ:ઈન્સ્ટાગ્રામ ટીનેજર ગર્લ્સ માટે તણાવનું કારણ બન્યું, પેરેન્ટ કંપની ફેસબુક આ વાત જાણતી હોવા છતાં મૂંગી રહી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકન ન્યૂઝ પેપર 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'એ ઈન્સ્ટાગ્રામ પર ચોંકાવનારો ખુલાસો કર્યો
  • રિપોર્ટ પ્રમાણે, ટીનેજર ગર્લ્સનું કહેવું છે કે ઈન્સ્ટાગ્રામને કારણે તેઓ બોડી શેમિંગનો ભોગ બની રહી છે

પોતાના કન્ટેન્ટ અને પોલિસી ટીનેજર માટે સુરક્ષિત હોવાનો દાવો કરનાર ઈન્સ્ટાગ્રામ પર એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ફેસબુકે 2020માં માર્ચ મહિનામાં એક ઈન્ટર્નલ સર્વે કર્યો હતો. તે પ્રમાણે 32% કિશોરીઓએ માન્યું હતું કે ઈન્સ્ટાગ્રામે તેમની અસુરક્ષાની સ્થિતિ વધુ ખરાબ કરી છે. 13% બ્રિટિશ અને 6% અમેરિકન ટીનેજર્સે સ્વીકાર્યું હતું કે ઈન્સ્ટાગ્રામના ઉપયોગને કારણે તેમના મનમાં આત્મહત્યાના વિચાર આવે છે.

ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગ આ સર્વે અને તેના પરિણામથી અવગત હતા. તેમ છતાં અમેરિકાની સંસદમાં તેમણે દાવો કર્યો હતો કે ફેસબુક ટીનેજર્સ અને યુવાનોના માનસિક સ્વાસ્થ્ય માટે સારું પ્લેટફોર્મ છે. આ દરમિયાન કંપનીના ઈન્ટરનલ રિપોર્ટને જમીનમાં દાટી કાઢ્યો હતો.

'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'નો ચોંકાવનારો ખુલાસો

ફેસબુકના ઈન્ટર્નલ રિપોર્ટનો હવાલો આપી અમેરિકન ન્યૂઝ પેપર 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'એ ખુલાસો કર્યો છે કે ઈન્સ્ટાગ્રામ કિશોરીઓ માટે એમ્બેરેસમેન્ટ અને તણાવનું કારણ બની રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ફેસબુક પોતાનાં જ માપદંડોનું ઉલ્લંઘન કરી રહી છે.

આ રિપોર્ટમાં ફેસબુકના ભૂતપૂર્વ કર્મચારીના નિવેદનો પ્રમાણે, ફેસબુક અને તેની માલિકીના અન્ય પ્લેટફોર્મ ન તો નિષ્પક્ષ છે ન તો ક્લીન એન્ડ ક્લીયર. એક ઈન્ટર્નલ રિપોર્ટમાં કહેવાયું છે કે, 'અમે એક તૃતિયાંશ કિશોરીઓ માટે બોડી ઈમેજ અંગે માનસિકતા ખરાબ કરી છે. તેને કારણે છોકરીઓમાં તણાવ અને હતાશા વધી રહી છે. તેના માટે આ છોકરીઓ ઈન્સ્ટાગ્રામને દોષી માને છે. તેમનું કહેવું છે કે તેઓ બોડી શેમિંગનો ભોગ બની રહ્યા છે.'

આ ચોંકાવનારા ખુલાસા પર ફેસબુકે હજુ સુધી મૌન સાધ્યું છે. આ ખુલાસા બાદ ફેસબુકની સરખામણી તમાકુ અને તેનાથી બનતા ઉત્પાદકોનું પ્રોડક્શન કરતી કંપની સાથે થઈ રહી છે. તેમનું કહેવું છે કે જે રીતે તમાકુ કંપનીઓ પોતાના ફાયદા માટે તમામ વૈજ્ઞાનિક તારણોને નેવે મૂકી પ્રજાનાં સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે તે રીતે ફેસબુક પણ યુઝરના માનસિક સ્વાસ્થ્યની અવગણના કરી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે એક્ટિવ ફેક અકાઉન્ટ્સની પણ અવગણના થઈ

  • 'ન્યૂયોર્ક ટાઈમ્સ'એ 2018માં જણાવ્યું હતું કે, ફેસબુક સિક્યોરિટી ટીમને 2016માં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં સોશિયલ મીડિયાનાં માધ્યમથી કરવામાં આવેલી રશિયાની દખલ અંગે જાણ હતી, પરંતુ કંપનીએ આ માહિતી છૂપાવી રાખી.
  • 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના રિપોર્ટ પ્રમાણે, ફેસબુકે 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ ઈન્ટર્નલ તપાસ કરાવી હતી. તેને 'પ્રોજેક્ટ પી' નામ આપવામાં આવ્યું. તેમાં ઘણા ફેક અકાઉન્ટની પણ ઓળખ થઈ. આ અકાઉન્ટથી ટ્રમ્પને જીતાડવા માટે પ્રચાર દરમિયાન ફેક ન્યૂઝ વહેતા કરવામાં આવ્યા હતા. જોકે આમાંથી કેટલાક અકાઉન્ટ બૅન કરવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...