તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાઈવેટ કંપની રોકેટ લોન્ચ કરશે:તમિલનાડુમાં બનશે સ્પેસપોર્ટ, ISROએ પ્રાઈવેટ કંપનીઓને લોન્ચ પૅડ બનાવવા આમંત્રણ આપ્યું

3 મહિનો પહેલા
  • ISROએ પોતાની નવી સ્પેસ નીતિનો ડ્રાફ્ટ જાહેર કર્યો, તે મુજબ પ્રાઈવેટ કંપનીઓને લોન્ચ સાઈટ તૈયાર કરવાની તક મળશે
  • લોન્ચ વ્હીકલ્સ બનાવવા અને લોન્ચ કરવા સિવાય પ્રાઈવેટ કંપનીઓ પોતાની લોન્ચ સાઈટ પણ બનાવી શકે છે

ભારતમાં હવે અન્ય દેશોની જેમ પ્રાઈવેટ કંપનીઓ પણ રોકેટ લોન્ચ કરી શકશે. પ્રાઈવેટ કંપનીઓ સરકારની મંજૂરી લઈ દેશની અંદર અને બહાર રોકેટ લોન્ચ સાઈટ તૈયાર કરી રોકેટ લોન્ચ કરી શકે છે. સાથે જ ભારતના સ્પેસ ડિપાર્ટમેન્ટ ISRO પ્રાઈવેટ કંપનીઓને લોન્ચ સાઈટ તૈયાર કરવાની તક આપશે. તેના માટે ISROએ પોતાની નવી સ્પેસ નીતિનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે.

તમિલનાડુના નવા સ્પેસ સેન્ટરમાં તક મળશે
ISROનું પ્રથમ અને એક માત્ર SDSC (સતીશ ધવન સ્પેસ સેન્ટર) આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત છે. આવું જ એક બીજું સ્પેસ સેન્ટર તમિલનાડુના કુલસેકરપટ્ટિનમ પાસે થુથુકુડીમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેના માટે ISRO દેશની પ્રાઈવેટ કંપનીઓને તક આપવા માગે છે.

નવી પોલિસીના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીઓએ IN-SPACe (ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર) પાસેથી અનુમિત લેવાની રહેશે. IN-SPACeએ ISROનો જ ભાગ છે. તે સ્વતંત્ર રીતે કામ કરે છે. તેને તાજેતરમાં જ સ્પેસ સેક્ટરને મેનેજ કરવા માટે તૈયાર કરાયું છે.

લોન્ચિંગ સર્વિસની માર્કેટમાં ભાગીદારી વધશે
DoS (ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ)ના પ્રમુખ કે. સિવને કહ્યું કે, પ્રાઈવેટ કંપનીઓ ISRO સાથે પાર્ટનરશિપ કરી શકે છે અને સ્પેસ ટ્રાન્સપોર્ટમાં ભવિષ્યના કાર્યક્રમોનો ભાગ બની શકે છે. તેમણે કહ્યું કે, નેશનલ સ્પેસ ટ્રાન્સપોર્ટેશન પોલિસીનાં માધ્યમથી ભારતની પ્રાઈવેટ કંપનીની ગ્લોબલી લોન્ચ સર્વિસ માર્કેટમાં ભાગીદારી વધશે.

લોન્ચ વ્હીકલ્સ બનાવવા અને લોન્ચ કરવા સિવાય પ્રાઈવેટ કંપનીઓ પોતાની લોન્ચ સાઈટ પણ બનાવી શકે છે. સાથે જ તે ISROની લોન્ચ સાઈટ પર લોન્ચ પૅડ બનાવી શકે છે.

કંપનીઓ પોતાના પ્રસ્તાવ આપી શકે છે
નેશનલ સ્પેસ લોન્ચ પોલિસીના ડ્રાફ્ટ 2020 અનુસાર ગાઈડલાઈન અને પ્રોસેસ જણાવવામાં આવી હતી, જેને હવે જાહેર કરવામાં આવી છે. તેમાં 21 જુલાઈ સુધી કંપનીઓ પાસેથી પ્રસ્તાવ માગવામાં આવ્યા છે. નેશનલ ટ્રાન્સપોર્ટ સ્પેસ પોલિસી 2020નો હેતુ સ્પેસ ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં પ્રાઈવેટ કંપનીઓને તક આપવાનો છે.