સ્માર્ટફોન રેનિંગ સેફ્ટી ટિપ્સ:વરસાદમાં સ્માર્ટફોન પલળી જાય તો પહેલાં તેને સ્વિચ ઓફ કરી દો, ત્યારબાદ આ ટિપ્સ ફોલો કરી ફોન ખરાબ થતાં બચાવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વરસાદમાં ઘરની બહાર જતાં ફોન પલળી જાય તેનો ડર રહે છે. આમ ન થાય તેનાં માટે ફોન પોલિથીનમાં રાખવો પડે છે અથવા તેને ઘરે જ રાખવો પડે છે. તમામ સાવચેતી રાખ્યા હોવા છતાં ઘણી વખત ફોનમાં પાણી જતું રહે છે. જો તમારી સાથે આમ બને તો ગભરાશો નહિ પરંતુ ફોન કોરો કઈ રીતે કરવો તેના વિશે વિચારો.

અમે તમને એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જે ફોન પાણીમાં પલળી જાય અથવા પાણીમાં પડી જાય તો ઘણી કામ લાગશે. આ ટિપ્સ ફોલો કરી ફોન ખરાબ થતાં બચાવી શકાય છે. આવો જાણીએ આ ટિપ્સ....

જો પાણીમાં ફોન પલળી ગયો હોય તો તેને ઓફ કરી દો. જો ફોનની અંદરના પાર્ટ્સમાં પાણી ગયુ હોય અને ફોન ચાલું હોય તો શોર્ટ સર્કિટ થઈ શકે છે. પલળેલા ફોનને વારંવાર સ્વિચ ઓન/ ઓફ ન કરો. તેને સ્વિચ ઓફ જ કરી દો.

ફોન પલળી ગયો હોય તો તેની એક્સેસરીઝને અલગ કરી દો. અર્થાત બેટરી, સિમ કાર્ડ, મેમરી સાથે ફોનથી અટેચ કૉર્ડ પણ અલગ કરી તેને ટૉવેલથી કોરા કરી લો. આ તમામ વસ્તુ અલગ કરવાથી શૉર્ટ સર્કિટનું જોખમ ઓછું થઈ જાય છે.

જો તમારા ફોનમાં નોન રિમૂવેબલ બેટરી છે તો બેટરી કાઢી ફોન ઓફ કરવાનો વિકલ્પ રહેતો નથી. તેથી પાવર બટન પ્રેસ કરી ફોન બંધ કરી દો. નોન રિમૂવેલબલ બેટરીના કારણે ફોનમાં શૉર્ટ સર્કિટ થઈ શકે છે.

ફોનની એક્સેસરીઝ અલગ કર્યા બાદ ફોનના તમામ પાર્ટ્સને કોરા કરવા જરૂરી છે. તેના માટે પેપર નેપ્કિનનો ઉપયોગ કરો.

ફોનના ઈન્ટર્નલ પાર્ટ્સને કોરા કરવા વધારે મહત્વના છે. તેના માટે ફોનને કોરા ચોખાના વાસણમાં રાખી દો. ચોખા ભેજ શોષી લે છે. તેવામાં ફોનના ઈન્ટર્નલ પાર્ટ્સ કોરા થઈ જશે.

જો તમે ચોખાના વાસણમાં ફોન ન મૂકવા માગતા હો તો સિલિકા જેલ પેકનો પણ ઉપયોગ કરી શકો છો. આ જેલ પેક્સ જૂતાના બોક્સ અને ગેજેટ બોક્સમાં રાખવામાં આવે છે. તેનામા ચોખા કરતાં પણ વધારે ભેજ શોષવાની ક્ષમતા હોય છે.

ફોન પલળી ગયા બાદ તેને મિનિમમ 24 કલાક સિલિકા પેક અથવા કોરા ચોખાના વાસણમાં રાખો. જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે કોરો ન પડી જાય ત્યાં સુધી તેને ઓન ન કરો. ફોન સાથે બેટરી અને અન્ય એક્સેસરીઝને પણ કોરા ચોખામાં રાખી કોરા કરી શકાય છે.

24 કલાક બાદ ફોન અને તેના પાર્ટ્સનો ભેજ શોષાઈ જાય છે. ત્યારબાદ ફોન ઓન કરી જુઓ. જો તો પણ ફોન ઓન ન થાય તો તેને સર્વિસ સેન્ટર લઈ જાઓ.

  • ફોનને ડ્રાયરથી કોરો ન કરો. ડ્રાયર વધારે ગરમ હવા ફેંકે છે તેથી ફોનની સર્કિટ ખરાબ થઈ શકે છે.
  • ફોન પલળે તો પહેલાં તેને સ્વિચ ઓફ કરી દો. વારંવાર બટન પ્રેસ કરવાથી શૉર્ટ સર્કિટ થઈ શકે છે.
  • હેડફોન જેક અને USB પોર્ટ સંપૂર્ણ રીતે કોરાં ન થઈ જાય ત્યાં સુધી તેનો ઉપયોગ ન કરો.
અન્ય સમાચારો પણ છે...