ભારતમાં બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા ગેમ પર પ્રતિબંધ:સરકારે PUBG બાદ એપ સ્ટોર પરથી BGMI હટાવી, હવે માત્ર પ્રી-ઈન્સ્ટોલ ડિવાઇસમાં જ ચાલશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

PUBG મોબાઇલનું રિબ્રાન્ડેડ વર્ઝન BGMI (બેટલગ્રાઉન્ડ્સ મોબાઇલ ઈન્ડિયા) ક્રાફ્ટોનની આ ગેમને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર, સરકારનાં આદેશ બાદ બંને પ્લેટફોર્મ દ્વારા આ ગેમને હટાવી દેવામાં આવી છે. આ પાછળનું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે, કે થોડાં દિવસ પહેલાં એક 16 વર્ષનાં છોકરાએ 'PUBG જેવી ઓનલાઇન ગેમ'નાં કારણે તેની માતાની હત્યા કરી નાખી હતી. આ મામલો સંસદ સુધી પહોંચ્યો હતો, જ્યાં સરકારે કહ્યું હતું કે, ગૃહ મંત્રાલય તેની તપાસ કરી રહ્યું છે. સરકારે કહ્યું કે, કેટલીક પ્રતિબંધિત એપ્સ ફરી એકવાર નામ બદલીને ભારતીય બજારમાં આવી છે.

આ રમતથી ગુનાખોરીને વેગ મળ્યો
ગૃહ મંત્રાલય તેની તપાસ કરી રહ્યું છે. ગયા અઠવાડિયે રાજ્યસભાનાં સાંસદ વી વિજયસાઈ રેડ્ડીએ આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતાં. તેમણે પૂછ્યું હતું કે, શું આઈટી મંત્રાલય PUBG જેવી ગેમ્સ સામે કોઈ કાર્યવાહી કરી રહ્યું છે? આ ગેમ્સનાં પ્રભાવનાં કારણે બાળકો ગુનાખોરી તરફ વળી રહ્યા છે, જે જરાપણ યોગ્ય નથી. સપ્ટેમ્બર 2020માં PUBG પર પ્રતિબંધ મૂક્યા બાદ 2021માં BGMI લોન્ચ કરવામાં આવી હતી. એક વર્ષની અંદર જ આ એપ્લિકેશને 10 લાખ ડાઉનલોડનો રેકોર્ડ નોંધાવ્યો હતો.

ક્રાફ્ટોન આ અંગે શું કહે છે?
આ મામલે ક્રાફટોનનાં પ્રવક્તાએ કહ્યું છે કે, એ વાત સ્પષ્ટ નથી, કે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી કેવી રીતે BGMI હટાવવામાં આવી છે? જવાબ મળ્યા બાદ આ અંગે વધુ માહિતી આપશે. આ સાથે જ ગૂગલનું કહેવું છે કે, તેમણે ગેમ હટાવતાં પહેલાં ક્રાફ્ટોનને જાણકારી આપી હતી.

ભારતમાં 140 મિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના હતી
BGMI પણ એ જ કંપની હેઠળ આવે છે, જેનું નામ ક્રાફ્ટોન ઈન્ક છે, જેના હેઠળ PUBG મોબાઈલ આવે છે. રસપ્રદ વાત એ છે કે, હાલમાં જ દક્ષિણ કોરિયાની કંપનીએ ક્રાફ્ટોનને કહ્યું છે, કે કંપનીએ અત્યાર સુધીમાં ભારતમાં 10 કરોડ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે અને આવનારાં સમયમાં ભારતમાં કંપનીનું રોકાણ 140 મિલિયન ડોલર સુધીનું રહેશે. ભારતમાં આ કંપની માત્ર ગેમિંગ સેક્ટરમાં જ નહીં, પરંતુ અન્ય સેક્ટરમાં પણ હાથ અજમાવવા માગે છે. BGMIનાં મોટાભાગનાં ફીચર્સ પણ PUBG મોબાઈલ જેવાં જ છે. કેટલાક મેપ્સ પણ PUBG મોબાઇલનાં જ છે. PUBG મોબાઇલની ખૂટતી જગ્યાને ભારતમાં આ ગેમ દ્વારા સારી રીતે ભરવામાં આવી છે. વાસ્તવમાં આ બંને ગેમ સાઉથ કોરિયન કંપની ક્રાફ્ટન ઇન્કની જ છે.