ટેક ન્યૂઝ:ગૂગલના ફોલ્ડેબલ સ્માર્ટફોનની સેમસંગ સાથે સીધી ટક્કર, 2023માં લોન્ચ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટેક જાયન્ટ ગૂગલ ટૂંક સમયમાં જ તેનો પહેલો ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી શકે છે, જે ફોલ્ડેબલ ફોન સેગમેન્ટમાં સ્પર્ધા વધારી શકે છે. ફોલ્ડેબલ ફોનમાં સેમસંગનું વર્ચસ્વ વધુ ને વધુ છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આ મોડેલ પર કામ પહેલેથી જ ચાલી રહ્યું છે અને વર્ષ 2023 સુધીમાં આ સ્માર્ટફોન માર્કેટમાં આવવાની સંભાવના છે. ગૂગલના ફોલ્ડેબલ સ્માર્ટફોનની ઘણા વર્ષોથી રાહ જોવાઈ રહી છે, પરંતુ તેની જટિલ ટેક્નોલોજી અને સેમસંગની લોકપ્રિયતા આ સ્માર્ટફોનના લોન્ચિંગમાં મોડુ કરી રહી છે.

સંભવિત ફીચર્સ કયા-કયા હોઈ શકે?
રિપોર્ટ મુજબ ગૂગલ પિક્સલ ફોલ્ડમાં 5.8 ઇંચની 2K ડિસ્પ્લે હોઇ શકે છે. આ સિવાય ગૂગલ પોતાના ફ્લેગશિપ ટેન્સર-2 ચિપનો ઉપયોગ કરશે, જેને પિક્સલ-7 સીરીઝના ફોન સાથે સામેલ કરવામાં આવે તેવી આશા છે. આ ફોલ્ડેબલ ફોનમાં 50MPનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવશે. આ સાથે જ સોનીનું IMX787 સેન્સર તેના અન્ય કેમેરામાં મળી શકે છે. ફ્રન્ટ કેમેરા માટે ફોનમાં સેન્ટ્રલ પંચ-હોલ કટ આઉટ આપવામાં આવશે.

પ્રોડક્શન ક્યારે થઈ શકે?
કોવિડકાળ પછી ભૌગોલિક રાજકીય અશાંતિ અને સપ્લાય ચેઇન વિક્ષેપોને કારણે ગૂગલે ચીનની બહાર તેની ઉત્પાદન સુવિધાઓ સ્થાનાંતરિત કરવાનું શરૂ કર્યું છે. સોફ્ટવેર જાયન્ટ હવે આવતા વર્ષે વિયેતનામમાં તેના 50 ટકા હાઇ-એન્ડ ફોનનું ઉત્પાદન શરૂ કરી શકે છે. જો કે, અહેવાલમાં એવું જણાવવામાં આવ્યું છે કે, તેને હજી પણ કેટલાક ખૂબ જ તકનીકી ઉત્પાદન માટે ચીનની જરૂર પડી શકે છે. આ જ સમસ્યાઓના કારણે એપલ પણ iPhone-14 સિરીઝ ભારતમાં મેન્યુફેક્ચર કરી રહ્યા છે.

ગૂગલ 2023 માટે ફોલ્ડેબલ ફોન પર વિચાર કરી રહ્યું છે. આ માટે ગૂગલ તેના કેટલાક ફોનમાં તાઇવાન સ્થિત ફોક્સકોન સાથેની ભાગીદારી ચાલુ રાખશે, જેમાં ફોલ્ડેબલ હેન્ડસેટનો પણ સમાવેશ હોઈ શકે છે. વર્ષના બે સૌથી મોટા ટેક લોન્ચ આવવાના બાકી છે. એપલ 7 સપ્ટેમ્બરે તેની નવી આઇફોન 14 સિરીઝ લોન્ચ કરવાની તૈયારીમાં છે ત્યારે ગૂગલ આવનાર સમયમાં તેની નવી પિક્સેલ-7 સિરીઝ લોન્ચ કરે તેવી સંભાવના છે. પિક્સેલ ફોનની રિલીઝ ડેટની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી, પરંતુ બંને વિશે ઘણી બધી માહિતી લીક થઈ ચૂકી છે. પિક્સલ-7 સીરીઝ ભલે જલ્દી ભારતમાં લોન્ચ ન થાય, પરંતુ આઇફોન-14 લાઇનઅપ ટૂંક સમયમાં જ ભારતીય બજારમાં પોતાની હાજરી આપે તેવી શક્યતા છે.