દિગ્ગજ ટેક કંપનીઓની ધમકી:ગૂગલ, ફેસબુક અને ટ્વિટરે પાકિસ્તાન છોડવાની ધમકી આપી કહ્યું- સરકાર કાયદો બદલે

એક વર્ષ પહેલા
  • ઈમરાન ખાને બુધવારે જાહેરાત કરી હતી કે, પાકિસ્તાનમાં ઈન્ટરનેટ કન્ટેન્ટ પર સેન્સરશિપ લાગુ થશે
  • એશિયા ઈન્ટરનેટ ગઠબંધને કહ્યું કે, ઈન્ટરનેટ કંપનીઓને નિશાન બનાવનાર નવો કાયદો ચિંતાજનક છે

ગૂગલ, ફેસબુક અને ટ્વિટર જેવી કંપનીઓએ પાકિસ્તાનથી વિદાય લેવાની ધમકી આપી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને બુધવારે જાહેરાત કરી હતી કે, પાકિસ્તાનમાં ઈન્ટરનેટ કન્ટેન્ટ પર સેન્સરશિપ લાગુ થશે. જે કંપનીઓ આ નિયમનો ભંગ કરશે તેને દંડ ભરવો પડશે. પાકિસ્તાન સરકારના આ નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે.

કંપનીઓએ મજબૂરીમાં પાકિસ્તાન છોડવું પડશે
વૈશ્વિક ઈન્ટરનેટ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરનાર સંગઠન એશિયા ઈન્ટરનેટ ગઠબંધન (જેના સભ્યો ગૂગલ, ફેસબુક અને ટ્વિટર પર છે)એ કહ્યું કે, ઈન્ટરનેટ કંપનીઓને નિશાન બનાવનાર કાયદો ચિંતાજનક છે. જો આ કાયદો લાગુ કરવામાં આવશે તો પાકિસ્તાનથી કંપનીઓએ મજબૂરીમાં બિઝનેસ વાઈન્ડ અપ કરવું પડશે. આ સંસ્થા એશિયામાં ગૂગલ, ફેસબુક અને ટ્વિટર જેવી ટેક કંપનીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

3.14 મિલિયન ડોલર દંડની રકમ
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ પ્રમાણે, IT મંત્રાલયે બુધવારે નવા નિયમની જાહેરાત કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા કંપનીઓ અને ઈન્ટરનેટ સર્વિસ આપનાર કંપનીઓએ એ તમામ માહિતી આપવી પડશે જે તપાસ એજન્સીઓ માગશે. તેમાં સબસ્ક્રાઈબરની સૂચના, ટ્રાફિક ડેટા અને યુઝર ડેટા સામેલ થઈ શકે છે.

સાથે જ સોશિયલ મીડિયા કંપનીઓ અથવા ઈન્ટરનેટ સર્વિસ આપનારને ઈસ્લામ વિરુદ્ધ કન્ટેન્ટ, આતંકવાદને વેગ આપનાર કન્ટેન્ટ, અભદ્ર ભાષા, અશ્લીલ સાહિત્ય અથવા કોઈ પણ એવા કન્ટેન્ટ જે જોખમકારક હોય તેના માટે કંપનીને 3.14 મિલિયન ડોલરનો દંડ ફટકારાશે. ત્યારબાદ ગૂગલ, ફેસબુક અને ટ્વિટર ,સહિત અનેક કંપનીઓએ કહ્યું કે જો આ કાયદો લાગુ થશે તો કંપનીઓ પાકિસ્તાનને અલવિદા કહેશે.