સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની સર્વિસ શુક્રવારે ફરી એક વાર ડાઉન થઈ હતી. આ આઉટેજ પર કંપનીએ સ્પષ્ટતા કરી જણાવ્યું છે કે ટેક્નિકલ સર્વિસને કારણે આ સર્વિસ ડાઉન થઈ હતી. 5 દિવસની અંદર ફેસબુકનું આ બીજું આઉટેજ છે. આ પહેલાં 4 ઓક્ટોબરે ફેસબુક સહિત ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ ડાઉન થયા હતા.
જોકે આ વખતે ફેસબુક આઉટેજની અસર ભારતમાં નથી થઈ. અમેરિકા, બ્રિટન, પોલેન્ડ અને જર્મનીના કેટલાક યુઝર્સ આ આઉટેજથી પરેશાન થયા હતા. સર્વર ડાઉન થવાને કારણે ટ્વિટર પર #instagramdownagain હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યો છે.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ભારતીય સમયાનુસાર રાતે 12:11 વાગ્યે ડાઉન થયાં હતાં. યુઝર્સને ફીડ રિફ્રેશ કરવામાં તકલીફ પડી રહી હતી. સાથે ફોટો અપલોડ કરવામાં પણ સમસ્યા થઈ રહી હતી.
ફેસબુક દુ:ખી થયું
અઠવાડિયાંની અંદર બીજી વખત આવેલાં આઉટેજને કારણે ફેસબુકે માફી માગી છે. ફેસબુકે રાતે 2:47 વાગ્યે માફી માગતા કહ્યું કે, કેટલાક લોકોને અમારી એપ્સ અને વેબસાઈટ સુધી પહોંચવામાં સમસ્યા થઈ રહી છે. તમે સર્વિસનો ઉપયોગ ન કરી શક્યા તેનું અમને દુ:ખ છે. અમે જાણીએ છીએ કે તમે એકબીજાથી વાતચીત કરવા માટે અમારા પર કેટલા નિર્ભર છો. હવે સમસ્યાનો ઉકેલ આવી ગયો છે. ધીરજ રાખવા માટે ફરી આભાર.
ઈન્સ્ટાગ્રામે પણ યુઝર્સની માફી માગતા જણાવ્યું કે તમારામાંથી કેટલાક લોકોને ઈન્સ્ટાગ્રામ એક્સેસ કરવામાં તકલીફ થઈ રહી છે. અમને ઘણુ દુ:ખ છે. હવે સમસ્યા ઉકેલાઈ છે અને બધુ સામાન્ય બન્યું છે.
4 દિવસ પહેલા માફી માગી હતી
થોડા દિવસ પહેલાં જ ફેસબુક સર્વિસ બંધ થઈ હતી. આશરે 6 કલાક સુધી સર્વિસ બંધ રહેતા યુઝર્સ મેસેજ સેન્ડ અને રીસિવ કરી શકતા નહોતા. ડાઉનડિટેક્ટર વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં 1.06 કરોડ યુઝર્સે સર્વિસ બંધ થવાની ફરિયાદ નોંધાવી હતી. ફેસબુકે સર્વિસ બંધ પડતાં યુઝર્સની માફી માગી હતી.
ટેલિગ્રામ પર 7 કરોડ યુઝર્સ જોડાયા
5 ઓક્ટોબરના ફેસબુક આઉટેજનો ફાયદો ટેલિગ્રામ એપને મળ્યો હતો. ટેલિગ્રામ પર નવા 7 કરોડ યુઝર્સ જોડાયા. આ સાથે એપના મંથલી એક્ટિવ યુઝર્સની સંખ્યા 500 મિલિયનને પાર પહોંચી ગઈ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.