જો તમે આ ફેસ્ટિવ સિઝનમાં LCD,LED,QLED,SLED અને OLED ડિસ્પ્લે ટાઈપ ટીવીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમે ચોક્કસથી મંઝૂવણમાં મૂકાશો કે આ ડિસ્પ્લેમાંથી સૌથી સારી ડિસ્પ્લે કઈ છે?
ફેસ્ટિવ સિઝનનની શરૂઆત થઈ ગઈ છે તેવામાં અનેક કંપનીઓ ટીવી પર બમ્પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો તમે નવું ટીવી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યો છો તો ટીવીની પિક્ચર ક્વોલિટી અને કિંમતથી લઈને ડિસ્પ્લે ટાઈપની સમજણ હોવી જરૂરી છે. માર્કેટમાં વિવિધ પ્રકારની ડિસ્પ્લેનાં ટીવી અવેલેબલ હોય છે. તેમની અલગ અલગ ખાસિયતો હોય છે. આવો જાણીએ...
1. LCD ડિસ્પ્લે
LCDનું ફુલ ફોર્મ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે છે. ટીવીમાં સામેની બાજુ લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે પેનલ લાગેલી હોય છે. તેમાં અનેક કલર હોય છે જ્યાંથી ટીવી કલર પ્રોડ્યુસ કરી લે છે. હવે આ કલર આંખો સુધી પહોંચે તે માટે કોઈ પ્રકાશ કે બેકલાઈટની આવશ્યકતા રહે છે. તેના માટે ડિસ્પ્લેની પાછળ રહેલી ફ્લોરોસેન્ટ લાઈટ કામ લાગે છે. તેને CCFL કહેવાય છે. તે પેનલની પાછળની બાજુ અટેચ હોય છે. ટીવી ઓન થતાં જ CCFL ચમકી ઊઠે છે ત્યારબાદ આપણે ટીવી પર વીડિયો જોઈ શકીએ છીએ.
LCDની ડિસ્પ્લે મોટી હોય છે. સાથે જ બ્લેક કલરનું લેવલ સંપૂર્ણ રીતે બ્લેક નથી હોતું. કારણ કે, જો પિક્ચરના કોઈ ખૂણે ડાર્કનેસ દર્શાવવી હોય તો તે સેક્શનની લાઈટ તમે બંધ કરી શકતા નથી. તેથી ત્યાં ગ્રે કલર જોવા મળે છે.
2. સસ્તું અને ટકાઉ LED ડિસ્પ્લે ટીવી
ટીવીના શૉ રૂમમાં સૌથી વધારે ઓપ્શન LED ટીવીના જોવા મળે છે. કારણ કે આ ટીવી સસ્તાં મળે છે અને તેની સાઈઝ પ્રમાણે મોટી રેન્જ ઉપલબ્ધ છે. 32 ઈંચના સ્માર્ટ LED ટીવીની પ્રારંભિક કિંમત 12,000 રૂપિયાથી શરૂ થાય છે.
LED ટીવીમાં કલર ઈફેક્ટ સારી મળે છે અને વ્યૂઈંગ એંગલ સારો મળે છે. તમે ટીવીની એકદમ સામે ન પણ બેસ્યા હો તો પણ ટીવીનું દૃશ્ય તમે સ્પષ્ટ જોઈ શકો છો. આ ટીવીમાં કંપની અને મોડેલ પ્રમાણે સાઉન્ડ આઉટપુટ અને બ્રાઈટનેસ લેવલ મળે છે. LED ટીવીનું કોન્ટ્રાસ્ટ એટલું સારું નથી હોતું કારણ કે, તેમાં હંમેશાં ડિસ્પ્લેની બેકલાઈટ ઓન રહે છે. તેથી બ્લેક કલરમાં થોડી વ્હાઈટનેસ જોવા મળે છે.
LED ટીવી ટેક્નિકલી LCD ટીવી જ છે. તેની અંદર CCFLને બદલે LED લાઈટનો ઉપયોગ થયો હોય છે. તેને LED-LCD કહેવું જોઈએ. આ ટીવીના પિક્સલ લિક્વિડ ક્રિસ્ટલ પેકેટમાંથી બને છે. આ ક્રિસ્ટલ આપમેળે લાઈટ પ્રોડ્યુસ કરતાં નથી તેથી CCFLને બદલે LED આ કામ કરે છે.
3. OLED ટીવી
આ ટીવી આ સમયની સૌથી સારી ડિસ્પ્લે ટેક્નોલોજી છે. OLEDનો અર્થ થાય છે- ઓર્ગેનિક લાઈટ એમિટિંગ ડાયોડ. OLEDમાં દરેક પિક્સલની પોતાની લાઈટ હોય છે. દરેક પિક્સલ તેની જરૂરિયાત પ્રમાણે બંધ પણ થઈ શકે છે. OLED સ્ક્રીનમાં ડીપ બ્લેક મળે છે અને શાનદાર કોન્ટ્રાસ્ટ મળે છે.
OLED પેનલમાં એક્સ્ટ્રા લાઈટ ઈક્વિપમેન્ટની જરૂરિયાત રહેતી નથી તેથી તેમાં સારો કલરફૂલ એક્સપિરિઅન્સ મળે છે. તેથી OLED પેનલ પ્રમાણમાં પાતળી હોય છે. વ્યૂઈંગ એંગલ અને પિક્ચર ક્વોલિટીમાં તે અવ્વલ છે. LCD-LEDની જેમ આ ટીવીમાં એટલું સારું બ્રાઈટનેસ લેવલ મળતું નથી. રૂમમાં ઈન્સ્ટોલ થતાં આ ટીવી માટે બ્રાઈટનેસ એટલું મેટર કરતું નથી.
OLED સ્ક્રીન ટીવી 55 ઈંચ અને તેનાથી વધુ સાઈઝમાં જ મળે છે. આ ટીવીનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 1 લાખ રૂપિયા હોય છે. તેના હાઈ એન્ડ વેરિઅન્ટની કિંમત 5 લાખ રૂપિયા હોઈ શકે છે. આ ટીવીમાં લાંબાગાળે તેનાં કલર અને વાઈબ્રન્સી ઘટવા લાગે છે. સ્ક્રીનમાં લાગેલું ઓર્ગેનિક મટિરિયલ સમય સાથે બર્ન આઉટ થતાં આ સમસ્યા સર્જાય છે. આ ટીવીમાં વર્ષો પછી કલર એટલા સારા નહિ દેખાય ખાસ કરીને વાદળી રંગ. જોકે નવા ટીવી મોડેલમાં આ ખામી દૂર કરવામાં આવી છે. આ ટીવી ઓન કર્યા બાદ તે સળંગ 11 વર્ષ સુધી ચાલી શકે છે.
4. QLED સ્ક્રીન LED કરતાં સારી અને OLEDથી સસ્તી
OLED સ્ક્રીન મોંઘી હોય છે. QLED મિડલ રેન્જમાં આવે છે. તે LED કરતાં સારી અને OLED કરતાં સસ્તી હોય છે. QLED ટીવી નાની સાઈઝમાં ઉપલબ્ધ હોતા નથી. તેનાં બેઝિક 43 ઈંચનાં વેરિઅન્ટની કિંમત 50,000 રૂપિયાથી શરૂ થાય છે. બ્રાન્ડ અને મોડેલ પ્રમાણે તેની કિંમત અને પિક્ચર ક્વોલિટીમાં ફરક હોય છે.
QLEDનો અર્થ થાય છે ક્વૉન્ટમ ડોટ LED. આ સ્ક્રીન LED જેવી જ છે તેમાં પાછળની LED બેકલાઈટ અને આગળની LCD પેનલ વચ્ચે નેનો પાર્ટિકલ્સનું લેયર હોય છે. આ ફિલ્ટરને ક્વૉન્ટમ ડોટ કહેવાય છે. તેને કારણે સ્ક્રીનમાં વધુ સારા કલર જોવા મળે છે.
5. નવી ટેક્નોલોજી SLED સ્ક્રીન
હાલ માત્ર રિયલમી કંપનીનું SLED ટીવી અવેલેબલ છે. કારણ કે આ ટેક્નોલોજીનો આવિષ્કાર કરનાર ચીફ સાયન્ટિસ્ટ રિયલમીના છે. LED ટીવીમાં લાઈટ સોર્સ માટે LCD પેનલ પર વાદળી લાઈટ એમિટ કરાય છે તો SLEDમાં RGB લાઈટ એમિટ કરી તેને સેફ લાઈટમાં પરિવર્તિત કરાય છે. રિયલમીનું કહેવું છે કે SLED સ્ક્રીન બ્લૂ લાઈટ કટ કરી આંખોને થતુંનુક્સાન બચાવે છે. રિયલમીના 55 ઈંચનાં SLED ટીવીની કિંમત 40,000 રૂપિયા છે.
6. ફ્યુચરની ટીવી સ્ક્રીન ટેક્નોલોજી
LED, QLED અને OLED સ્ક્રીનની પોતાની અલગ અલગ ખાસિયત છે અને અલગ અલગ ખામીઓ. તેમની ખામીઓ દૂર કરવા માટે માઈક્રો LED અને મિની LED ડિસ્પ્લે ડેવલપ કરવામાં આવી રહી છે. આ સ્ક્રીન OLED જેટલી સારી હશે અને LED જેટલી સસ્તી. જોકે આ ટેક્નોલોજી માર્કેટમાં આવતા હજુ ઘણી વાર લાગશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.