તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની સોશિયલ મીડિયા પર કડકાઈ:ભારત સરકારે ટ્વિટર, ફેસબુક સહિત અન્ય પ્લેટફોર્મ્સની 100 પોસ્ટ દૂર કરી, PMથી નાખુશ લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવી રહ્યા હતા

2 મહિનો પહેલા
  • દેશમાં મેડિકલ કટોકટી જેવી સ્થિતિને લીધે લોકો સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ ગુસ્સો દર્શાવી રહ્યા છે
  • સરકારનું કહેવું છે કે આ પ્રકારની પોસ્ટ ખોટી માહિતી ફેલાવી લોકોને ભ્રમિત કરી રહી છે

કોરોનાવાયરસની બીજી લહેરમાં દેશની અર્થવ્યવસ્થા પર ઘેરો આઘાત પહોંચ્યો છે, સાથે જ હવે મૃત્યુ આંક પણ સતત વધી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો સરકારને એના માટે જવાબદાર ગણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો યુઝર્સ પ્રધાનમંત્રીને રાજીનામું આપવાની સલાહ આપવા લાગ્યા છે. આવી પોસ્ટ માટે સરકારે પોતાનું કડક વલણ દર્શાવ્યું છે. સરકારે આ પ્રકારની 100 પોસ્ટ સોશિયલ મીડિયા પરથી હટાવી છે.

સરકારનું કહેવું છે કે આ પ્રકારની પોસ્ટ ખોટી માહિતી ફેલાવી લોકોને ભ્રમિત કરી રહી છે, સાથે જ મહામારી પર પ્રતિબંધ લગાવવાના પ્રયાસમાં અવરોધ કરી રહી છે. ટ્વિટરે ભારત સરકાર પાસેથી મળેલા આ આદેશની પુષ્ટિ કરી છે. ટ્વિટરે કાયદાનું પાલન કરી કેટલાક અકાઉન્ટ હોલ્ડરને નોટિસ આપી છે. જોકે ફેસબુકે આ મામલે હજુ મૌન સાધ્યું છે.

દેશમાં સંક્રમિતોનો નવો રેકોર્ડ
રવિવારે દેશમાં નવા સંક્રમિતોનો આંકડો 3,49,691થી વધારે છે. તો 2767 લોકો મૃત્યુ પામ્યા છે. નવા કેસોની સંખ્યામાં દેશમાં સતત ચોથા દિવસે રેકોર્ડ રહ્યો છે. દેશમાં નવા કેસોની સંખ્યા દુનિયાભરના કુલ કેસો કરતાં અડધી છે. આ જ કારણે દેશની હેલ્થ સિસ્ટમ પડી ભાંગી છે. દર્દીઓને ઓક્સિજન આપવા માટે લોકો વલખાં મારી રહ્યા છે. આ સ્થિતિને કારણે જ સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

હોસ્પિટલમાં ન બેડ ન તો ઓક્સિજન
નવી દિલ્હીમાં આ અઠવાડિયામાં ઓક્સિજન નથી બચ્યો. બેડ પણ નથી મળતાં. ગયા અઠવાડિયે જ નાસિકની કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન લીક થવાથી 22 લોકો મૃત્યુ પામ્યા હતા. તમામ શહેરોથી આ જ પ્રકારનાં દૃશ્યો અને ડેડબોડીના ઢગલાના ફોટોઝ વાઈરલ થઈ રહ્યા છે. પીડિતોના પરિવારજન સોશિયલ મીડિયા પર મદદ માગી રહ્યાં છે.

યુઝરે માતાને બચાવવા માટે મદદ માગી
રવિવારે સાંજે સોશિયલ મીડિયા યુઝરે મદદ માગી. અજય કોલી નામના યુઝરે પોતાની માતા માટે દિલ્હીમાં ઓક્સિજન-સિલિન્ડર માટે ટ્વીટ કર્યું. 10 દિવસ પહેલાં જ તેની માતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શનિવારે તેના પિતાનું અવસાન થયું, હવે તે પોતાની માતા ગુમાવવા માગતો નથી.

સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર યુઝર્સ ગુસ્સો ઠાલવી રહ્યા છે
સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પણ ભારે આલોચના થઈ રહી છે. તેમણે એક્સપર્ટ એડવાઈઝ ન માની અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રેલી કરી હોવાની વાતથી યુઝર્સ નાખુશ જણાઈ રહ્યા છે. કેટલાક ઓફલાઈન કન્ટેન્ટમાં PMના ફોટાનો ઉપયોગ સળગતી ચિતાઓ સાથે કરવામાં આવી રહ્યો છે. રવિવારે મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે સંક્રમણના તોફાને દેશને હલાવી દીધો છે. આ સમયે જીતવા માટે આપણે નિષ્ણાતો અને વૈજ્ઞાનિકની સલાહને પ્રાથમિકતા આપવી પડશે.

ગૃહ મંત્રાલયે આદેશ આપ્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કંપનીઓએ સરકારના આદેશનું પાલન કર્યું છે. જોકે સોશિયલ મીડિયા પરથી રિમૂવ કરવામાં આવેલી પોસ્ટમાં શું હતું એ જાણી શકાયું નથી. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે IT મંત્રાલયે ગૃહમંત્રાલયની ભલામણ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મહામારી પર પ્રતિબંધ લગાવવામાં આવતાં કામમાં અવરોધ બનતાં URL અને પોસ્ટ દૂર કરવા જણાવ્યું હતું.