ફેસબુકનું રિબ્રાન્ડિંગ:નવું નામ 'મેટા' થઈ જવાથી તમારા માટે કેટલું બદલાઈ જશે ફેસબુક, જાણો તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટનું શું થશે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવાં નામથી તમારા ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કોઈ અસર નહિ થાય
  • ટૂંક સમયમાં સિંગલ લોગ ઈન પર યુઝર તમામ એપ્સનો એક્સેસ મેળવી શકશે

ફેસબુક કંપની પોતાનું નામ બદલવા જઈ રહી હોવાના સમાચાર 9 દિવસ પહેલાં વહેતા થયા હતા. જોકે એ સમયે કંપનીએ એનો ઈનકાર કર્યો હતો. 9 દિવસ બાદ જે વાત વહેતી થઈ હતી એ જ બન્યું છે. ફેસબુકે તેનું નામ બદલી 'મેટા' કરી નાખ્યું છે.

નામ બદલાઈ જવાથી તમારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અસર થશે ખરી? ફેસબુકની માલિકીની એપ્સ વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પર એની શી અસર થશે? શું મેટા માટે યુઝર્સે અલગથી અકાઉન્ટ બનાવવું પડશે? તમારા મનમાં ઉદભવી રહેલા તમામ સવાલોના અમે જવાબ તૈયાર કર્યા છે. આવો, જાણીએ શું છે મેટાવર્સ અને તમારા પર એની શી અસર થશે....

આ કારણે ફેસબુકે નામ બદલ્યું
ફેસબુક વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ સહિત ઘણી કંપનીની પેરન્ટ કંપની છે. CEO માર્ક ઝકરબર્ગ કંપનીનાં નાનાં-મોટાં પ્લેટફોર્મને એક કંપનીની અંદર આવરી લેવા માગે છે, તેથી તેમણે મેટાવર્સ તૈયાર કર્યું છે. મેટા હવે 93 કંપનીઓની પેરન્ટ કંપની બની ચૂકી છે. ઝકબર્ગનું માનવું છે કે ટેક્નોલોજીની શરૂઆત કરનારી કંપની રેસમાં પાછળ રહેવા માગતી નથી, તેથી મેટાવર્સ તૈયાર કરવામાં આવ્યું.

છેલ્લા ઘણા મહિનાઓથી ફેસબુક પર ગ્રહણ લાગ્યું હતું. એ કોઈ ને કોઈ બાબતે વિવાદોમાં સંપડાઈ હતી. પૂર્વ કર્મચારીઓએ કંપનીની પોલિસી અંગે ગંભીર ખુલાસા કર્યા હતા. ઘણાં મીડિયા ઓર્ગેનાઈઝેશને એને 'ફેકબુક' ઉપનામ આપ્યું હતું, તેથી નામ બદલી કંપનીની નેગેટિવિટી દૂર થઈ શકે છે. મેટાવર્સ ટેક્નોલોજી પર ફેસબુક જ નહિ, માઈક્રોસોફ્ટ પણ રોકાણ કરી રહી છે.

મેટાવર્સની અલગ જ દુનિયા

મેટાવર્સ વર્ચ્યુઅલ રિયાલિટીનું નેક્સ્ટ લેવલ છે. હાલ VRમાં જે તમારી નજર સમક્ષ નથી, તમે એને જોઈ શકો છો. ફ્યુચરની ટેક્નોલોજી એકદમ પ્રો લેવલની હશે. આ એક એવી દુનિયા હશે, જ્યાં તમારી અલગ ઓળખ હશે. તમે આ દુનિયામાં ફરી શકશો, શૉપિંગ કરી શકશો અને નવાં ફ્રેન્ડ્સ પણ બનાવી શકશો. મેટાવર્સમાં વસ્તુનો સ્પર્શ ઈવન એની ગંધનો પણ અહેસાસ કરી શકાશે. મેટાવર્સ શબ્દનો ઉલ્લેખ સાયન્સ ફિક્શન લેખક સ્ટીફેન્સને 1992માં તેમના નોવેલ 'સ્નો ક્રશ'માં કર્યો હતો.

નવા નામની સાથે કંપનીમાં શું બદલાશે?

એક યુઝર તરીકે તમારા માટે કશું જ બદલાવાનું નથી. 'મેટા' નામ થઈ જવાથી તમારા ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કોઈ અસર નહિ થાય. તમે તમારું લોગ-ઈન આઈડી અને પાસવર્ડનો ઉપયોગ પહેલાંની જેમ જ કરી શકશો. જોકે આગામી સમયમાં કંપની ફેસબુક સાથે ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, ઓકુલસ સહિતની એપ મેટાવર્સ સાથે કનેક્ટ કરી દે અર્થાત સિંગલ લોગ-ઈન પર યુઝર તમામ એપ્સનો એક્સેસ મેળવી શકે. એનાથી કંપનીને ફાયદો થશે કે જે યુઝર તમામ એપનો એક્સેસ નહોતા કરતા એ હવે એક લોગ-ઈન થ્રુ તમામ એપ્સ ઓપન રાખી શકશે.

નામ બદલવાથી લીગલ બાઉન્ડરીઝ કેવી રીતે બદલાશે?
સુપ્રીમકોર્ટના વકીલ વિરાગ ગુપ્તાએ જણાવ્યું હતું કે ફેસબુકે 2004માં એન્ટ્રી કરી હતી. ત્યારે કંપનીનો હેતુ લોકોને સોશિયલી કનેક્ટ કરવાનો હતો. ત્યાર બાદ એ કમર્શિયલ બની અને ભારત ગ્લોબલી ફેસબુક માટે સૌથી મોટું માર્કેટ બની ગયું.

2016માં કંપનીએ ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને ફેસબુકના ડેટાનું ઈન્ટિગ્રેશન કર્યું. ત્યારે કંપનીએ કોઈપણ યુઝર પાસેથી પરમિશન લીધી નહિ. હવે ભારતમાં ફેસબુકના 35 કરોડ, વ્હોટ્સએપના 39 કરોડ અને ઈન્સ્ટાગ્રામના 8 કરોડ યુઝર્સ છે. ફેસબુક હવે પોતાનું રિબ્રાન્ડિંગ કરી પોતાને નવી ઓર્બિટમાં લાવવા માગે છે. એવામાં 5 સવાલ છે જે પોલિસી સામે આવ્યા પછી જ ક્લિયર થશે.

  1. શું નવી કંપનીનું સ્ટ્રક્ચર જૂની કંપની જેવું જ રહેશે?
  2. ભારતીય કંપની શું અમેરિકન કંપનીની 100% સબસિડિયરી રહેશે અને એની જવાબદારી શું રહેશે?
  3. ફેસબુકની નવી કંપની આખા ભારતમાં ટેક્સ આપશે?
  4. નવા IT નિયમ પ્રમાણે જે ગ્રીવેન્સ, નોડલ અને કમ્પ્લાયન્સ ઓફિસ નિયુક્ત કરાયા છે એ નવી કંપની માટે કામ કરશે કે જૂની માટે?
  5. નવી કંપની માત્ર નામ અને ચહેરા બદલશે કે બિઝનેસ મોડ્યુલ. જો એ બદલાશે તો સરકાર કેવી રીતે ડીલ કરશે?
અન્ય સમાચારો પણ છે...