ફેસબુક અને ઓસ્ટ્રેલિયન સરકાર વચ્ચે ન્યૂઝ કન્ટેન્ટ શેરિંગ માટે ચાલી રહેલા વિવાદ પર મંગળવારે પૂર્ણવિરામ લાગ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક ઓસ્ટ્રેલિયાના નવા કાયદાઓનું પાલન કરવા તૈયાર થયું છે. આ કાયદા માટે ફેસબુક અને સરકાર વચ્ચેનો વિવાદ ગત અઠવાડિયાંથી શરૂ થયો હતો. ત્યારબાદ ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં તેનું પેજ બંધ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કૉટ મૉરિસને ફેસબુક સામે અડગ રહ્યા હતા. તેમણે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ આ વિશે ચર્ચા કરી હતી.
પેજ રી-સ્ટોર કરવામાં આવશે
ઓસ્ટ્રેલિયન સરકાર સાથે ડીલ ફાઈનલ થયા બાદ ફેસબુકે તેનાં નિવેદનમાં કહ્યું છે કે, આગામી દિવસોમાં અમે ન્યૂઝ કન્ટેન્ટ ધરાવતાં પેજ રી-સ્ટોર કરીશું. હવે તેના પરનો બૅન રહ્યો નથી. ઓસ્ટ્રેલિયન સરકારે કહ્યું કે, ફેસબુક સાથે ડીલ થઈ છે. નવા કાયદાઓ માટે ફેસબુક શરતો માનવા તૈયાર થયું છે. ફેસબુક ઓસ્ટ્રેલિયાના મેનેજિંગ ડાયરેક્ટર વિલ એસ્ટને કહ્યું કે, અમે કેટલાક ફેરફાર કર્યા છે. હવે કંપની ઓસ્ટ્રેલિયામાં લોકો અને પત્રકારિતાના હિતમાં ઈન્વેસ્ટમેન્ટ ચાલું રાખશે. આ ડીલ એવી છે કે હવે ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓને લોકલ મીડિયાના રિપોર્ટ્સ ઉપયોગ કરવા માટે એક નિશ્ચિત રકમની ચૂકવણી કરવાની રહેશે.
શું છે નવો કાયદો?
કોરોનાકાળની શરૂઆતમાં ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓએ ઘણી કમાણી કરી, પરંતુ મીડિયા હાઉસિસને નુક્સાન થયું હતું. મીડિયા હાઉસિસે કર્મચારીઓને ઘર ભેગા કરવા પડ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ન્યૂઝ લિંક શેર કરવા પૈસાની કમાણી કરતા રહ્યા. હવે ઓસ્ટ્રેલિયન સરકારે જે કાયદો બનાવ્યો છે તે પ્રમાણે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જો ન્યૂઝ કન્ટેન્ટ શેર કરવા માગે છે તો તે સંબંધિત કંપની સાથે પ્રોફિટ શેર કરવો પડશે. ફેસબુક અને ગૂગલ તેના પર નામંજૂર હતા. અગાઉ તેમણે ઓસ્ટ્રેલિયામાં પોતાની સર્વિસ બંધ કરવાની ધમકી પણ આપી હતી.
સરકારના પ્રેશર સામે ફેસબુકે નમવું પડ્યું
ફેસબુક ચીફ માર્ક ઝકરબર્ગે શુક્રવારે ઓસ્ટ્રેલિયન ઓફિસર્સ સાથે નવા કાયદા સંબંધિત ચર્ચા કરી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી મૉરિસને કહ્યું હતું કે, સરકાર ફેસબુકની ધમકીઓ આગળ નહિ નમે. સરકાર દેશ અને તેની કંપનીઓના હિતમાં છે. મૉરિસને ટેક કંપનીઓની ધમકી આગળ નમતું મૂકવાની ના પાડી દીધી અને દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષોને આ વિશે વાતચીત કરી. મૉરિસને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ ફેસબુકની મનમાની પર લગામ લગાવવા માટે મદદ માગી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.