છેલ્લાં કેટલાક વર્ષોથી ઈવી ટુ-વ્હીલર્સના ભાવમાં ઘટાડો હવે ભૂતકાળની વાત બની ચૂકી છે. સુરક્ષાના નિયમો હાલ ખૂબ જ કડક બની રહ્યા છે અને કાચો માલ પણ મોંઘો થઈ રહ્યો છે ત્યારે હવે ટુ-વ્હીલરના ભાવ વધવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરના ભાવમાં 10 ટકા સુધીનો વધારો થઇ શકે છે. ઑટો ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ ટુ-વ્હીલર કંપનીઓની કોસ્ટીંગ વધવાના કારણે ભાવ વધારવાનું દબાણ આવ્યું છે. છેલ્લાં કેટલાક દિવસોમાં અનેક ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં આગ લાગવાની ઘટનાઓ બાદ સરકારે કડક વલણ દેખાડવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં કંપનીઓએ સારી ગુણવત્તાની બેટરીઓ, પાર્ટ્સ અને તકનીકી ખર્ચ વધુ કરવો પડશે. આ ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધ બાદની સ્થિતિ અને ચીનમાં કોરોનાની નવી લહેરના કારણે બેટરી સેલ્સ અને અન્ય પાર્ટ્સની આયાત મોંઘી થઈ ગઈ છે.
વીમા કંપનીઓ પ્રીમિયમમાં વધારો કરશે
આ સાથે જ જ્યારથી આ સ્કૂટર્સમાં આગની ઘટનાઓ લાગવાના સમાચાર વહેતાં થયા છે ત્યારથી વીમાના ક્લેમમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કેટલીક વીમા કંપનીઓએ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સના વીમા પ્રીમિયમમાં વધારો કરવા વિચારણા શરૂ કરી છે.ઈવી કંપની તેંગરીના સ્થાપક અર્પણ અરોરાએ જણાવ્યું હતું કે, ઈ-સ્કૂટર્સને સુરક્ષિત બનાવવા માટે જરૂરી પગલાંથી કિંમતોમાં 10 ટકાનો વધારો થઈ શકે છે.
આ કારણોસર ઇલેક્ટ્રિક વાહનો મોંઘા થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.