ન્યૂયોર્કમાં મેટ ગાલા ૨૦૨૨ ઇવેન્ટમાં ઈલોન મસ્કનું આગમન દરેક માટે આશ્ચર્યજનક હતું. તે પોતાની 74 વર્ષીય સુપરમોડેલ માતા માયા મસ્ક સાથે આ ઇવેન્ટમાં આવી પહોંચ્યા હતા. અહીં પોતાની માતા સાથે ફોટોસેશન દરમિયાન અનેક પ્રકારના એક્સપ્રેશન સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. મસ્કે આ સમય દરમિયાન ટ્વિટરના ભવિષ્ય વિશેના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. તેણે કહ્યું કે, તે આખા વિશ્વને ટ્વિટર પર લાવવા માંગે છે અને આ માટે તે ટ્વિટરને રસપ્રદ અને મનોરંજક બનાવવામાં લાગી ગયો છે. જેથી ટ્વિટરથી યુઝર્સની લાઇફને સરળ બનાવી શકાય.
ઈલોન મસ્ક સામાન્ય લોકોને પણ લાવશે ટ્વીટર પર
ઈલોન મસ્ક હાલ ટ્વિટરની પહોંચ વધારવા માંગે છે અને તે સામાન્ય લોકોને પણ ટ્વિટર યુઝ કરતાં કરવા માંગે છે, જેથી મોટાભાગના અમેરિકનો ટ્વિટરનો ઉપયોગ કરી શકે. મસ્કે પોતાની રણનીતિ અંગેના સવાલના જવાબમાં આ વાત કહી હતી. તેમણે મેટ ગાલા ફંક્શનમાં હાજર રિપોર્ટરને જણાવ્યું હતું કે, ટ્વિટરની સફળતા ત્યારે મળશે જ્યારે તેના યુઝર્સ વધશે. મસ્કનું કહેવું છે કે, ટ્વિટરની અત્યારે સામાન્ય લોકો સુધી પહોંચ ખૂબ જ ઓછી છે. હાલમાં જ આવેલા એક રિપોર્ટ મુજબ અત્યારે અમેરિકામાં ટ્વિટર પર લગભગ 4 કરોડ ડેઈલી એક્ટિવ યૂઝર્સ છે. મસ્કે કહ્યું કે, તે ટ્વિટર પર દરેક વસ્તુને મોટાપાયે લાવવા માંગે છે, જેથી અમેરિકામાં મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરે.
ટ્વિટર પારદર્શક બનશે
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, તે ટ્વિટરને પારદર્શક બનાવવા માગે છે, જેથી વપરાશકર્તાઓ જાણી શકે કે તેમનું ટ્વિટર કેવી રીતે તેમના ટ્વીટને પ્રમોટ કરી રહ્યું છે કે પછી તેની રિચ ઘટાડી રહ્યું છે. ટ્વિટરના કર્મચારીઓ કંપની છોડવા અંગેના સવાલના જવાબમાં તેમણે જવાબ આપ્યો હતો કે, આ દેશ સ્વતંત્ર છે. જો કોઈ કમ્ફર્ટેબલ ના હોય તો તે જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે, તેમાં કંઈ ખોટું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.