ટ્વિટરમાં મોટો ફેરફાર:ઇલોન માસ્કનો મોટો નિર્ણય, ટ્વિટરમાં બધા જ લોકોનાં બ્લૂ ટિક હટી જશે, આ રહ્યું કારણ....

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇલોન મસ્કે જ્યારથી ટ્વિટરને ટેકઓવર કર્યું છે ત્યારથી અનેક ફેરફાર થઈ રહ્યા છે. થોડા સમય પહેલાં બ્લૂ સબ્સ્ક્રિપ્શન સર્વિસ બંધ કરી હતી, બાદમાં ફરીથી શરૂ કરી છે. સોમવારે તેની બ્લૂ સેવા ફરીથી શરૂ કરી દીધી છે. ટ્વિટરના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આ જાહેરાત કરવામાં આવી હતી. આ સબ્સ્ક્રિપ્શન સેવામાં સરકાર, કંપનીઓ અને સામાન્ય લોકોને અલગ-અલગ રંગનાં ટિક મળશે. કંપનીઓને ગોલ્ડ ટિક મળશે, સરકારોને ગ્રે ટિક મળશે અને સામાન્ય નાગરિકોને બ્લૂ ટિક મળશે. આ સિવાય તમામ ટિક એક્ટિવેટ કરતાં પહેલાં મેન્યુઅલી ચેક કરવામાં આવશે, પરંતુ આ પહેલાં બધાં જ એકાઉન્ટમાંથી બ્લૂ ટિક હટી જશે અને એ પાછળનું કારણ પણ જણાવ્યું છે. આ અંગેની જાણકારી ઈલોન મસ્કે આપી છે. તો યુઝર્સ સબ્સ્ક્રિપ્શન ચાર્જ આપીને બ્લૂ ટિક મેળવી શકશે. એ માટે દર મહિને 8 ડોલર રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. ઈલોનના આ નિર્ણયથી ઘણા લોકો દુઃખી થઇ શકે છે.

ઈલોન મસ્કે જાહેરાત કરી હતી કે આવનારા સમયમાં તમામ ટ્વિટર યુઝર્સનાં બ્લૂ ટિક દૂર થઇ જશે. તેમણે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. હાલમાં જ ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શન ફીચરને ફરીથી લોન્ચ કરવામાં આવ્યું છે.

અગાઉ ટ્વિટર પર બ્લૂ ટિક માત્ર પત્રકારો, રાજકીય હસ્તીઓ, સેલિબ્રિટીઝ અને અન્ય લોકોને જ આપવામાં આવતું હતું. હવે પહેલાંથી વેરિફાઇડ તમામ એકાઉન્ટ્સનાં બ્લૂ ટિક દૂર કરવામાં આવશે. એક ટ્વીટના જવાબમાં તેમણે લખ્યું હતું કે થોડા મહિનામાં તમામ બ્લૂ ટિક હટાવી લેવામાં આવશે.

ઈલોન મસ્કે કરી નવી જાહેરાત
તેમણે વધુમાં જાણકારી આપી હતી કે હાલમાં 4 લાખથી વધુ ટ્વિટર એકાઉન્ટમાં બ્લૂ ટિક છે. આ વેરિફિકેશન માર્ક જણાવે છે કે એકાઉન્ટ ઓથેન્ટિક છે અને એ સાચી માહિતી આપશે. નવી સબ્સ્ક્રિપ્શન સેવા સાથે વ્યક્તિઓને બ્લૂ ટિક આપવામાં આવશે.

થોડા સમય પહેલાં જ કંપનીએ નવું ફીચર જાહેર કર્યું હતું, પરંતુ ઘણાં ખોટાં એકાઉન્ટ્સને બ્લૂ ટિક મળ્યું હતું. એ પછી તેમણે ફેક ન્યૂઝ ફેલાવવાનું શરૂ કર્યું હતું. એને કારણે અનેક કંપનીઓને નુકસાન થયું હતું.

ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શનમાં શું-શું મળશે?
8 ડોલરના આ સબ્સ્ક્રિપ્શનમાં યુઝર્સને ટ્વીટ એડિટ કરવાની, 1080p એટલે કે HD ક્વોલિટીમાં વીડિયો અપલોડ કરવાની, રીડર મોડ અને બ્લૂ ચેકમાર્ક મળશે .બ્લૂ ચેકમાર્ક નંબરને પણ વેરિફાઈ કરવામાં આવશે. એકાઉન્ટને રિવ્યુ કરવાની પ્રોસેસ શું હશે એ હજુ સુધી સ્પષ્ટ નથી. આ સિવાય રિપ્લાય, મેન્શન અને સર્ચમાં પ્રાથમિકતા આપવામાં આવશે. સામાન્ય યુઝર્સની સરખામણીએ 50% ઓછી જાહેરાતો જોવામાં આવશે અને નવી સુવિધાઓને પણ પ્રાથમિકતા મળશે.

સબ્સ્ક્રાઇબર્સ તેમના હેન્ડલ, ડિસ્પ્લે નામ અથવા પ્રોફાઇલ ફોટો પણ બદલી શકશે, પરંતુ જો તે કંઈપણ ફેરફાર કરશે તો તેમના એકાઉન્ટની ફરીથી સમીક્ષા ન થાય ત્યાં સુધી બ્લૂ ટિક હટાવી દેવામાં આવશે. ટ્વિટરે એ પણ જાહેર કર્યું છે કે બિઝનેસના સત્તાવાર લેબલને ગોલ્ડ ચેકમાર્કથી બદલવામાં આવશે. સરકારી અને બહુપક્ષીય ખાતાં માટે ગ્રે ચેકમાર્ક હશે.

જો તમે વેબ પર ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શન ખરીદવા માગો છો તો એના માટે તમારે દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે. જો તમે Appleના iOSમાં ખરીદી કરો છો તો 11 ડોલર ચૂકવવા પડશે.