ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. આ વચ્ચે હવે સમાચાર મળી રહ્યા છે કે, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટ્વિટર પર ફરીથી પરત ફરી શકે છે. ટ્વિટરના નવા મલિક ઈલોન મસ્ક એકાઉન્ટને રિકવર કરવા પર ટ્વિટર પોલ પોસ્ટ કર્યો હતો. .તેમણે પૂછ્યું, શું રાષ્ટ્રપતિ ટ્રમ્પનું એકાઉન્ટ રિકવર કરવું જોઈએ. હા કે ના.
ટ્વિટર બોસે આ પોલ સાથે લખ્યું હતું કે, 'વોક્સ પોપ્યુલી, વોક્સ દેઈ' આ એક એક લેટિન શબ્દસમૂહ છે જેનો અર્થ થાય છે 'લોકોનો અવાજ ભગવાનનો અવાજ છે'. મસ્કે આ સાથે કન્ટેન્ટ મોડરેશનના પ્લાનની પણ જાહેરાત કરી છે. વધુમાં જણાવ્યું હતું કે, ટ્વિટરની નવી નીતિ વાણીની સ્વતંત્રતા છે, પરંતુ પહોંચની સ્વતંત્રતા નથી.
નેગેટિવ ટ્વીટ્સ પર લગામ આવશે
મસ્કે વધુમાં જણાવ્યું હતું કે, નેગેટિવ ટ્વીટ્સ પર નિયંત્રણ આવશે અને ડિમોનેટાઈઝ પણ કરવામાં આવશે. તેથી ટ્વિટર પર કોઈ જાહેરાત અથવા અન્ય આવક થશે નહીં. તમે ટ્વીટને અલગ રીતે નહીં શોધો ત્યાં સુધી તમને ટ્વીટ મળશે નહીં. આ સાથે જ સ્પષ્ટ કર્યું કે આ ફક્ત વ્યક્તિગત ટ્વીટ પર લાગુ થશે અને સમગ્ર એકાઉન્ટ પર નહીં.
2021માં ટ્રમ્પનું એકાઉન્ટ કરવામાં આવ્યું સસ્પેન્ડ
ડોનાલ્ડ ટ્રમ્પે 2021માં કેપિટોલ હિલ હિંસા પછી ટ્વિટર પર હિંસા કરનારા તેમના સમર્થકોને ક્રાંતિકારી ગણાવ્યા હતા. આ પછી ટ્રમ્પએ કહ્યું હતું કે તે 20 જાન્યુઆરી, 2021 ના રોજ યોજાનાર બાઈડનના શપથ ગ્રહણમાં જશે નહીં. જેના પર કાર્યવાહી કરતા ટ્વિટરે તેનું એકાઉન્ટ હંમેશ માટે સસ્પેન્ડ કરી દીધું.
ટ્વિટરએ બ્લોગ પોસ્ટમાં શું કહ્યું હતું?
ટ્વિટરે પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમે પહેલા જ કહ્યું હતું કે, જો ટ્રમ્પ ટ્વિટરની પોલિસીને નજરઅંદાજ કરીને ઉશ્કેરણીજનક ટ્વીટ કરશે તો તે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આમ છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પએ ભડકાઉ ટ્વિટ કર્યા હતા. અમે અગાઉ પણ કહ્યું છે કે કોઈપણ મોટા નેતાનું એકાઉન્ટ અમારા નિયમોથી વધારે નથી. પોસ્ટમાં, ટ્વિટરે ટ્રમ્પની ટ્વીટ પણ લખ્યું હતું અને તેમનું વિશ્લેષણ પણ લખ્યું હતું, જે તેમના એકાઉન્ટને કાયમી સસ્પેન્ડ કરવાનું કારણ બન્યું હતું.
ફ્રી સ્પીચના સમર્થક છે મસ્ક
થોડા સમય પહેલાં ટ્વિટર ડીલ દરમિયાન ઈલોન મસ્કે ટ્રમ્પની સાથે આવા એકાઉન્ટને એક્ટિવ કરવા માટે કહ્યું હતું જે વિવિધ કારણોસર બેન કરી દેવામાં આવ્યા છે. મસ્ક હંમેશા પોતાની જાતને સ્વતંત્ર ભાષણના મોટા સમર્થક તરીકે ગણાવે છે. જ્યારે ટ્વિટરે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પ્રતિબંધ મૂક્યો હતો ત્યારે પણ ઈલોન મસ્કે કહ્યું હતું કે તેઓ પ્લેટફોર્મ સુધારવા માગે છે.
ટ્રમ્પએ મસ્કના કર્યા હતા વખાણ
થોડા સમય પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ટ્વિટર પર પરત નથી ફરી રહ્યા. ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, હું મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર જ રહીશ. આ દરમિયાન મસ્કના વખાણ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ એક સારા માણસ છે અને તેમને આશા છે કે તેઓ ટ્વિટરને સુધારશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.