• Gujarati News
  • Utility
  • Gadgets
  • Meta India's Director Of Public Policy Also Stepped Down, With Shivnath Thakral Taking On The New Responsibility

વ્હોટ્સએપ ઈન્ડિયાનાં હેડે રાજીનામું આપ્યું:મેટા ઇન્ડિયાનાં પબ્લિક પોલિસી ડિરેક્ટરનું પણ પદ છોડ્યું, શિવનાથ ઠકરાલને નવી જવાબદારી મળી

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વ્હોટ્સએપનાં ભારતનાં હેડ અભિજિત બોસ અને મેટા ઇન્ડિયાનાં પબ્લિક પોલિસી ડિરેક્ટર રાજીવ અગ્રવાલે તેમનાં પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારતમાં વ્હોટ્સએપ પબ્લિક પોલિસીનાં ડિરેક્ટર શિવનાથ ઠકરાલને હવે ભારતની તમામ મેટા બ્રાન્ડ્સ માટે પબ્લિક પોલિસી ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મેટાએ તાજેતરમાં જ તેની અત્યાર સુધીની સૌથી મોટી છટણીમાં વિશ્વભરમાં લગભગ 11,000 લોકોને છૂટા કર્યા પછી આ વિકાસ થયો છે. આ મહિનાની શરૂઆતમાં ભારતમાં મેટાનાં હેડ અજિત મોહને પણ તેમનાં પદ પરથી રાજીનામું આપ્યું હતું.

અભિજીતનાં જબરદસ્ત યોગદાન માટે આભાર
વ્હોટ્સએપનાં પ્રમુખ વિલ કૈથકાર્ટે એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘હું ભારતમાં વ્હોટ્સએપનાં અમારા પ્રમુખ અભિજિત બોસનો તેમનાં અસાધારણ યોગદાન માટે આભાર માનું છું. તેમની ઉદ્યોગ સાહસિક ડ્રાઇવથી અમારી ટીમને નવી સેવા પહોંચાડવામાં મદદ મળી. જેનાથી લાખો લોકો અને બિઝનેસને ફાયદો થયો છે. વ્હોટ્સએપ ભારત માટે વધુ કામ કરી શકે છે અને અમે ભારતના ડિજિટલ પરિવર્તનને આગળ વધારવામાં મદદ કરવા માટે ઉત્સાહિત છીએ.’ હવે બોસની જગ્યાએ ટૂંક સમયમાં એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવશે.

નવી નોકરી વિશે ઉત્સાહિત
બોસે લિંક્ડઇન પર પણ રાજીનામું આપવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, ‘તેઓ તેમની આગામી નોકરીને લઇને ઉત્સાહિત છે. ટૂંકા વિરામ પછી હું ઉદ્યોગસાહસિકતાની દુનિયામાં ફરીથી જોડાવાનું વિચારી રહ્યો છું. મેં થોડા સમય પહેલાં પદ છોડવાની યોજના બનાવી હતી પરંતુ, ગયા અઠવાડિયાની ઘટનાઓને જોતાં હું અસરગ્રસ્ત લોકોને ટેકો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માગતો હતો.’

રાજીવ અગ્રવાલે પણ પદ છોડ્યું
કંપનીએ જણાવ્યું હતું કે, મેટા ઇન્ડિયાના પબ્લિક પોલિસી ડિરેક્ટર રાજીવ અગ્રવાલે બીજી તક માટે પદ છોડવાનો નિર્ણય કર્યો છે. છેલ્લાં એક વર્ષમાં તેમણે દેશમાં ડિજિટલ સમાવેશનને આગળ વધારવા માટે યૂઝર-સેફ્ટી, ગોપનીયતા અને GOAL જેવા કાર્યક્રમોમાં વધારો કરવા જેવા ક્ષેત્રોમાં આપણી નીતિ-આધારિત પહેલોનું નેતૃત્વ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

શિવનાથ ઠકરાલ ટેલિવિઝન પત્રકાર રહી ચૂક્યા છે
ઠકરાલ એક ટેલિવિઝન પત્રકાર રહી ચૂક્યા છે અને વ્હોટ્સએપ પર ધ્યાન કેન્દ્રિત કરતાં પહેલાં વર્ષ 2017થી પબ્લિક પોલિસી ટીમનો ભાગ છે. ભારતનાં પાર્ટનરશીપ્સના ડિરેક્ટર મનીષ ચોપરાએ જણાવ્યું હતું કે, ‘ઠકરાલ તેમની નવી ભૂમિકામાં ભારતમાં મેટા એપ્સ - ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપમાં પબ્લિક પોલિસી ડિરેક્ટર હશે.’

11,000 કર્મચારીઓને METAમાંથી દૂર કરવામાં આવ્યા
તાજેતરમાં જ ફેસબુક, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સ ઇન્કે તેના 11,000 કર્મચારીઓની છટણી કરી હતી. કંપનીનાં 18 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. કર્મચારીઓને હટાવવાની જાહેરાત કંપનીના CEO માર્ક ઝુકરબર્ગે કરી હતી. તેમણે આને ખોટા નિર્ણયોને કારણે આવકમાં થયેલા ઘટાડાને આભારી છે.

માર્કે કહ્યું હતું કે, ‘આજે હું મેટાનાં ઇતિહાસમાં લેવામાં આવેલા કેટલાક સૌથી મુશ્કેલ નિર્ણયો વિશે જણાવવા જઇ રહ્યો છું. અમે અમારી ટીમના કદમાં લગભગ 13 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જેના કારણે 11,000થી વધુ પ્રતિભાશાળી કર્મચારીઓની નોકરી જશે. અમે ખર્ચમાં કાપ મૂકીને અને Q1 સુધી હાયરિંગ ફ્રિઝ કરીને વધુ કાર્યક્ષમ કંપની બનવાનાં પગલાં લઈ રહ્યા છીએ.’