યુટ્યૂબને ટક્કર આપશે મસ્કની આ સર્વિસ:બ્લૂ સર્વિસ લોન્ચિંગમાં મોડું થવાનું જણાવ્યું કારણ તો ડેઇલી એક્ટિવ યુઝર્સ ઓલટાઇમ હાઇ પર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી અનેક પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા છે. આ વચ્ચે સમાચાર આવ્યા હતા કે ઈલોન મસ્ક યુટ્યૂબ જેવી સર્વિસ લોન્ચ કરી શકે છે, તો ટ્વિટરના નવા અને રિવાઇઝડ બ્લૂ વેરિફાઇડ સબ્સ્ક્રિપ્શનના લોન્ચિંગમાં પણ મોડું થઈ શકે છે. તો બીજી તરફ આ મહિનાની શરૂઆતમાં ટ્વિટરના નવા બોસ ઈલોન મસ્કે 29 નવેમ્બરના રોજ એને ફરીથી લોન્ચ કરવાનું વચન આપ્યું હતું, પણ હવે મસ્કે ખુદ ટ્વિટર પર જાહેરાત કરી છે કે આ લોન્ચિંગને સ્થગિત કરવામાં આવી શકે છે.

મસ્કે લોન્ચિંગ સ્થગિત થવા પાછળનું કારણ જણાવ્યું હતું કે કંપની લૉન્ચિંગમાં મોડું એટલા માટે કરી રહી છે, કારણ કે એને હજી પણ પ્લેટફોર્મ પર ઇમ્પર્સનેશનને રોકવાનો આત્મવિશ્વાસ નથી. તો બીજી તરફ મસ્કે અન્ય એક ટ્વીટમાં ડેઇલી એક્ટિવ યુઝર્સનો ડેટા શેર કર્યો છે, જે ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયો છે.

મસ્કનું પહેલુ ટ્વીટ
મસ્કે પહેલાં ટ્વીટ કર્યું હતું કે 'જ્યાં સુધી ઇમ્પર્સનેશન રોકવા માટે વધુ આત્મવિશ્વાસ ન આવે ત્યાં સુધી બ્લૂ વેરિફિકેશનને ફરીથી લોન્ચ કરવામાં નહીં આવે. સંભવતઃ વ્યક્તિઓ અને સંસ્થાઓ માટે વિવિધ રંગના ચેક માર્ક માટે ઉપયોગ કરવામાં આવશે. '

બીજું ટ્વીટ
1.6 મિલિયન એક્ટિવ યુઝર્સનો વધારો

મસ્કે પોતાના ટ્વીટમાં દાવો કર્યો છે કે ટ્વિટરમાં છેલ્લા અઠવાડિયામાં 1.6 મિલિયન એક્ટિવ યુઝર્સ વધ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ માટે આ અત્યારસુધીના સૌથી વધારે યુઝર્સ છે. ગ્રાફના જણાવ્યા અનુસાર, ડેઈલી એક્ટિવ યુઝર્સ(DaU)માં ઓક્ટોબરના અંતમાં વધારો જોવા મળ્યો હતો, જ્યારે મસ્કે આ પ્લેટફોર્મની કમાન સંભાળી ત્યાર બાદ એ વધીને 259.4 મિલિયનની ટોચે પહોંચ્યો હતો. એની સરખામણીમાં ઓક્ટોબરની શરૂઆતમાં ડેઈલી એક્ટિવ યુઝર્સ(DaU) લગભગ 250 મિલિયન હતું.

આ જ સમયગાળા દરમિયાન મસ્કે કહ્યું હતું કે ટ્વિટર ટૂંક સમયમાં જ વીડિયો સ્ટ્રીમિંગ સર્વિસના સંદર્ભમાં યુટ્યૂબ સાથે સ્પર્ધા કરશે. મસ્કે દાવો કર્યો હતો કે ટ્વિટર ટૂંક સમયમાં " ક્રિએટર્સ માટે હાયર કમ્પેન્સેશન" સાથે વીડિયો સર્વિસ લોન્ચ કરશે.

બ્લૂ યુઝર્સને જ મળશે બ્લૂ ટિક બેજ
ઇલોન મસ્કે ગયા સપ્તાહમાં જણાવ્યું હતું કે માત્ર ટ્વિટર બ્લૂ યુઝર્સને જ પોતાના એકાઉન્ટમાં બ્લૂ ટિક વેરિફાઇડ બેજ મળશે. હાલનાં યુઝર્સ કે જેમની પાસે વેરિફાઇડ બેજ છે તેમને પણ Twitter Blue પર પેઇડ સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે. જોકે આ યુઝર્સ પેઇડ સબ્સ્ક્રિપ્શન પર સ્વિચ કરવા માટે લગભગ 3 મહિનાનો ગ્રેસ પિરિયડ મળી શકે છે. જો તેઓ બ્લૂ સબ્સ્ક્રિપ્શન નહીં લે તો તેમના એકાઉન્ટમાંથી બ્લૂ ટિક કાઢી નાખવામાં આવશે.

ભારતમાં બ્લૂ સબ્સ્ક્રિપ્શન માટે 719 રૂપિયા ચૂકવવા પડશે
ભારતમાં કેટલાક ટ્વિટર યુઝર્સને 10 નવેમ્બરની રાત્રે બ્લૂ સબ્સ્ક્રિપ્શન્સ માટે Apple એપ સ્ટોર પર પોપ-અપ પ્રાપ્ત થયું, જેમાં ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શનની માસિક કિંમત 719 રૂપિયા દર્શાવવામાં આવી હતી. જોકે કિંમત હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

પહેલાં માત્ર યોગ્ય યુઝરને જ બ્લૂ ટિક મળતું હતું
અગાઉ ટ્વિટર પર ઓળખ ચકાસણી પછી યુઝર્સને બ્લૂ ટિક આપવામાં આવતું હતું, જેનાથી યુઝર્સ પ્રમાણીકરણ અને સાચું હોવાની ખબર પડતી હતી. હવે યુઝર્સ પૈસા ચૂકવીને બ્લૂ ટિક ખરીદી શકશે. આ પછી બ્લૂ ટિકવાળા નકલી એકાઉન્ટ્સની સંખ્યા ઝડપથી વધી છે. આ વેરિફાઇડ એકાઉન્ટ્સમાંથી ફેક ટ્વીટ્સ પણ આવવા લાગ્યાં, એ પછી ટ્વિટરને હાલ માટે પેઈડ સર્વિસનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો.
બ્લૂ સબ્સ્ક્રિપ્શનથી યુઝર્સને શું ફાયદો મળશે?
પેઇડ સબ્સ્ક્રિપ્શન લેનારાઓને 5 પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે

  • રિપ્લાય આપવામાં પ્રાયોરિટી
  • મેંશનમાં પ્રાયોરિટી મળશે
  • લાંબા વીડિયો અને ઑડિયો પોસ્ટ કરી શકશો
  • સામાન્ય યુઝર્સની સરખામણીમાં અડધી જાહેરાતો જોવામાં આવશે
  • આ સુવિધાને કારણે સ્પામ પર અંકુશ આવશે. જો પબ્લિશર્સનો Twitter સાથે કોન્ટ્રેકટ કરતા હોય તો બ્લૂ ટિક સબ્સ્ક્રાઇબર્સ મફતમાં પેઇડ લેખો પણ વાંચી શકે છે.