ગૂગલ સામે તપાસ:CCIએ મોનોપોલીના દુરુપયોગની તપાસનો આદેશ આપ્યો, ન્યૂઝ પબ્લિશર્સે ફરિયાદ કરી

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સર્ચ એન્જિન ગૂગલ પણ તેનાં ક્ષેત્રમાં તેની ઈજારાશાહીને કારણે ભારતમાં પણ અયોગ્ય નફો મેળવી રહ્યું છે. કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (CCI)એ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અસોસિએશન (DNPA) દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે CCIએ જણાવ્યું હતું કે ગૂગલ પ્રથમ દૃષ્ટિએ કોમ્પિટિશન એક્ટની કેટલીક જોગવાઈઓનું ઉલ્લંઘન કરતું હોવાનું જણાયું હતું.

પ્લેસ્ટોરના નામે ઓનલાઈન એડ્વર્ટાઈઝિંગ અને એપ ડેવલપર્સ મનમરજી મુજબનું કમિશન લેવા માટે ગૂગલ ભારતમાં પહેલેથી જ તપાસ હેઠળ છે. તાજેતરના આદેશમાં કમિશને સ્વીકાર્યું કે, ગૂગલ એકાધિકારનો દુરુપયોગ કરી રહ્યું છે અને ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ પર અન્યાયી શરતો લાદી રહ્યું છે.

ગૂગલ જાહેરાતના નાણાનો મોટો ભાગ પોતાની પાસે રાખે છે
પંચે ગૂગલ અને તેની પેરેન્ટ કંપની આલ્ફાબેટ સામે 60 દિવસમાં તપાસ રિપોર્ટ મગાવ્યો છે. DNPAએ ફરિયાદમાં જણાવ્યું કે, ગૂગલ અલ્ગોરિધમિક રીતે નક્કી કરે છે કે જ્યારે તે માહિતી માટે સર્ચ કરશે ત્યારે તેની ઉપર કઈ વેબસાઇટ દેખાશે. આટલું જ નહીં, ઇન્ડિયન ન્યૂઝ પબ્લિશર્સ ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ માટે મોટું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. પરંતુ ગૂગલ તેને બતાવવા માટે મળેલી જાહેરાતના નાણાનો મોટો ભાગ રાખે છે, જ્યારે કે તે કન્ટેન્ટ ક્રિએટ નથી કરતું.

પબ્લિશર્સનું જ કન્ટેન્ટ બતાવીને અયોગ્ય લાભ લઈ રહ્યો છે
ગૂગલ ન્યૂઝ જેવાં પ્લેટફોર્મ પર પણ તે માત્ર પબ્લિશર્સનું જ કન્ટેન્ટ બતાવીને અયોગ્ય ફાયદો ઉઠાવી રહ્યું છે. પંચે કહ્યું કે લોકશાહીમાં ન્યૂઝ મીડિયાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને ઓછી આંકી શકાય નહીં. તે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે મોટી ટેક કંપનીઓ તેમના એકાધિકારનો દુરુપયોગ ન કરે. તમામ સ્ટેકહોલ્ડર્સમાં જાહેરાતની આવકનું ન્યાયી વિતરણ થવું જોઈએ.

ફ્રાંસ, ઓસ્ટ્રેલિયામાં દંડ ભરવો પડ્યો
CCIએ તેના આદેશમાં ફ્રાંસ અને ઓસ્ટ્રેલિયાના નવા નિયમોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના પછી ગૂગલે લોકલ ન્યૂઝ પબ્લિશર્સને વાજબી ચુકવણી માટે સંમત થવું પડ્યું હતું. તેમજ, યુરોપિયન યુનિયન ટેક કંપનીઓ માટે પબ્લિશર્સને ચૂકવણી કરવા માટે કાયદો પણ બનાવી રહ્યું છે, જેનાથી બચવા માટે ગૂગલ વિરોધ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...