વ્હોટ્સએપમાં ટૂંક સમયમાં જ આવશે આ ફીચર્સ:‘બ્લોક યુઝર’ શોર્ટકટ્સ, વોઇસ સ્ટેટસ અપડેટ્સ, ઓરિજિનલ ક્વોલિટીમાં ઇમેજ શેરિંગની સુવિધા મળશે

6 દિવસ પહેલા
  • કૉપી લિંક

અહેવાલ પરથી મળતી માહિતી મુજબ વ્હોટ્સએપ નવા શોર્ટકટ લઈને આવી રહ્યું છે, જેની મદદથી લોકો યુઝર્સને બ્લોક કરી શકે છે. વ્હોટ્સએપનાં પળેપળનાં અપડેટ્સ આપતી વેબસાઈટ WABetaInfoના જણાવ્યા પ્રમાણે વ્હોટ્સએપ યૂઝર્સ ટૂંક સમયમાં જ નવા આકર્ષક ફીચર્સનો આનંદ માણી શકશે. જો કે, આ સુવિધા અમુક iOS બીટા ટેસ્ટર્સ માટે જ સૌપ્રથમ રોલઆઉટ કરવામાં આવશે.

લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ પર અજાણી વ્યક્તિને બ્લોક કરવા માટેનાં શોર્ટકટ, સ્ટેટસ અપડેટ્સ તરીકે વોઇસ નોટ્સનો ઉપયોગ અને HD ક્વોલિટીમાં ફોટોઝ સેન્ડ કરવાની સુવિધાઓ મળશે પરંતુ, આ સુવિધાઓ શરુઆતમાં અમુક બીટા પરીક્ષકોને જ મળશે. WABetaInfoના જણાવ્યા અનુસાર, ગૂગલ પ્લે બીટા પ્રોગ્રામ દ્વારા નવું અપડેટ રોલઆઉટ કરવામાં આવ્યું છે, જે તેનું લેટેસ્ટ વર્ઝન 2.23.2.10 છે.

WABetaInfoએ નવા શોર્ટકટ પર વધુ માહિતી શેર કરવા માટે સ્ક્રીનશોટ મૂક્યા છે. નીચેના સ્ક્રીનશોટ તમને ફીચર કેવી રીતે કામ કરશે તે સમજાવે છે.

અજાણી વ્યક્તિને બ્લોક કરવા માટેનાં શોર્ટકટ

  • પહેલો શોર્ટકટ હંમેશા તમને ચેટનાં મેનુની અંદર મળશે. જો કે, આ શોર્ટકટ ગ્રુપ ચેટમાં જોવા મળશે નહી.
  • બીજો શોર્ટકટ પણ તમને ચેટ વિન્ડોમાં જ જોવા મળશે
  • ત્રીજો શોર્ટકટ સ્ક્રીનની ટોચ પરનું લાલ બટન, જ્યારે તમે ભૂતકાળમાં વાત ન કરી હોય તેવા અજાણ્યા વ્યક્તિનો મેસેજ આવે ત્યારે દેખાશે.

જ્યારે તમે કોન્ટેક્ટને બ્લોક કરવા માટે આ ત્રણમાંથી કોઈ એક શોર્ટકટનો ઉપયોગ કરો છો, ત્યારે WABetaInfo કહે છે, વ્હોટ્સએપ એ પણ પૂછશે કે, ‘શું તમે આ યૂઝર અંગે સ્પામ રિપોર્ટ કરવા ઈચ્છો છો? તો તેના છેલ્લા 5 મેસેજ વ્હોટ્સએપ મોડરેશન ટીમને ફોરવર્ડ કરીને તેની જાણ કરી શકો છો, જેથી પ્લેટફોર્મનાં અન્ય યૂઝર્સને સુરક્ષિત રાખવામાં તે મદદ કરી શકે. આ પછી વ્હોટ્સએપ તે એકાઉન્ટની ચકાસણી કરશે અને જો ધારાધોરણોનું કોઈ ઉલ્લંઘન થયું છે તો તે એકાઉન્ટ પર પ્રતિબંધ લાગી શકે છે.

કોન્ટેક્ટ્સને બ્લોક કરવા માટે આ ત્રણ નવા શોર્ટકટ એવા યૂઝર્સને મળશે જે ટેસ્ટફ્લાઇટ એપથી iOS માટે WhatsApp Betaનું લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરે છે. WABetaInfo ના જણાવ્યા અનુસાર, તેઓ ટૂંક સમયમાં વધુ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ થશે.

HD ક્વોલિટીમાં ફોટોઝ સેન્ડ કરી શકશો​​​​​​​​​​​​​​

વેબસાઇટે એ પણ અહેવાલ આપ્યો છે કે, વ્હોટ્સએપ ટૂંક સમયમાં જ યૂઝર્સને HD ક્વોલિટીમાં ફોટોઝ સેન્ડ કરવાની સુવિધા આપશે. ફોટોઝ સેન્ડ કરતા સમયે યૂઝર્સને ત્રણ ઓપ્શન મળશે, જે છે ‘ઓટો, બેસ્ટ ક્વોલિટી અને ડેટા સેવર.’ રિપોર્ટ મુજબ જો યૂઝર ‘બેસ્ટ ક્વોલિટી’ ઓપ્શન પસંદ કરે તો પણ તે કમ્પ્રેસ્ડ રહેશે. જો કે, તે કમ્પ્રેશન હળવું હશે, જે ફોટાની ઓરિજનલ ક્વોલિટીનો લગભગ 80 ટકા હિસ્સો રાખશે અને જો ફોટો 2048×2048 કરતા મોટો હોય, તો ઇમેજને ફરીથી સાઇઝ કરવામાં આવી શકે છે.

સ્ટેટસ અપડેટ તરીકે વોઇસ નોટની સુવિધા

યૂઝર્સને ટૂંક સમયમાં સ્ટેટસ અપડેટ તરીકે વોઇસ નોટ શેર કરવાની સુવિધા પણ મળી શકે છે. આ સુવિધા અંતર્ગત તમે સ્ટેટસ અપડેટ્સ તરીકે વોઇસ નોટ્સ શેર કરી શકો છો. આ વોઇસ નોટ માટે રેકોર્ડિંગનો મહત્તમ સમય 30 સેકન્ડનો હોય છે અને શેર કરવામાં આવેલી વોઇસ નોટ્સને સાંભળવા માટે લોકોએ વ્હોટ્સએપનું પોતાનું વર્ઝન અપડેટ કરવું પડે છે. ફોટોઝ અને વીડિયોઝની જેમ જ વોઇસ નોટ્સ પણ 24 કલાક પછી અદૃશ્ય થઈ જાય છે, એકવાર તેને સ્ટેટસ અપડેટ્સ તરીકે પોસ્ટ કરવામાં આવે છે.