છેલ્લા ઘણા દિવસોથી વ્હોટ્સએપ તેની પ્રાઈવસી પોલિસીને કારણે વિવાદોમાં છે. તેવામાં વ્હોટ્સએપ યુઝર્સ પર વધુ એક જોખમ તોળાઈ રહ્યું છે. ‘વોર્મ’ નામનો માલવેર વ્હોટ્સએપ એન્ડ્રોઈડ યુઝર્સને ટાર્ગેટ કરી રહ્યો છે. આ માલવેર તમારા કોન્ટેક્ટ્સ ઈન્ફેક્ટ કરી શકે છે.
આ માલવેરની માહિતી ESETના સિક્યોરિટી રિસર્ચર Lukas Stefankoએ આપી છે. તેમણે આ માલવેરને ‘એન્ડ્રોઈડ વોર્મ’ નામ આપ્યું છે. આ માલવેર તમારા ફોનમાં એડવેર અપલોડ કરે છે અને ત્યારબાદ આપમેળે તમારા કોન્ટેક્ટ્સને વ્હોટ્સએપ મેસેજ મોકલી તેનો ફેલાવો કરે છે.
લોભામણી જાહેરાતોથી યુઝર્સને ટાર્ગેટ કરે છે માલવેર
આ માલવેર તમારા ફોનમાં ત્યારે ઈન્સ્ટોલ થાય છે જ્યારે તમે લોભામણી જાહેરાતો પર ક્લિક કરો છો. આવી જાહેરાતોમાં તેમની લિંક પર ક્લિક કરવા અથવા એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. આવા મેસેજ પર ક્લિક કરતાં જ માલવેર તમારા સ્માર્ટફોન પર કબજો કરી લે છે. આ પ્રકારની લિંક પર ક્લિક કરતાં તે તમને ગૂગલ પ્લે સ્ટોર જેવી દેખાતી વેબસાઈટ પર લઈ જાય છે. ત્યારબાદ તમને કોઈ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરવા માટે કહેવામાં આવે છે. તે Huawei Mobile app જેવું દેખાય છે. એક વાર તે ઈન્સ્ટોલ થઈ જાય તો તે નોટિફિકેશન એક્સેસ માગે છે.
આ વ્હોટ્સએપ માલવેર એ પ્રકારે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે તે એપના ક્વિક રિપ્લાય ફીચરનો ઉપયોગ કરી શકે છે. આ માલવેર તમારી જાણ બહાર તમારા વ્હોટ્સએપ કોન્ટેક્ટ્સને માલવેરવાળી લિંક સેન્ડ કરે છે. સામે વાળા યુઝરને તમારી મોકલેલી લિંક પર ભરોસો હોવાથી ક્લિક કરી તે પણ આ માલવેરનો શિકાર બને છે. આ રીતે માલવેર પોતાનો ફેલાવો કરે છે.
આ પ્રકારનો માલવેર તમને શંકાસ્પદ મેસેજ કરી તમારા પૈસા ચાઉં કરી શકે છે. પરંતુ Stefankoનું માનવું છે કે, આ પ્રકારના માલવેરનો ઉપયોગ અન્ય ખતરનાક મેસેજ સેન્ડ કરવા માટે પણ થઈ શકે છે. તેનાથી તમારી પ્રાઈવસી અને બેંક અકાઉન્ટને ભારે નુક્સાન પહોંચી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.