PUBG પર ગ્રહણ:નવાં નામ અને નવી પોલિસી સાથે લોન્ચ થનારી 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા' ગેમ બૅન થઈ શકે છે, જાણો શા માટે

8 મહિનો પહેલા
  • અરુણાચલ પ્રદેશના MLA નિનોન્ગ એરિંગે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા'ને બૅન કરવાની અરજી કરી
  • નવાં નામ સાથે ગેમનું કમબેક કરનારી ક્રાફ્ટન કંપનીએ ચાઈનીઝ કંપની ટેન્સેન્ટના વર્કર્સને તેની ટીમમાં સામેલ કર્યા હોવાનો દાવો

'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા'ના નામથી PUBG ભારતમાં કમબેક કરવા જઈ રહી છે. 18 મેથી પ્રી રજિસ્ટ્રેશન પણ શરૂ થયું છે. જોકે ગેમનું ઓફિશિયલ લોન્ચિંગ હજુ બાકી છે. તેના પહેલાં જ ગેમ પર ગ્રહણ લાગી ગયું છે. તેને લીધે કહી શકાય તે નવાં નામ અને નવી પોલિસી સાથે લોન્ચ થનારી PUBG બૅન થઈ શકે છે. અરુણાચલ પ્રદેશના MLA નિનોન્ગ એરિંગે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા'ને બૅન કરવાની અરજી કરી છે.

આમ કરવા પાછળનું કારણ જણાવતા નિનોન્ગ પત્રમાં કહે છે કે, ગેમ ડેવલપ કરનારી સાઉથ કોરિયન કંપની ક્રાફ્ટને ચાઈનીઝ કંપની ટેન્સેન્ટના વર્ક્સને તેની ટીમમાં સામેલ કર્યા છે. આ સાથે જ તેમણે લખ્યું કે ગૂગલ પ્લે સ્ટોરમાં 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા' PUBG MOBILEના નામથી મેન્શન થયેલી છે.

જો નિનોન્ગની અરજી પર ગૃહ મંત્રાલય કે IT મંત્રાલય વિચારણા કરી કોઈક કડક પગલાં ભરે તો PUBGનાં લોન્ચિંગ પર ગ્રહણ લાગી શકે છે. તેમના પત્રમાં નિનોન્ગે ગેમને એડિક્શન, હાનિ અને મૃત્યુનું જોખમ ગણાવી છે.

કંપનીએ પ્રી રજિસ્ટ્રેશન શરૂ કર્યું

કંપનીએ ગેમના પ્રી રજિસ્ટ્રેશન અંગે કહ્યું કે, યુઝર્સ સ્પેસિફિક રિવોર્ડ્સ માટે ક્લેમ કરી શકે છે. આ રિવોર્ડ્સ માત્ર ઈન્ડિયન પ્લેયર્સ માટે જ છે. પ્રી રજિસ્ટ્રેશન માટે યુઝર્સે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પ્રી રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે. ગેમ લોન્ચિંગ સમયે ક્લેમ રિવોર્ડ આપમેળે રીડીમ થઈ જશે. ક્રાફ્ટને જણાવ્યું કે 18 વર્ષથી ઓછી નંબરના યુઝર્સે તેમના પેરેન્ટ્સનો નંબર આપવો પડશે. અર્થાત 18 વર્ષથી ઓછી વયના યુઝર્સે પેરેન્ટ્સની પરમિશન લેવાની જરૂર પડશે.

ડેટા સિક્યોરિટી પ્રાયોરિટી
પ્રાઈવસી અને ડેટા સિક્યોરિટીને પ્રાથમિકતા આપતા ક્રાફ્ટને દરેક સ્ટેજમાં ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તેના પાર્ટનર સાથે કામ કર્યા હોવાની વાત કરી છે. તેનાથી કંપની સુનિશ્ચિત કરશે કે પ્રાઈવસીના અધિકારોનું સમ્માન થાય અને ડેટાનું કલેક્શન અને સ્ટોરેજ ભારતના કાયદાનું પાલન કરી થાય.

FAU-Gને ટક્કર મળશે
આ બેટલ ગેમને દેશી બેટલ ગેમ FAUGથી સીધી ટક્કર મળશે. FAUG ફર્સ્ટ પર્સન શૂટર ગેમ છે. ગેમને બેંગલોરની કંપની nCore ગેમ્સે ડેવલપ કરી છે. PUBG બૅન થયા બાદ એક્ટરર અક્ષય કુમારે મેડ ઈન ઈન્ડિયા FAU-G ગેમ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, FAU-Gને આત્મનિર્ભર ભારત મુહિમ હેઠળ ડેવલપ કરાઈ છે. ગેમ્સની થતી કમાણીના 20% ભારતના વીર ટ્ર્સ્ટને ડોનેટ કરવામાં આવશે.

શા માટે બૅન થઈ હતી PUBG
ગત વર્ષે લદ્દાખમાં ચીનની સેના સાથે સીમા પર વિવાદ થયા બાદ ચીન સંબંધિત 400થી વધારે એપ્સ સરકારે બૅન કરી હતી. ભલે PUBG સાઉથ કોરિયન કંપની ક્રાફ્ટને ડેવલપ કરી હતી પરંતુ PUBG મોબાઈલ ઈન્ડિયાના નામથી તેને ચીનની કંપની ટેન્સેન્ટ લઈને આવી હતી. તેને કારણે આ એપ પણ બૅન થઈ હતી. બૅન કરવા પાછળનું મોટું કારણ ચીનનો કાયદો હતો. તે હેઠળ ચીન કંપનીઓએ તેનું સર્વર ચીનમાં જ રાખવાનું હોય છે. તેનાથી ડર હતો કે PUBG રમી રહેલા ભારતીય યુઝર્સનો ડેટા ચીનમાં લીક થાય છે. તેથી હવે ચીનના હસ્તક્ષેપ વગર કંપની તેને નવાં નામ અને નવી પોલિસી સાથે લોન્ચ કરવા જઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...