‘ફિઝિકલ સેફ્ટી કી’:એક સમયે નેટ કંપનીઓએ ‘વર્ચ્યુઅલ કી’થી સુરક્ષાના નિયમો બદલ્યા હતા, FB એકાઉન્ટની સુરક્ષા માટે ‘ચાવી’

વૉશિંગ્ટન2 વર્ષ પહેલા
ફિઝિકલ સેફ્ટી કીની તસવીર - Divya Bhaskar
ફિઝિકલ સેફ્ટી કીની તસવીર
  • FBને હેકરથી બચાવવાનો ઉપાય, લૉન્ચ થશે એક કી કે જે સુરક્ષા પૂરી પાડશે

વર્ષો સુધી આપણાં ઘર-સંસ્થાઓની સુરક્ષા તાળાં-ચાવી પર આધારિત હતી. પછી ટેક્નોલોજીનો જમાનો આવ્યો, તો ઈન્ટરનેટ કંપનીઓએ પાસવર્ડરૂપી ‘વર્ચ્યુઅલ કી’ લાવીને સુરક્ષાની પદ્ધતિ અને નિયમો જ બદલી નાંખ્યા. ઘર-દુકાન, તિજોરીની સુરક્ષા પણ પાસવર્ડના ભરોસે થઈ ગઈ. બેન્ક ખાતાં, લૉકર, ઘરની સિક્યોરિટી સિસ્ટમ પણ ‘વર્ચ્યુઅલ કી’ની મોહતાજ થઈ ગઈ. હવે આ જ ટેક્નોલોજી કંપનીઓ જૂના જમાનાની ચાવી પર વિશ્વાસ કરવા લાગશે, તો તમે શું કહેશો?

ફેસબુકની નવી જાહેરાત
હાલમાં જ દુનિયામાં સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબુકે જાહેરાત કરી છે કે ડેટા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તે આવતા વર્ષથી દુનિયાભરના યુઝર્સને ‘ફિઝિકલ સેપ્ટી કી’ એટલે કે ‘સુરક્ષાની ચાવી’ ઉપલબ્ધ કરાવશે. ફેસબુકની સુરક્ષા નીતિના વડા નાથનિએલ ગ્લીઈકરના મતે, યુઝર્સ વિવિધ રિટેલર્સ પાસેથી ટોકન કે ફિઝિકલ ચાવી ખરીદી શકે છે. તે ઓનલાઈન પણ ખરીદી શકાશે. ફેસબુક સાથે તે રજિસ્ટર કરતા જ તેનો ઉપયોગ થઈ શકશે.

ટેક્નોલોજી પણ સુરક્ષામાં બંધાઈ
ફેસબુકે કહ્યું છે કે હેકરો વિવિધ ક્ષેત્રની હસ્તીઓનાં સોશિયલ મીડિયા હેન્ડલ સાથે જોડાયેલી માહિતીને નિશાન બનાવે છે. તમે સીઈઓ કે મોટા નેતા નથી, તેનો અર્થ એ નથી કે તમે તમારા ક્ષેત્રની મહત્ત્વની વ્યક્તિ નથી અથવા તો તમને કોઈ ટાર્ગેટ નહીં કરે. હેકરોના ખતરાથી બચવા માટે ફેસબુક અત્યાર સુધી ટુ-સ્ટેપ વેરિફિકેશન અને રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમનો ઉપયોગ કરતી હતી. પરંતુ ‘ફિઝિકલ સેફ્ટી કી’ના લૉન્ચિંગે સાબિત કરી દીધું છે કે આખરે ટેક્નોલોજી કંપનીઓએ પણ વર્ષો જૂના સુરક્ષાના માપદંડ અપનાવવા પડ્યા છે.

સામાન્ય યુઝર પણ હવે આ કી વાપરી શકશે
ફેસબુકનું માનવું છે કે યુઝર્સ આ સિક્યોરિટી કીનો ઉપયોગ કરશે તો હેકર તેમના એકાઉન્ટમાં ઘૂસી નહીં શકે. પછી ભલે તે પાસવર્ડ બ્રેક કરી લે. અત્યાર સુધી ફેસબુક દ્વારા આવી વર્ચ્યુઅલ કી અમેરિકન નેતાઓ, સરકારી એજન્સીઓ અને મતદાન અધિકારીઓ જેવા હાઈપ્રોફાઈલ એકાઉન્ટ ધારકોને અપાતી. હવે આવતા વર્ષથી દુનિયાભરના સામાન્ય યુઝર્સ પણ મોબાઈલ એપ અને ડેસ્કટોપ લોગ-ઈન પહેલાં ‘ફિઝિકલ સેફ્ટી કી’નો ઉપયોગ કરી શકશે.

યુએસબી પોર્ટમાં લગાવી શકાય એવી ચાવી, કિંમતનો ખુલાસો નથી
‘ફિઝિકલ સેફ્ટી કી’ પેન ડ્રાઈવ જેવી હોય છે. તેને યુએસબી પોર્ટમાં લગાવવાની હોય છે. સૌથી પહેલાં ગૂગલે 2014માં યુએસબી સિક્યોરિટી કી લૉન્ચ કરી હતી. ફેસબુકની ‘ફિઝિકલ સેફ્ટી કી’ની કિંમત શું હશે તેનો હજુ સુધી ખુલાસો નથી કરાયો.

અન્ય સમાચારો પણ છે...