ટેક ન્યુઝ:એપલે ભારતીય ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ સ્વીકારવાનું બંધ કર્યું, સપોર્ટ પેજમાં આ અંગે સ્પષ્ટતા કરી

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

એપલ હવે એપ સ્ટોર પરની એપ્લિકેશનો અને સબ્સ્ક્રિપ્શન્સ માટેની ચુકવણી પદ્ધતિ તરીકે ભારતીય ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સને સ્વીકારશે નહિ. એપલે તાજેતરમાં જ ભારતમાં બિલિંગ માટે તેના સપોર્ટ પેજને અપડેટ કર્યું છે અને સ્પષ્ટતા કરી છે કે, એપ સ્ટોર પર ભારતીય યુઝર્સે આગળ જતા સબ્સ્ક્રિપ્શન્સ અથવા એપ્લિકેશન્સ માટે ચૂકવણી કરતા સમયે વૈકલ્પિક ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે. એપલ યુઝર્સ છેલ્લા બે મહિનાથી ફરિયાદ કરી રહ્યા છે કે, તે તેમના સેવ કરેલા કાર્ડથી એપ્લિકેશન્સના સબ્સ્ક્રિપ્શન માટે ચૂકવણી કરી શકતા નથી ત્યારે હાલ એપલના સપોર્ટ પેજમાં આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે.

ભારતમાં નિયમનકારી આવશ્યકતાઓ રિકરિંગ વ્યવહારોની પ્રક્રિયા માટે લાગુ પડે છે. જો તમારી પાસે ભારતીય ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ છે અને તમારી પાસે સબ્સ્ક્રિપ્શન છે તો તે તમારા વ્યવહારોને અસર કરી શકે છે. એપલે સપોર્ટ પેજ પર જણાવ્યું હતું કે, એપલના સબ્સ્ક્રિપ્શન્સ અથવા એપ્લિકેશન્સ માટે કાર્ડથી કરવામાં આવેલા અમુક ટ્રાન્ઝેક્શન રિજેક્ટ થઇ શકે છે અને આ કાર્ય તમારી બેન્ક કે કાર્ડ ઈશ્યુ કરનાર કરી શકે છે. જોકે, એપલના યુઝર્સ તેમના એપલ આઇડી બેલેન્સનો ઉપયોગ કરીને એપ્લિકેશન્સ અને સબ્સ્ક્રિપ્શન્સ માટે ચૂકવણી કરવાનું ચાલુ રાખી શકે છે. જો યૂઝર્સને પોતાના એપલ આઇડીમાં વધુ બેલેન્સની જરૂર હોય તો તે એપ સ્ટોર કોડ્સ, નેટ બેન્કિંગ અને યુપીઆઈનો ઉપયોગ કરીને ઉમેરી શકે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દ્વારા સેવ ડેબિટ અને ક્રેડિટ કાર્ડના ફરજિયાત ટોકનાઇઝેશનની જાહેરાત કર્યા પછી આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ પગલા હેઠળ વેપારીઓએ કાર્ડના ટોકનાઇઝેશનને સક્ષમ બનાવવા અને રિકરિંગ ચુકવણીઓ સ્વીકારવાનું ચાલુ રાખવા માટે CoF data (Card on File) સાચવવી પડશે. આ ફેરફારનો અમલ યુઝર્સને સાયબર ફ્રોડ અને અન્ય નાણાકીય કૌભાંડોથી બચાવવા માટે કરવામાં આવ્યો છે. નેટફ્લિક્સ જેવી અન્ય કંપનીઓએ પણ નવા નિયમનને સ્વીકારીને રિકરિંગ ચુકવણીને શક્ય બનાવવા માટે ફેરફારો કર્યા છે.