ટેક ન્યુઝ:એન્ડ્રોઈડ યુઝર્સ એ આઈફોન યુઝર્સ કરતાં વધુ નમ્ર અને સારા ડ્રાઇવર, એક અભ્યાસમાં ખુલાસો થયો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જેરી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ એન્ડ્રોઈડ યુઝર્સ વધુ સારા ડ્રાઇવર છે.
  • રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેણે 20,000 ડ્રાઈવરોને 13 કિલોમીટર ડ્રાઈવ કરાવીને તેમનો ડ્રાઈવિંગનો ડેટા એકત્રિત કરીને તેમની વર્તણૂકનું વિશ્લેષણ કર્યું હતું.
  • જેરી દ્વારા કરવામાં આવેલા અધ્યયનમાં એ પણ બહાર આવ્યું છે કે, એન્ડ્રોઈડ યુઝર્સ એ આઈફોન યુઝર્સ કરતાં વધુ ખુલ્લાં અને પ્રામાણિક હોય છે.

મોટાભાગના લોકો સ્માર્ટફોનની ખરીદી કરતાં સમયે આઈફોન ખરીદવાનો આગ્રહ વધુ પડતો રાખે છે, તે પોતાના બજેટ પ્રમાણેનું આઈફોનનું મોડેલ પસંદ કરીને ખરીદે છે. જોકે, કેટલાક યૂઝર્સને આઈફોન એટલા પણ પસંદ નથી હોતાં, તે ખુશી-ખુશી આટલી જ રકમ ખર્ચીને સારો એવો એન્ડ્રોઇડ ફોન લે છે અને સંભવતઃ વધુ ફીચર્સ પણ મેળવે છે. તમે કયાં સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તેના પરથી તમારા વિશે ઘણું બધું જાણી શકાય છે. નવીનતમ અધ્યયનમાં આઈફોનનો ઉપયોગ કરનારા અને એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરતા લોકોની પ્રકૃતિ બહાર આવી છે. આ અભ્યાસમાં જાહેર કરવામાં આવેલી ઘણી બધી બાબતો કદાચ આઈફોન યુઝર્સને પસંદ નહીં આવે, પરંતુ એન્ડ્રોઈડ યુઝર્સને આઈફોન યુઝર્સ કરતા વધુ સારી રેટિંગ આપવામાં આવી છે.

સ્માર્ટફોન કાર વીમાની તુલના કરનાર જેરીના પ્રકાશિત તારણો અનુસાર, એન્ડ્રોઈડ યુઝર્સ આઈફોન યુઝર્સ કરતાં વધુ સારા ડ્રાઇવર હોવાનું જાણવા મળે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેણે 13 કિલોમીટર ડ્રાઈવિંગ દરમિયાન એકત્રિત કરવામાં આવેલા 20,000 ડ્રાઇવરોની ડ્રાઈવિંગ વર્તણૂકનું વિશ્લેષણ કર્યું હતું. હાથ ધરવામાં આવેલાં તમામ પરીક્ષણોમાં એન્ડ્રોઈડ યુઝર્સ એ આઈફોન યૂઝસ કરતાં સવાયા સાબિત થયા હતાં. જેરીએ 14 દિવસના સમયગાળામાં 20,000 ડ્રાઈવરો પાસેથી એકત્રિત કરવામાં આવેલા ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. આ ડેટાએ એકંદરે ડ્રાઈવિંગ સ્કોર તેમજ એક્સેલરેશન, સ્પીડ, બ્રેકિંગ, ટર્નિંગ અને અડચણો માટે સબ-સ્કોર્સ જનરેટ કર્યા હતા. ત્યારબાદ અમે સ્માર્ટફોન ઓપરેટિંગ સિસ્ટમ અને વિવિધ જનસાંખ્યિક લાક્ષણિકતાઓ દ્વારા પરિણામોનું જૂથ બનાવ્યું, અહેવાલમાં એવું જાણવા મળ્યું હતું કે, આઈફોન યુઝર્સ ડ્રાઇવિંગ કરતી વખતે તેમના ફોનની વારંવાર તપાસ કરે તેવી સંભાવના વધુ છે જ્યારે આ બાબત એન્ડ્રોઈડ યુઝર્સમાં ઓછી જોવા મળે છે.

જેરી દ્વારા હાથ ધરવામાં આવેલા અધ્યયનમાં એ પણ બહાર આવ્યું છે કે, એન્ડ્રોઈડ યુઝર્સ આઈફોન યુઝર્સ કરતાં વધુ ખુલ્લાં અને પ્રામાણિક છે. અહેવાલમાં આગળ ઉમેરવામાં આવ્યું છે કે, એન્ડ્રોઈડ યુઝર્સ આઈફોન યુઝર્સની જેમ લક્ઝરી વસ્તુઓ તરફ મોહ રાખતાં નથી. અભ્યાસ મુજબ એન્ડ્રોઈડ યુઝર્સ વધુ ઇમાનદાર હતાં, તેમનામાં ઉચ્ચ સ્તરની પ્રામાણિકતા જોવા મળી અને તે નિયમોનો ભંગ પણ ખુબ જ ઓછો કરે છે. બીજી તરફ આઈફોન યુઝર્સ વર્તનમાં ઓછા સુસંગત અને અપ્રમાણિક હતા. તેમણે ભાવુકતાની ઉચ્ચતર કક્ષાઓ દર્શાવી હતી. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગના આઈફોન યુઝર્સ એન્ડ્રોઈડ યુઝર્સ કરતાં નાના હતા અને સલામત ડ્રાઇવિંગમાં ઉંમર મુખ્ય ભૂમિકા ભજવે છે. તમે જેટલા મોટા થાવ છો તેટલી જ તમારી જોખમ લેવાની ભૂખ ઓછી થતી જાય છે, પરંતુ યુવાન ડ્રાઈવરો વિશે આવું કહી શકાતું નથી, તે સ્વભાવે એકદમ સાહસિક હોય છે અને તેમનામાં ડરનું પ્રમાણ પણ ખુબ જ ઓછું હોય છે. આ અભ્યાસમાં બે કોમન ફેક્ટર સામે આવ્યા એ છે આઈફોન અને આ ફોન ધરાવતાં લોકોની ઉંમર કે જેના આધાર પરથી એવું કહી શકાય કે, આઈફોન યુઝર્સ કરતાં એન્ડ્રોઇડ યુઝર્સ વધુ સારાં અને વિનમ્ર ડ્રાઇવર છે.