મેટાની માલિકીનું ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ વ્હોટ્સએપ યૂઝર્સની સુરક્ષા અને અનુભવને સારો બનાવવા માટે નવા-નવા ફીચર્સ ઉમેરતું રહે છે. કંપનીએ વર્ષ 2022માં અનેક નવા ફીચર્સ બહાર પાડ્યા હતા, જેમાં મેસેજ રિએક્શન્સ, કમ્યુનિટી, મેસેજ યોરસેલ્ફ, વિવિધ એડિટિંગ ટૂલ્સ અને ઘણા બધા ફીચર્સનો સમાવેશ થાય છે. આ વર્ષે, લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ યૂઝર્સની વોઇસ, વીડિયો અને મેસેજની ક્વોલિટીમાં સુધારો કરવા માટે અનેક નવા ફીચર્સ રોલ આઉટ કરે તેવી અપેક્ષા છે. વર્ષ 2023માં વ્હોટ્સએપ દ્વારા લોન્ચ થઈ શકે તેવા અમુક અપેક્ષિત ફીચર્સ નીચે મુજબ છે.
સ્ટેટસ યોગ્ય ન લાગે તો રિપોર્ટ કરી શકશો
આ ફીચરની મદદથી યૂઝર્સ જો કોઈનું સ્ટેટસ યોગ્ય ન લાગે તો તેને જાણ ન થાય તે રીતે આ સ્ટેટસ અંગે રિપોર્ટ કરી શકશે. ઈન્સ્ટાગ્રામ સહિત અન્ય મેટા-માલિકીનાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ફીચર પહેલેથી જ ઉપલબ્ધ છે. એક વખત કોઈપણ દ્વારા સ્ટેટસ રિપોર્ટ કરવામાં આવે તે પછી તેને આગળની કાર્યવાહી માટે વ્હોટ્સએપને મોકલવામાં આવશે.
5 ચેટ્સ એકસાથે પિન કરી શકશો
અહેવોલો મુજબ વ્હોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે યૂઝર્સને ટોચ પર 5 ચેટ એકસાથે પિન કરવાની મંજૂરી આપશે. હાલમાં, આ એપ ફક્ત ત્રણ વ્હોટ્સએપ ચેટ્સને પિન કરવાની મંજૂરી આપે છે.
વ્યૂ વન્સ ટેક્સ્ટ
ટૂંક સમયમાં વ્હોટ્સએપ યૂઝર્સને એવા સંદેશા મોકલવાની મંજૂરી આપશે કે, જેને યૂઝર ખોલશે અને જોઈ લેશે એટલે તે આપમેળે જ ડિલીટ થઈ જશે. આ ફીચર ‘વ્યૂ વન્સ મીડિયા’ ફીચરની જેમ જ કામ કરે છે. વ્હોટ્સએપ યૂઝર્સ આ સુવિધા સાથે સુરક્ષિત રીતે સંવેદનશીલ માહિતીની આપ-લે કરી શકશે અને તેમની ટેક્સ્ટ વાતચીતની ગોપનીયતા જાળવી શકશે. હાલમાં તેને કંપની દ્વારા ડેવલોપ કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેને બીટા ટેસ્ટિંગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
સર્ચ મેસેજીસ બાય ડેટ
યૂઝર્સ આ ફીચરનો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ તારીખથી ચોક્કસ વાતચીતને શોધી અને પાછા સ્ક્રોલ કરવા માટેની સુવિધા આપશે. હાલ બીટા ટેસ્ટિંગમાં આ ફીચર આવનાર સમયમાં દરેક માટે ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી આશા છે.
આઇફોન પર વિડિયો કોલ માટે પિક્ચર-ઇન-પિક્ચર (PIP) મોડ
PIP મોડ યૂઝર્સને વ્હોટ્સએપ વીડિયો કોલ દરમિયાન સ્માર્ટફોનમાં મલ્ટિટાસ્ક અને અન્ય એપ્લિકેશનો બ્રાઉઝ કરવામાં મદદ કરી શકે છે. તે વીડિયો કોલ વિન્ડોને એક નાના ઇન્ટરફેસમાં લાવે છે, જેને અન્ય એપ્લિકેશનોનો ઉપયોગ કરતી વખતે મોબાઇલ સ્ક્રીનની આસપાસ ખસેડી શકાય છે. જો કે, આ સુવિધા પહેલાથી જ એન્ડ્રોઇડ યૂઝર્સને મળે છે અને ટૂંક સમયમાં તમામ iOS યૂઝર્સ માટે પણ ઉપલબ્ધ કરવામાં આવશે. WABetaInfoનાં જણાવ્યા પ્રમાણે આ નવું ફીચર છેલ્લા એક મહિનાથી વ્હોટ્સએપ દ્વારા ટેસ્ટિંગમાં છે અને હવે કેટલાક iOS બીટા ટેસ્ટર્સને ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે પરંતુ, આગામી એપ અપડેટ્સમાં તે દરેક આઇફોન યૂઝર્સ માટે ઉપલબ્ધ રહેશે.
વ્હોટ્સએપ ડેસ્કટોપ માટે સ્ક્રીન લોક ફીચર
વ્હોટ્સએપ એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જે યૂઝર્સને પોતાની ડેસ્કટોપ એપ ખોલવા માટે પાસવર્ડ સેટ કરવાની સુવિધા આપશે. એપ ખોલવા માટે સિક્યોરિટી કોડ સેટ કરવાની ક્ષમતા પહેલાથી જ એન્ડ્રોઇડ અને આઇઓએસ પર વ્હોટ્સએપ યુઝર્સ માટે ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં વ્હોટ્સએપ વેબ યુઝર્સ પણ તેમની ડેસ્કટોપ એપ માટે સિક્યોરિટી પિન સેટ કરી શકશે. આ સુવિધા આગામી મહિનાઓમાં વિન્ડોઝ અને મેકઓએસ બંને માટે ઉપલબ્ધ થઈ શકે છે.
વ્હોટ્સએપ ડેસ્કટોપ પર મલ્ટીપલ ચેટ્સની સુવિધા
વ્હોટ્સએપનું ડેસ્કટોપ વર્ઝન હાલમાં યૂઝર્સને એકસાથે મલ્ટીપલ ચેટ્સ પસંદ કરવાની મંજૂરી આપતું નથી. જો કે, તે વ્હોટ્સએપનાં એન્ડ્રોઇડ અને iOS વર્ઝન પર ઉપલબ્ધ છે. આ ફીચરથી યૂઝર્સ આ જ રીતે વાંચી શકાય તેવી વ્યક્તિગત ચેટ્સને ડિલીટ, આર્કાઇવ અથવા માર્ક કરી શકે છે. WABetaInfoનાં જણાવ્યા પ્રમાણે હાલ આ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.