જ્યારથી એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી અનેક ફેરફાર થઈ રહ્યા છે. બ્લૂ વેરિફાઇડ સબ્સ્ક્રિપ્શનનો વાર્ષિક પ્લાનની જાહેરાત કરી છે. આ પ્લાન માસિક પ્લાનની તુલનામાં ઘણો સારો છે. ટ્વિટર બ્લૂના આ મંથલી પ્લાનની કિંમત 8 ડોલર (આશરે 650 રૂપિયા) હતી, પરંતુ જો યુઝર્સ વાર્ષિક પ્લાન લે છે તો 84 ડોલરમાં (આશરે 6836 રૂપિયા)માં ખરીદી શકે છે. એટલે કે વાર્ષિક પ્લાન પર 12 ડોલરની (આશરે 976 રૂપિયાની) બચત થશે, જેમાં અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જાપાનનો સમાવેશ થાય છે.
તો એપલના IOS દ્વારા ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શન ખરીદનારા યુઝર્સને દર મહિને 11 ડોલર (આશરે 895 રૂપિયા) ચૂકવવાના રહેશે. હાલ આઇઓએસ પર વાર્ષિક પ્લાન ઉપલબ્ધ નથી. ટ્વિટર બ્લૂના સબ્સ્ક્રિપ્શનની સાથે બ્લૂ ચેકમાર્ક સહિત કેટલાક અન્ય કેટલાક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. જોકે બ્લૂ ચેકમાર્કને પ્રોફાઇલ પર દેખાવામાં થોડું મોડું થઇ શકે છે. આ પાછળ એવું કારણ છે કે આ ચેકમાર્ક રિવ્યૂ બાદ જ આપવામાં આવશે. તો એક રિપોર્ટ અનુસાર, જે લોકોએ નવું ટ્વિટર એકાઉન્ટ બનાવ્યું છે તે લોકો 90 દિવસ માટે બ્લૂ ટિક લઇ શકશે નહીં.
ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શનમાં શું-શું મળશે?
8 ડોલરના આ સબ્સ્ક્રિપ્શનમાં યુઝર્સને ટ્વીટ એડિટ કરવાની, 1080p એટલે કે HD ક્વોલિટીમાં વીડિયો અપલોડ કરવાની, રીડર મોડ અને બ્લૂ ચેકમાર્ક મળશે .બ્લૂ ચેકમાર્ક નંબરને પણ વેરિફાઈ કરવામાં આવશે. એકાઉન્ટને રિવ્યુ કરવાની પ્રોસેસ શું હશે એ હજુ સુધી સ્પષ્ટ નથી. આ સિવાય રિપ્લાય, મેંશન અને સર્ચમાં પ્રાથમિકતા આપવામાં આવશે. સામાન્ય યુઝર્સની સરખામણીએ 50% ઓછી જાહેરાતો જોવામાં આવશે અને નવી સુવિધાઓને પણ પ્રાથમિકતા મળશે.
સબ્સ્ક્રાઇબર્સ તેમના હેન્ડલ, ડિસ્પ્લે નામ અથવા પ્રોફાઇલ ફોટો પણ બદલી શકશે, પરંતુ જો તે કંઇપણ ફેરફાર કરશે તો તેમના એકાઉન્ટની ફરીથી સમીક્ષા ન થાય ત્યાં સુધી બ્લૂ ટિક હટાવી દેવામાં આવશે. ટ્વિટરે એ પણ જાહેર કર્યું છે કે બિઝનેસના સત્તાવાર લેબલને ગોલ્ડ ચેકમાર્કથી બદલવામાં આવશે. સરકારી અને બહુપક્ષીય ખાતાઓ માટે ગ્રે ચેકમાર્ક હશે.
9 નવેમ્બરે લોન્ચ બાદ સર્વિસને હોલ્ડ કરી દીધી
ટ્વિટરે 9 નવેમ્બરના રોજ ટ્વિટર બ્લૂને ચેકમાર્ક બેજ સાથે લોન્ચ કર્યું હતું, જોકે ફેક એકાઉન્ટની સંખ્યા વધવાના કારણે 2 દિવસ બાદ ટ્વિટર બ્લૂ સાઇનઅપને હોલ્ડ પર રાખી દેવામાં આવ્યું હતું. ઘણા લોકોએ ટ્વિટર બ્લૂનું 8 ડોલરનું સબ્સ્ક્રિપ્શન લીધા બાદ ટેસ્લા, એલી લિલી અને અન્ય ઘણી કંપનીઓનાં એકાઉન્ટ બનાવ્યા હતા અને બ્લૂ ચેકમાર્ક પણ લીધું હતું. બ્લૂ ચેકમાર્કવાળા એલી લિલીના પેરોડી એકાઉન્ટની કંપનીના શેર પર પણ અસર પડી હતી.
બ્લૂ સબ્સ્ક્રિપ્શનથી જોડાયું છે બ્લૂ ચેકમાર્ક
મસ્કના ટેકઓવર પહેલાં બ્લૂ ચેકમાર્ક ફક્ત રાજકારણીઓ, સેલિબ્રિટીઝ, પત્રકારો અને અન્ય જાહેર હસ્તીઓ માટે જ રિઝર્વ હતું. તેમાં ઘણી બાબતો સામેલ હતી, જેમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આઈડીને લેવા માટે સબ્મિટ કરવા સહિતની બાબતો સામેલ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.